તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી: 32 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી મંગુભાઈ વિનાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારી: 32 વર્ષના સમયગાળા બાદ નવસારી જિલ્લાની વિધાનસભાની ચૂંટણી ધારાસભ્ય મંગુભાઈ પટેલ વિના થઈ રહી છે. આ 32 વર્ષ દરમિયાન મંગુભાઈ જિલ્લામાં 6 વખત ધારાસભ્યપદે ચૂંટાયા હતા.


નવસારી જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહી છે. જોકે આ વખતે ઉમેદવારોની નામાવલિને લઈને એક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. વરસો બાદ આ વખતની જિલ્લાની વિધાનસભાની ચૂંટણી મંગુભાઈ પટેલની ઉમેદવારી વિના જ યોજાઈ રહી છે. સતત 32 વર્ષ સુધી મંગુભાઈ જિલ્લાની વિધાનસભાની ચૂંટણીની રેસમાં રહ્યા હતા, જેમાં પ્રથમ વખત હારી ગયા બાદ સતત છ વખતથી જીતી રહ્યા હતા.


નવસારી બેઠક ઉપર સને 1985માં મંગુભાઈ પટેલ કોંગ્રેસના મોહનભાઈ તળાવિયા સામે હારી ગયા હતા. જોકે ત્યારબાદ 1990ની ચૂંટણીમાં નવસારીમાં જ તેમણે મોહન તળાવિયાને પરાજીત કર્યા હતા. 1990 બાદ તો તેઓ 1995,1998, 2002, 2007માં નવસારી બેઠક ઉપર વિજયી થયા હતા. આ દરમિયાન તેમણે ડો. દિનેશ પટેલ, કાનજીભાઈ તળાવિયા, ભાસ્કર રાઠોડ, રાજુભાઈ રાઠોડને નવસારી બેઠક પર પરાજીત કર્યા હતા. નવસારી બેઠક ‘એસટી’ મટી ‘સામાન્ય’ થતા છેલ્લી ચૂંટણી 2012માં તેમણે ગણદેવી બેઠક ઉપરથી લડી હતી.


જોકે ત્યાં પણ ભારતીબેન પટેલને હરાવી મંગુભાઈ વિજેતા રહ્યા હતા. જિલ્લામાં લાંબો સમય ધારાસભ્ય રહેનાર મંગુભાઈ સંભવત:એકમાત્ર છે. 32 વર્ષ બાદ મંગુભાઈ જિલ્લાના વિધાનસભા ચૂંટણીના જંગ ઉમેદવાર તરીકે લડી રહ્યા નથી. 74 વર્ષે પહોંચેલા મંગુભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વખતે વિધાનસભાની ચૂંટણી ઉમેદવાર તરીકે નહીં લડવાની અનિચ્છા બતાવી હતી. જોકે આ વખતે મંગુભાઈ પટેલ સક્રિય છે પરંતુ ઉમેદવાર તરીકે નહીં પરંતુ આદિવાસી વિસ્તારની બેઠકોનો હવાલો ભાજપે સોંપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...