નવસારી: જાહેરનામાની ઐસીતૈસી, POPની મૂર્તિઓ વેચાણમાં

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી, વેસ્મા: પર્યાવરણની જાણવણી અર્થે ચાલુ વરસે પણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પીઓપીની મૂર્તિનું વેચાણ ન કરવા તથા વેચાણ કરાય તો મૂર્તિઓ જપ્ત કરવાનું જાહેરનામુ બહાર પડાયું છતાં બજારમાં પીઓપીની મૂર્તિઓ વેચાણ માટે આવી ગઇ છે. હાલ અંદાજિત 300થી વધુ પીઓપી મૂર્તિ બનીને તૈયાર છે. દર વર્ષે ગણેશોત્સવ નજીક આવે છે ત્યારે પીઓપીની મૂર્તિનો મુદ્દો ઉછળે છે.
ગણેશોત્સવને અઢી મહિના બાકી રહ્યા
છેલ્લા કેટલાક વર્ષથી નવસારી જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટની રૂએ કલેકટર આવી પીઓપીની મૂર્તિનું વેચાણ ન કરવા જાહેરનામુ પણ બહાર પાડે છે પરંતુ આવી મૂર્તિઓ બને છે, વેચાય છે અને તેનું વિસર્જન પણ થાય છે. ચાલુ સાલ પણ ગણેશોત્સવને અઢી મહિના બાકી રહ્યા છે ત્યારે પીઓપીની મૂર્તિનો પ્રશ્ન ફરી ચર્ચાવા માંડ્યો છે. હાલમાં જ નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટની રૂએ કલેક્ટર રવિકુમાર અરોરાએ 24મી મે એ એક જાહેરનામુ બહાર પાડ્યું છે.

જિલ્લા મેજિસ્ટ્રેટે પીઓપીની મૂર્તિ માટે પ્રતિબંધક જાહેરનામું બહાર પાડ્યું

આ જાહેરનામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 20 નીચેની પેટા કલમ (1) તેમજ આ અધિનિયમની કલમ 144 અન્વયે કેટલાક પ્રતિબંધ ફરમાવ્યા છે. જેમાં જણાવ્યું છે કે મૂર્તિની બનાવટમાં કુદરતી વસ્તુઓનો ધાર્મિક રીતે પ્રણાલિગત ચીકણી માટીનો ઉપયોગ કરવો, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી કે પ્લાસ્ટર ઓફ પરિસ (પી.ઓ.પી)નો ઉપયોગ કરવો નહી. વધુમાં એમ પણ જણાવ્યું છે કે,જાહેરનામાનો ભંગ કરીને કોઇ મૂર્તિકાર કે વિક્રેતાઓ દ્વારા દેવી-દેવતાઓની મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતા કક્ષાનાં સિન્થેટીક, રસાયણ કે કેમિકલ, ડાયયુક્ત રંગોનો ઉપયોગ કરીને મૂર્તિઓ ધ્યાનમાં આવશે તો તે સમયે કે વેચાણનાં સમયે જપ્ત કરવામાં આવશે. નવસારી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ નવસારી જિલ્લામાં બહાર પડી ગયું હોવા છતાં પીઓપીની મૂર્તિઓ બની રહી છે એ વેચાણ માટે આવી પણ ગઇ છે. ગત વર્ષે ચીખલીમાં પીઓપીની મૂર્તિ બનાવી વેચનારા ત્રણની અઠક કરવામાં આવી હતી.
નવસારીમાં ગત વર્ષે 139થી વધુ પીઓપીની પ્રતિમાનું વિસર્જન થયું હતુ

પીઓપીની શ્રીજી પ્રતિમા સંદર્ભે ગત વર્ષે પણ વહીવટીતંત્રએ કડકાઈ દાખવી હતી છતાં નવસારીમાં વિરાવળ કૃત્રિમ તળાવમાં 139થી વધુ નાની મોટી પીઓપીની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. જોકે ચાલુ વર્ષે આ આંકડો વધવાની શક્યતા છે. નવસારીમાં અંદાજિત 50થી વધુ જગ્યાએ મૂર્તિઓ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં હાલના તબક્કે તપાસ કરતા 300થી વધુ પીઓપીની પ્રતિમા બની ગઈ છે.
મૂર્તિઓ સંદર્ભે જાગૃતિ લાવવાનો હેતુ

જાહેરનામું બહાર પાડવાનો મુખ્ય આશય પીઓપીની મૂર્તિઓ સંદર્ભે જાગૃતિ લાવવાનો છે. જો કે આ મામલે પોલીસ વિભાગ સાથે ચર્ચા કરી શકાય! -રવિકુમાર અરોરા, કલેકટર
કૃત્રિમ તળાવો માત્ર નામના
પીઓપીમૂર્તિ સંદર્ભે બહાર પડાયેલા જાહેરનામામાં આવી મૂર્તિને વિસર્જન સમયે નદીઓ-તળાવના કિનારે પૂજનવિધિ કરી કિનારે રાખવા તથા નદી-તળાવમાં નહીં પધરાવવા જણાવાયું છે. આવી મૂર્તિઓ કૃત્રિમ તળાવો બનાવ્યા સિવાય વિસર્જન ન કરવા પણ જણાવાયું છે. અહીં ઉલ્લેખનીય છે કે, જાહેરનામાને લઇને તંત્ર તથા મંડળો કૃત્રિમ તળાવનાં નામે ખાબોચિયા જેવુ નાનું તળાવ બનાવે છે અને અનેક પીઓપી મૂર્તિ સીધી નદીમાં જતી હોવાનું પણ કહેવાય છે.
જાહેરનામું કેમ બહાર પડાયું?

જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડેલા જાહેરનામા અંગે કારણો બતાવાયા છે. જેમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (સરકારનાં વન અને પર્યાવરણ વિભાગ)તરફથી દરિયા, નદી, તળાવનાં પાણી તથા પર્યાવરણમાં થતાં પ્રદુષણને અટકાવવા માટે આપેલા સૂચનો તથા ધી નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં તા.9-5-2013નાં હુકમ તથા નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનાં સેન્ટ્રલ ઝોન ભોપાલનાં આમુખ-(4)નાં તા.18—8-2015નાં હુકમને આધાર બનાવાયો છે.
મંડળોની વિશેષ જવાબદારી બને છે

મને જે માહિતી અપાઈ છે તેમાં એવું જણાવાયું છે કે કોર્ટનો ચૂકાદો એવો છે કે કોઈને પીઓપીની મૂર્તિ બનાવતા યા વેચતા રોકી શકાય નહીં પરંતુ જ્યારે તે મૂર્તિ મંડળના કાર્યકરો સ્થાપના માટે લઈ જાય છે ત્યાંથી તેમની વિશેષ જવાબદારી બને છે એટલે જવાબદાર મંડળોએ કૃત્રિમ તળાવમાં જ આવી પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવુ અનિવાર્ય છે. જોકે માટીની મૂર્તિ બનાવવાનો અભિગમ દરેક મંડળોએ રાખવો જોઈએ. જેથી જાહેરનામાના ભંગનો પ્રશ્ન જ નહીં નડે. હાલ 80 ટકા મૂર્તિ માટીની જ હોવાનો અંદાજ છે. - કનક બારોટ, પ્રમુખ, નવસારી સમસ્ય ગણેશ મંડળ સંગઠન


અન્ય સમાચારો પણ છે...