ધોધમાર વરસાદના કારણે નવસારીમાં પાણી ફરી વળ્યું, જુઓ ખાસ તસવીરો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારી જિલ્લામાં ગુરુવારે મળસ્કેથી શરૂ થયેલો વરસાદ અવિરત ચાલુ રહ્યો હતો. ધોધમાર વરસાદના કારણે જિલ્લાના શહેરી અને ગામોના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત વાંસદાના જૂજ અને કેલીયા ડેમ 80 ટકા ભરાયા છે. અા ઉપરાંત વરસાદના કારણે કેટલાંક ઘરોમાં પાણી પણ ભરાયા હતા. વરસાદ ઓછો થતાં ધીમે ધીમે પાણી ઉતરી પણ ગયા હતા.
 
નવસારીને અડીને પસાર થતી પૂર્ણા અને અંબિકા નદીમાં પાણીની સપાટી વધતા પૂરની સ્થિતિ સર્જાય છે. નદીમાં પાણી વધતા નવસારી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. છેલ્લી માહિતી મુજબ શહેરના ભેંસતખાડા, ગધેવાન બંગલો વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે.  તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. નવસારીને અડીને આવેલા વિરાવળ ગામની હદમાંથી પસાર થતા પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. હાલ રાત્રે 10 વાગ્યા સુધીમાં પૂર્ણા નદીની સપાટી 21.75 ફૂટ ઉપર પહોંચી ગઈ છે. તેની ભયજનક સપાટી 23 ફૂટ છે.
 
ઘરોમાં ગુઠણ સુધીના પાણી ભરાયા
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે, ઘરવખરીનો સમાન સાથે પરિવારો સ્થળાંતર કરી રહ્યા છે. કાશીવાડી, ભેસતખાડાનું માછીવાડ, દસેરાટેકરી, સી.આર પાટીલ સંકુલ સાથે બંદરરોડ વિસ્તારમાં પાણી ભરાતા નિચાણવાળા વિસ્તારમાં રેહતા લોકોનો જીવ તાળવે ચોંટી ગયા હતા. ઘરોમાં ગુઠણ સુધીના પાણી ઘુસી જતા પાણીમાં ફસાયેલા લોકોને નુકશાની વેઠવી પડી હતી.
 
નવસારી અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી, ગણદેવીના 4 ગામ સંપર્કવિહોણા
 
નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા શહેરના નિચાણવાળા વિસ્તારો પૈકી સૌ પ્રથમ ભેંસતખાડા વિસ્તારમાં પાણી ભરાય ગયા છે. ઉપરાંત શાંતાદેવી રોડ, બાપુનગર અને સી.આર. પાટીલ સંકુલ વિસ્તારમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. ચીફ ઓફિસર રમેશભાઈ જોષી સહિત અધિકારીઓએ શહેરના નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને તમામ કામગીરી બાબતે એલર્ટ રહેવા ફાયરબ્રિગેડના જવાનોને તાકિદ કરી હતી.  ભેસતખાડા અને ગધેવાન બંગલો વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોએ ધીમે ધીમે સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે.
 
લોકો ગધેવાન વિસ્તારમાં પૂરના પાણીને જોવા ઉમટી પડતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમને દૂર કરવા પ્રયત્ન હાથ ધર્યા હતા. આ ઉપરાંત અમલસાડ-ગણદેવીને જોડતો રોડ, આંતલીયા-ઉંડાચથી હાઈવેને જોડતો માર્ગ,આંતલીયા-ઘેકટી માર્ગ ઉપર પાણી ફરી વળતા સીધો સંપર્ક તૂટયો છે. બીલીમોરા નજીક ઉંડાચ રાઘવ ફળિયામાં વીજ ટ્રાન્સફોર્મર પાણીમાં ગરક થતા વીજપુરવઠો ખોરવાયો હતો. ગણદેવી તાલુકાના ગોયંદી, ભાઠા, ઘોલ અને દેવધા ગામ અંબિકા નદીમાં આવેલા પૂરને કારણે સંપર્ક વિહોણા બન્યા હોવાની માહિતી સાંપડી છે.
 
આગળ જુઓ ખાસ તસવીરો...
અન્ય સમાચારો પણ છે...