ગુજરાતનું એક એવું ગામ જ્યાં ખેલાયો હતો આઝાદીનો આખરી જંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: આઝાદીના રંગે રંગાયેલું જલાલપોર તાલુકાનું મટવાડ ગામ એક ઐતિહાસિક ગામ છે. આઝાદીનો આખરી જંગ બંદૂકધારી બ્રિટિશ પોલીસ અને હથિયાર વિનાની કાંઠા વિસ્તારની જનતા વચ્ચે મટવાડ ગામની ધરતી ઉપર ખેલાયો હતો. જેમાં કાંઠા વિસ્તારના ત્રણ નવલોહીયા યુવાનો શહીદીને વર્યા હતા.

22મી ઓગસ્ટ 1942ના દિવસે એટલે કે 75 વર્ષ અગાઉ આઝાદીની આખરી લડાઇ મટવાડ ગામની ધરતી ઉપર કાંઠા વિસ્તારની જનતા અને પાંચ બંદૂકધારી બ્રિટિશ પોલીસ વચ્ચે ખેલાય હતી. જેમાં બ્રિટિશ પોલીસે વડલાની ઓથે સંતાઇને કરેલા 32 રાઉન્ડ ગોળીબારમાં કાંઠા વિસ્તારના ત્રણ નવલોહીયા યુવાનો શહીદ થયા હતા. આ ઐતિહાસિક વડલો આજે પણ મટવાડ ગામ ખાતે અડીખમ ઊભો છે જે આઝાદીની લડતની ગવાહી પૂરે છે.

મટવાડ ગામ ખાતે 51 સ્વાતંત્ર્યસેનાનીઓ હતા. જો કે આજે એક પણ સ્વાતંત્ર્યસેનાનીઓ હયાત નથી. મટવાડ ગામની હાલની વસતી અંદાજીત 2700 જેટલી છે. અહીં કોળી પટેલ, આહીર, માહયાવંશી, હળપતિ તથા મુસ્લીમ સમાજના લોકો વસે છે. જેમાં સૌથી વધુ કોળી પટેલ સમાજની વસ્તી છે. આ ગામના લોકો અમેરિકા, કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ તથા આફ્રિકા જેવા દેશોમાં નોકરી ધંધાર્થે સ્થાયી થયા છે. ગામના યુવાનો ખાસ કરીને નોકરી અર્થે અખાતના દેશોની ટ્રીપ મારે છે. કેટલાક લોકો ખેતી પશુપાલન સાથે પણ જોડાયેલા છે.

ગામના મહત્તમ રસ્તાઓ સીમેન્ટ કોંક્રીટ કે ડામરની સપાટી વાળા છે. ગામમાં શિક્ષણની સુવિધા માટે બે પ્રાથમિક શાળા તથા ત્રણ આંગળવાડીઓ આવેલી છે. હાલ ગામમાં અંદાજીત 18 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી પોલીટેકનિક કોલેજનું નિર્માણ થઇ રહ્યું છે. આરોગ્ય સેવા માટે વર્ષોથી સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. બેંક કે પોસ્ટ ઓફિસની સુવિધા પણ ગામમાં ઉપલબ્ધ છે. રમત ગમત માટે ટર્ફ વિકેટ ધરાવતું ક્રિકેટ મેદાન પણ ગામમાં ઉપલબ્ધ છે. ગામના ક્રિકેટર સ્વ.પી.જી.નાના ઇ.સ.1975 માં ઇસ્ટ આફ્રિકાની ટીમમાંથી વર્લ્ડકપ રમ્યા હતા. ગામમાં બ્રિટિશ શાસનથી પોલીસ ચોકી આવેલી છે જો કે આજે તે જર્જરિત હાલતમાં છે.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...