• Gujarati News
  • ખડસુપા CHC ખાતે શ્રમિક યુવાન ઉપર હુમલો

ખડસુપા CHC ખાતે શ્રમિક યુવાન ઉપર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીતાલુકાના ખડસુપા બોર્ડિંગ ખાતે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સેન્ટીંગનું કામ કરતા યુવાન ઉપર સવારે અજાણ્યા ચાર જેટલા શખ્સોએ કોઈ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ફરાર થઈ જવાની ઘટના ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે.

નવસારી તાલુકાના પૂર્વપટ્ટીના ગામોમાં આવેલા ખડસુપા બોર્ડિંગ ખાતે આવેલા સીએચસીમાં પાછળના ભાગે નવી બિલ્ડિંગનું છેલ્લા સાતેક માસથી બાંધકામ ચાલતુ હતું. બાંધકામ પૂર્ણતાની આરે હોય અંદાજિત પાંચ જેટલા મજૂર ત્યાં કામ અર્થે રોકાયા હતા. તેમાં યુપીના અલહાબાદનો સંદીપ પ્રજાપતિ (ઉ.વ. 22) પણ હતો. તે પણ અન્ય મજૂરોની સાથે સેન્ટીંગનું કામ કરીને રાત્રે બિલ્ડિંગમાં આગળના ભાગે સુઈ જતો હતો. જ્યારે તેના સાથી મજૂરો પરિવાર સાથે હોવાથી પાછળના ભાગે સુતા હતા. દરમિયાન ગુરૂવારે મળસ્કે 4 કલાકની આસપાસ કોઈ અજાણ્યા ચારેક શખ્સોએ એકલા સૂતેલા સંદીપ ઉપર તીક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. તેને ગળાના ભાગે ગંભીર ઈજા કરી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ ઈજાગ્રસ્ત સંદીપ ઉઠીને સીએચસીના દરવાજા સુધઈ લોહીલુહાણ હાલતમાં પહોંચ્યો હતો અને ત્યાં હાજર આરોગ્ય કેન્દ્રના સ્ટાફને ઉઠાડ્યો હતો. સ્ટાફના માણસોએ તાત્કાલિક ડોકટરને જાણ કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંદીપની સારવાર શરૂ કરી હતી. ગંભીર ઈજાને પગલે તેને વધુ સારવાર અર્થે નવસારી સિવિલ અને ત્યાંથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા કોન્ટ્રાકટર ભાવેશભાઈ સહિતના માણસો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટના સંદર્ભે ગ્રામ્ય પોલીસને જાણ થતા પોલીસે ઘટનાની નોંધ લઈ તપાસ શરૂ કરી છે.

ખડસુપા સીએચસીની પાછળ થઈ રહેલું બાંધકામ જ્યાં યુવાન ઉપર હુમલો થયાની ઘટના ઘટી હતી.

અજાણ્યા ચાર યુવાનોએ હુમલો કર્યો, યુવાનને સારવાર અર્થે સુરત લઇ જવાયો