તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીમાં મેલુપ્રથા કાયદાના ભંગ થતાં હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: મેલુ પ્રથા પ્રતિબંધનો કાયદો હોવા છતાં નવસારીમાં કર્મચારીઓને ડ્રેનેજમાં અંદર ઉતારી ગંદવાડ સાફ કરાવી કાયદાનો ભંગ કરાવાઈ રહ્યાની વાતે હોબાળો મચી ગયો છે. નવસારીમાં થોડા દિવસો અગાઉ કચરાના ટ્રેકટરમાં માનવીની લાશને લઈ જવા બાબતે ભારે હોબાળો મચી ગયો હતો. હવે સફાઈના કર્મચારીઓ પાસે મેલુ પ્રથા બંધ હોવા છતાં ડ્રેનેજમાંથી ગંદવાડ સાફ કરાવાઈ રહેવા બાબતે વિવાદ ઉભો થયો છે.
નવસારી શહેરમાં મોટુ ડ્રેનેજનું અને વરસાદી પાણીના નિકાલની ગટરનું નેટવર્ક છે.
 
મેલુપ્રથા કાયદાનો ભંગ થયાની સામાજિક અગ્રણીઓએ કલેકટરને લેખિત ફરિયાદ કરી
 
આમ તો અહીંની પાલિકા આ ડ્રેનેજ અને વરસાદી પાણીની ગટરો સાફ કરાવવા મશીનો વગેરેનો ઉપયોગ કરે છે પરંતુ આજે બુધવારે સવારે ડ્રેનેજ સાફ કરવા પાલિકાના સફાઈકર્મી ડ્રેનેજની અંદર ઉતરી ગંદવાડ બહાર ઉલેચી રહ્યાની વાત બહાર આવતા હોબાળો મચી ગયો હતો. શહેરના સ્ટેશન રોડ ઉપર ઠાકોરવાડી નજીકના પેટ્રોલપંપ પાસેથી પસાર થતી ડ્રેનેજમાં કર્મચારી અંદર ઉતરેલ જોવા મળ્યો હતો.  કર્મચારી ડ્રેનેજમાંથી પાવડાથી તગારામાં ભરી ગંદવાડ ઉલેચી ટ્રેકટરમાં નાંખી રહેલો જોવા મળ્યો હતો. સરકારે જ્યારે મેલુપ્રથા બંધ કરવાનો કાયદો અપનાવ્યો છે ત્યારે આ કાયદાનો ભંગ થઈ રહ્યાનું જણાતા શહેરના કેટલાક અગ્રણીઓએ આ મામલે જિલ્લા કલેકટરને એક લેખિત ફરિયાદ કરી દીધી હતી.
 
એડવોકેટ પરેશ વાટવેચા, ભાવેશ પરમાર વગેરેએ લેખિત ફરિયાદમાં નગરપાલિકાની સ્ટેશન રોડની ડ્રેનેજમાંથી ગંદવાડ સાફ કરાવાતી વેળા મેલુપ્રથાનો ભંગ કરાયાનું જણાવ્યું હતું. વધુમાં સફાઈ કર્મચારીઓને ગટર સફાઈમાં આધુનિક સાધનો ન આપી દેશી પદ્ધતિથી ગટર સફાઈ કરાવાઈ રહ્યાની ફરિયાદ કરી હતી. આ અંગે નવસારી પાલિકાની ડ્રેનેજ સમિતિના ચેરમેન હિંમતભાઈ પટેલે જણાવ્યું કે નવસારીમાં મેલુપ્રથા અમલી છે જ નહીં ! જે ગટરની વાત કરાઈ રહી છે તે વરસાદી પાણીની ગટર છે.  બીજી તરફ એડવોકેટ પરેશ વાટવેચાએ જણાવ્યું કે કદાચ વરસાદી પાણીની ગટર હોય તો પણ તેમાં હાલ વરસાદી પાણી વહેતુ નથી, ડ્રેનેજનું ગંદુ પાણી અને ગંદવાડ જ પસાર થાય છે. આ ગંદવાડ ડ્રેનેજમાં કર્મચારીને ઉતરાવી સાફ કરાવાય એ ખોટુ છે.
 
મેલુપ્રથા કાયદાનો ભંગ ક્યારે થયો ગણાય?

ભૂતકાળમાં ચાલી આવતી મેલુ ઉપાડવાની પ્રથા બંધ કરાવવા કાયદો બનાવ્યો હતો. નવસારીના એડવોકેટ, સફાઈ કર્મચારીઓના હિતેચ્છુ અને ભૂતપૂર્વ કોર્પોરેટર બિપીન રાઠોડે જણાવ્યું કે ડ્રેનેજ સાફ કરતી વેળા મેલુપ્રથાના કાયદાનો ભંગ થાય કે નહીં તે ચોક્કસ કહી શકાય નહીં પરંતુ કર્મચારીને સેફટીના સાધનો ન અપાય તે યોગ્ય નથી. બીજી તરફ એડવોકેટ પરેશ વાટવેચાએ જણાવ્યું કે ડ્રેનેજમાંથી ગંદવાડ ઉલેચી બહાર જે રીતે કઢાય છે તે મેલુપ્રથા કાયદાનો ભંગ જ છે. કાયદામાં આ અંગે સ્પષ્ટ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...