ડીજીવીસીએલ કચેરીના કંપાઉન્ડમાં વીજમીટરના ભંગારમાં ભીષણ આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: નવસારીમાં ગ્રીડ ખાતે આવેલા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસના કંપાઉન્ડમાં જૂના સિંગલ અને થ્રી ફેઈસ વીજ મીટરોના ભંગારમાં ધૂળેટીના દિવસે જ સાંજના સમયે આગ લાગતા આગના ગોટા સાથે ભારે ધૂમાડો ફેલાતા લોકો દોડતા થઈ ગયા હતા. વીજ કંપનીની ઓફિસમાં આગ લાગી હોવાની વાતને પગલે લોકો ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડને થતા જ ફાયરબ્રિગેડના ત્રણ બંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા અને દોઢ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં વીજ કંપનીનો 30થી 40 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયાનો અંદાજ લગાવાય રહ્યો છે.
 
આગમાં રૂ. 30થી 40 લાખના ભંગારનો સામાન બળીને ખાખ થયો
 
નવસારીમાં ગ્રીડ પાસે આવેલી દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કંપાઉન્ડમાં ખાલી જગ્યામાં રાખવામાં આવેલા વીજ મીટરના ભંગારમાં અચાનક ધૂળેટીના દિવસે સાંજે 4 કલાકની આસપાસ આગ લાગી હતી. વીજમીટરોના ભંગારમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે ગણતરીના મિનિટોમાં જ આગના ગોટેગોટા ધૂમાડા સાથે દેખાવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ વીજ કંપનીના કવાટર્સમાં રહેલા સ્થાનિક લોકોને થતા જ દોડધામ મચી હતી.  જોકે આગ લાગવાની જાણ થતા જ નવસારી ફાયર બ્રિગેડના બે બંબા તથા વિજલપોર પાલિકાનો એક બંબો મળી કુલ ત્રણ બંબા ઘટનાસ્થળે ધસી ગયા હતા અને પાણી છાંટી આગ ઉપર કાબૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. અંદાજિત દોઢ કલાકની જહેમત બાદ માંડ આગ ઉપર કાબૂ મેળવી શકાયો હતો. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી પરંતુ આ ઘટનાને લઈ વીજ કંપનીનો 30થી 40 લાખનો સામાન બળીને ખાખ થઈ ગયાનો અંદાજ લગાવાઈ રહ્યો છે.
 
પ્લાસ્ટિક મટિરિયલને કારણે આગ વધુ ભડકી

વીજ કંપનીના મીટરમાં પ્લાસ્ટિક ફાયબરના મટિરિયલનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. હાલ થ્રી ફેઈસ અને સિંગલ ફેઈસના વીજમીટર જે ભંગારમાં પડ્યા હતા તેમાં પણ આવા જ મટિરિયલ્સનો મહત્તમ ઉપયોગ કરાયો હોવાથી આગ વધુ જોરથી ભભૂકી ઉઠી હતી અને તેને બુઝાવવામાં સમય લાગ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...