Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવસારીમાં જળ જાગૃતિ કાર્યક્રમ અને ગૃહ વિજ્ઞાન તાલીમ યોજાઈ
વર્તમાનમાં ગ્લોબલ વોર્મિગની અસરને લીધે દિન પ્રતિદિન અનિયમિત વરસાદના કારણે વર્ષ દરમિયાન ચોમાસા બાદ ફેબ્રુઆરી-માર્ચ મહિનાથી જ વિવિધ વિસ્તારોમાં પાણીની તંગી વર્તાવા લાગે છે. તેથી ખેડૂત સમાજમાં જળ સંરક્ષણ વિશે જાગૃતિ કેળવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા રાષ્ટ્રના જળપુરૂષ (વોટર મેન ઓફ ઈન્ડિયા) મેગ્સેસ એવોર્ડથી સન્માનિત રાજેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં જળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રના વડા ડો. સી.કે. ટીંબડીયાએ મહાનુભાવોનું સ્વાગત કર્યુ હતું. કાર્યક્રમમાં પ્રફુલાબેન નાયક, સંચાલક મંડળના સભ્ય રીટાયર્ડ પ્રોફેસર ડો. રમણભાઈ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં રાજેન્દ્રસિંહે કુદરતી જૈવિક ચક્ર જાળવી, વધુ વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ વધારવાથી વરસાદનું પ્રમાણ વધારી શકાય. જેથી હરિયાળી ક્રાતિના સર્જન સાથે ગ્લોબલ વોર્મિગની અસરો ઘટાડી શકાય છે. ગામે ગામ જળ સંચય અને વરસાદી પાણીના સંગ્રહ માટેના વ્યકિતગત કામો ન કરતા સમગ્ર સૃષ્ટિ અને બધા માટે લાભ થાય તેવા સામૂહિક જળ સંરક્ષણ અને જળ સંવર્ધન માટેના પ્રયાસો કરવા પર ભાર મૂકયો હતો. વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. પટેલે ખેડૂતોને કૃષિલક્ષી જળ સંચયના કાર્યો માટે હાંકલ કરી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જળ સંરક્ષણ માટેની નાટયકૃતિ રજૂ કરી જળ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે ગૃહ વિજ્ઞાન વિષય હેઠળ જાસૂદના ફૂલનું શરબતનું પરિરક્ષણ માટેની તાલીમ યોજાઈ હતી. કાર્યક્રમમાં જિલ્લાના 145 ખેડૂત મહિલાઓ અને ખેડૂત ભાઈઓએ ઉત્હપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંકલન નિતલબેન પટેલે અને સંચાલન ડો. સુરેન્દ્ર ગોહિલે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કર્મચારીગણે કરી હતી.
કૃષિ તાલીમ