તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આહવાના ઘનકચરાના નિકાલ બાબતે અન્ય ત્રણ ગામના લોકોમાં આક્રોશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાપુતારા: ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા ખાતેનો ઘનકચરો વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે ગ્રામ્ય વિસ્તારોમાં જ ઠલવાતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.મળતી વિગત અને માહિતી મુજબ દરરોજ આહવા ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા નગર-ફળિયા-કોલોનીનો ઘનકચરો-પ્લાસ્ટિક, દવાખાનામાંથી વેસ્ટેજ સાધનસામગ્રી વગેરે આહવાથી થોડે દૂર આવેલા પિપલ્યામાળ, બોરખેત અને ગોંડલવિહિર ગામોની મધ્યમાં જ ઠલવાતો રહ્યો છે, જેથી સ્થાનિક ગામોના લોકોનું પ્રદુષણથી આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે.
- આહવાના ઘનકચરાના નિકાલ બાબતે અન્ય ત્રણ ગામના લોકોમાં આક્રોશ
- નજીકના આવેલા ચેકડેમમાં દવાખાનામાં વપરાતી વેસ્ટેજ સોય મળી આવી
- યોગ્ય નિકાલ ન આવે તો લોકો કચરો જિલ્લા પંચાયત કચેરીએ ઠાલવશે
ઉપરાંત આ સ્થળે મૂંગા જાનવરો પણ કચરાની મિજબાની ઉડાવતા આ ગામોના 6થી 7 ઢોરના મોત થયા છે. આ ગામોના લોકોએ આહવામાંથી ઠલવાતો ઘનકચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવાને મામલે ડાંગ કલેકટરને લેખિત રજૂઆત કરી છે.લેખિત રજૂઆતમાં ગોંડલવિહિર ગામના ઉતુસ્યાભાઈ ઉધાર તથા આસપાસના ગામોના લોકોએ જણાવ્યું છે કે ગોંડલવિહિર ગામની સીમમાં સરવે નં. 95મા આહવા નગરના પ્રદુષણયુક્ત અને વેસ્ટેજ કચરો ગ્રામપંચાયત આહવા દ્વારા ઠલવાઈ રહ્યો છે. જે કચરામાં વેસ્ટેજ કચરો, તેલવાળા પ્લાસ્ટિક તેમજ દવાખાનાની સાધનસામગ્રીનો મૂંગા ઢોરો ખોરાક તરીકે લેતા ઢોરો મૃત્યુ પામી રહ્યા છે. જેમાં 25મી ફેબ્રુઆરીએ પણ ગાયનું મોત નીપજ્યું હતું.
વળી આહવા નગરના ઠલવાતો ઘનકચરાની જગ્યાએ ચેકડેમ પણ આવ્યો છે જ્યાં આ ગામોના લોકો ચેકડેમમાંથી નહાવા-ધોવા માટે પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ચેકડેમમાં પાણીમાં પણ કાચની બાટલી અને દવાખાનામાં વપરાતી વેસ્ટેજ સોય તથા નાની-નાની કાચની બાટલીઓ પણ પાણીમાં ફેંકી દેવામાં લોકોનું ઘણું જ નુકસાન થઈ રહ્યું છે.આહવા નગરનો ઘનકચરા માટે વૈકલ્પિક વ્યવસ્થા અન્ય સ્થળે કરવા સંબંધે ગ્રામસભામાં પણ ઠરાવો કર્યા છે તેમ છતાં સંબંધિત ગ્રામપંચાયતના સત્તાધિશો અને અમલવારી અધિકારીઓએ ગ્રામસભાના ઠરાવોને અભરાઈએ ચઢાવી દીધા હોય એવી અનુભૂતિ થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં આહવા નગરમાંથી પીપલ્યામાળ ગામ નજીક પ્રદુષિત ઠલવાતો ઘન કચરો અન્ય જગ્યા પસંદ કરી વૈકલ્પિક સુવિધા કરવામા ન આવશે તો આ ત્રણેય ગામોના લોકો આહવા ગ્રામપંચાયત દ્વારા ઠલવાતો કચરો જિલ્લા સેવા સદન કચેરીએ ઠાલવવા મજબૂર કરશે એવો લોકોએ મક્કમ નિર્ધાર કરી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
અન્ય સમાચારો પણ છે...