બીલીમોરા: તમામ સમિતિની ફેરરચના કરવા માગ ઉઠી, રાજકારણ ગરમાયું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા: બીલીમોરા નગરપાલિકાના શાસક પક્ષ અને વિપક્ષના 16 સભ્યોએ ગુજરાત પાલિકા અધિનિયમની કલમ 51/2 મુજબ પાલિકા પ્રમુખને વિવિધ કમિટીની ફેરરચના સહિત 22 જાહેર હિતને લગતા કામોની દરખાસ્ત કરી અસાધારણ સભા બોલાવવાની માગણી કરી છે. આ અસાધારણ સભાની દરખાસ્ત થતા બીલીમોરા પાલિકાના રાજકારણમાં ગરમાટો આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર 10મી જૂને બીલીમોરા પાલિકાની સમગ્ર સામાન્ય સભા મળી હતી.
જેમાં વિવિધ 8 કમિટીની રચના કરવા સમયે શાસક પક્ષે બહુમતિના જોરે કમિટીના રચના જાહેર કરી પાંચ મિનિટમાં જ સમગ્ર સભા પૂર્ણ કરી દીધી હતી, જેના કારણે ભારે હોહા મચી જવા પામી હતી. નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને અપમાનજનક પરિસ્થિતિમાં મુકીને તેમના સભ્ય તરીકેના કાયદેસરના હકની ઘોર ઉપેક્ષા કરી ભાજપે પોતાની મનમાની કરી સરમુખત્યારશાહીના દર્શન કરાવ્યા હતા. જેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિપક્ષી તેમજ શાસક પક્ષના સભ્યોએ સમિતિની રચના બાબતે વાંધો ઉઠાવ્યો છે.
સભામાં કાર્યવાહી નિયમોનુસાર થઈ ન હોવાનું જણાવી ચીફ ઓફિસર દર્પણભાઈ ઓઝાને આ અંગે યોગ્ય તે કાર્યવાહી કરી કલેકટરને આ બાબતે માહિતગાર કરવા રજૂઆત કરી હતી. આ ચાલેલા ઘટનાક્રમ સંદર્ભે શાસક પક્ષ ભાજપ તેમજ વિપક્ષ સભ્યો મળી કુલ 16 સભ્યોએ બીલીમોરા પાલિકાના પ્રમુખ સુમનલતાબેન વર્માને એક આવેદનપત્ર પાઠવી ગુજરાત પાલિકા અધિનિયમ 1963ની કલમ 51/2 મુજબ પ્રજાના જાહેરહિતના કામો માટે તાત્કાલિક અસાધારણ સભા બોલાવવા દરખાસ્ત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું છે કે બીલીમોરા ભાજપના શાસનમાં પ્રજાના જાહેર હિતના કામો ન થવાના કારણે અને પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેથી જાહેરહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવા સમગ્ર સભા બોલાવી તાકિદે પ્રશ્ન હલ કરવા રજૂઆત કરી છે.
પાલિકાના વહીવટમાં ભાજપ પક્ષના વધી રહેલા હસ્તક્ષેપના કારણે પાલિકાના વહીવટમાં શહેરના વિકાસ, સમસ્યાના નિવારણ અને સામાન્ય નાગરિકોના કામોના નિરાકરણના બદલ બે ત્રણ અંગત હિત ધરાવતા નેતાઓને કેન્દ્રમાં રાખીને પાલિકાનો સમગ્ર વહીવટ ઘણાં સમયથી ચાલી રહ્યો છે. વધુમાં છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી પાલિકાના ચીફ ઓફિસર વારંવાર રજા પર જતા હોય અને બીજી પાલિકાનો ચાર્જ પણ તેમની પાસે હોય નાગરિકોએ સામાન્ય કામો માટે વારંવાર ધરમધક્કા ખાવા પડે છે. જેથી ગુજરાત મ્યુનિ. એકટની કલમ 49/2 અન્વયે પાલિકાના કેટલાક દાખલાઓ માટે સંબંધિત ખાતાના વડાને તે અંગે હસ્તાંતરિત કરવા પાલિકા નિયામકને દરખાસ્ત કરવાની જરૂરિયાત ઉભી થઈ હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
બીલીમોરા પાલિકામાં વારંવાર જાહેરાત આપવા છતાં ઈજારદારો ટેન્ડર ભરતા ન હોય અને ભરે તો કામો સમયમર્યાદામાં થતા નથી, જેના કારણે બીલીમોરાની જનતા વિકાસના કામોથી વંચિત રહે છે અને જેના કારણે પ્રજાએ હાલાકી ભોગવવી પડી રહી છે. આ તમામ પરિસ્થિતિઓ ધ્યાનમાં લઈને જાહેર હિતને જરૂરી લાગતા મુદ્દાઓને ધ્યાને રાખી ચર્ચા વિચારણ કરવા જરૂરી નિર્ણય કરવા અસાધારણ સભાનું તાત્કાલિક આયોજન કરવા માંગણી કરી છે.
અમારી લડત અન્યાય સામેની છે આ અંગે વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...