ચીખલીમાં ધંધા-રોજગારને કરોડોનું નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીખલી: ચીખલીમાં ઓખી વાવાઝોડાની અસર વર્તાતા જનજીવન ઉપર માઠી અસર જોવા મળી હતી. વરસાદને પગલે ખેતી સહિત અન્ય ધંધા-રોજગારને પણ વ્યાપક નુકસાન થયું છે.વરસાદને પગલે ચીખલી વિસ્તારના સંખ્યાબંધ ખેડૂતો સાથે ચીખલી વિસ્તારમાં ધમધમતા અનેક ધંધા-રોજગારને પણ વ્યાપક અસર થતા કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. જેમાં ખેડૂતોએ તુવેર, પાપડી, શાકભાજી તેમજ આંબાના વૃક્ષો પર ટૂંક સમયમાં આવનાર મોરની ફૂટ પર પણ અસર થઈ છે. પશુપાલકોએ પણ મોટુ નુકસાન વેઠવાનો સમય આવ્યો છે કે જેઓએ પશુઓનો ચારો ખુલ્લામાં નાંખ્યો હતો એ પલળી જતા મોટુ નુકસાન વેઠવાની નોબત આવી છે.

 

માવઠાને પગલે ક્વોરી, ઇંટના ભઠ્ઠા,  ટ્રાન્સપોર્ટ, સુગર ફેક્ટરીતથા ખેતી જેવા પ્રમુખ ઉદ્યોગોને વિપરીત અસર


ગામડામાં વસતા લોકો કે જેમના લાકડા, છાણા તેમજ અન્ય ચીજવસ્તુઓ કે જે ખુલ્લામાં પડી છે એ ભીંજાઈ જતા નુકસાન વેઠવા સાથે અનેક મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. ચીખલી વિભાગમાં દક્ષિણ ગુજરાતનો મોટો કવોરી ઉદ્યોગ ધમધમે છે. જેના પગલે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો પણ વિકાસ થયો છે. વાપીથી તાપી સુધી રસ્તાના કામો કરનાર અનેક રોડ કોન્ટ્રાકટરના ડામર પ્લાન્ટો પણ ચીખલી વિભાગમાં આવેલા છે, જે વરસાદના પગલે ઠપ થઈ જતા હજારો ટ્રકના પૈડાં થંભી જવા સાથે મોટી સંખ્યામાં મજૂરવર્ગ હાલના તબક્કે બેકાર બન્યો છે. સુગર ફેકટરી અને ખાંડસરીના પ્લાન્ટમાં શેરડીનો જથ્થો વરસાદને પગલે કાપણી અટકી જતા સુગર ફેકટરી અને ખાંડસરી પણ બંધ થઈ જવા પામી છે.

 

વરસાદના કારણે રાતથી જાગતા જ બેઠા છે


રાતથી વરસાદ આવતા અડધી રાતથી જાગતા જ બેઠા છે. કાગળ પ્લાસ્ટીકના છાપરા બાંધ્યા છે પરંતુ એમાં પણ પાણી પડતું થઈ જતા અંદર પણ રહી શકાય એમ નથી અને વરસાદથી શેરડી કટિંગ બંધ થતા એમજ બેઠા છે.- લાહનુભાઈ, શેરડી કટિંગ મજૂર

 

કાચી ઇંટ ધોવાતા નુકસાન તો વેઠવું પડશે


એકાએક બે દિવસમાં વાતાવરણમાં ફેરફાર આવ્યા બાદ વરસાદ ચાલુ થતા કાચી અને તૈયાર કરેલી ઈંટ કે જેને પકવવાની બાકી છે એ ધોવાઈ જતા નુકસાન વેઠવાનો સમય આવ્યો છે. જેને પ્લાસ્ટીકથી ઢાંકવામાં આવી છે પરંતુ નુકસાન તો વેઠવું પડશે. - રાજેન્દ્રસિંહ પરમાર, ઈંટ ઉત્પાદક, ધોળીકુવા

 

ગોળ ઉત્પાદન પર મોટી અસર થવાની નોબત


કમોસમી વરસાદથી શેરડીનું કટિંગ બંધ થવા સાથે સંખ્યાબંધ મજૂરો કાપણી વિના બેકાર બેઠા છે. સાથે ગોળ ઉત્પાદન પર પણ મોટી અસર થવાની નોબત આવતા ગોળ ઉત્પાદકોને આ વખતે પડતા પર પાટુ મારવા જેવી હાલત થવા પામ છે. - વિકાંતભાઈ ચૌહાણ,  ગોળ ઉત્પાદક

અન્ય સમાચારો પણ છે...