નવસારી: મોડી રાત્રે પૂર્ણા-અંબિકા નદીમાં પૂરની સ્થિતિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીને અડીને પસાર થતી પૂર્ણા નદીમાં પાણીની સપાટી વધતા પૂરની સ્થિતિ સર્જાય છે. નદીમાં પાણી વધતા નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લી માહિતી મુજબ શહેરના ભેંસતખાડા, ગધેવાન બંગલો વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે.  તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. નવસારીને અડીને આવેલા વિરાવળ ગામની હદમાંથી પસાર થતા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હાલ રાત્રે 10 વાગ્યા સુધીમાં પૂર્ણા નદીની સપાટી 21.75 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. તેની ભયજનક સપાટી 23 ફૂટ છે.
 
નવસારી અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ગણદેવીના 4 ગામ સંપર્કવિહોણા
નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા શહેરના નીચાણવાળા વિસ્તારો પૈકી સૌ પ્રથમ ભેંસતખાડા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. ઉપરાંત શાંતાદેવી રોડ, બાપુનગર અને સી.આર. પાટીલ સંકુલ વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. ચીફ ઓફિસર રમેશભાઈ જોષી સહિત અધિકારીઓએ શહેરના નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તમામ કામગીરી બાબતે એલર્ટ રહેવા ફાયરબ્રિગેડના જવાનોને તાકિદ કરી હતી.  ભેસતખાડા અને ગધેવાન બંગલો વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોએ ધીમે ધીમે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
 
લોકો ગધેવાન વિસ્તારમાં પૂરના પાણીને જોવા ઉમટી પડતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને દૂર કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા. આ ઉપરાંત અમલસાડ-ગણદેવીને જોડતો રોડ, આંતલીયા-ઉંડાચથી હાઈવેને જોડતો માર્ગ,આંતલીયા-ઘેકટી માર્ગ ઉપર પાણી ફરી વળતા સીધો સંપર્ક તૂટયો છે. બીલીમોરા નજીક ઉંડાચ રાઘવ ફળિયામાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરક થતા વીજપુરવઠો ખોરવાયો હતો. ગણદેવી તાલુકાના ગોયંદી, ભાઠા, ઘોલ અને દેવધા ગામ અંબિકા નદીમાં આવેલા પૂરને કારણે સંપર્ક વિહોણા બન્યા હોવાની માહિતી સાંપડી છે.
 
સોનવાડી નજીક નાનો પુલ બંધ કરી દેવાયો

અંબિકા નદીમાં પણ પાણીની સપાટી આ લખાય છે ત્યારે રાત્રે 10 કલાકે 24 ફૂટ ઉપર પહોંચી ગઈ હતી. જેના કારણે અંબિકામાં પણ પૂરની સ્થિતિ ઉભી થઈ છે. બીલીમોરા શહેરના બંદર રોડ ઉપર આવેલી વસાહતમાં 20 ઘરોમાં નદીના પાણી ફરી વળતા તેમણે સ્થળાંતર કરવું પડ્યું હતું. અંબિકા નદીમાં પૂરની સ્થિતિ ઉભી થતા સોનવાડી ખાતેનો નાનો પુલ બંધ કરી દેવાયો છે અને ત્યાં પોલીસ ખડકી દેવામાં આવી છે.
અન્ય સમાચારો પણ છે...