તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માતેલા સાંઢની જેમ દોડતી ટ્રકે બાળકીને કચડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંવિઠ્ઠલવાડી પાસે ત્રણ રસ્તા નજીક ઉસ્માની ચીકન સામે રોડ પર રેતી ભરેલી બેફામ દોડતી ટ્રક અને મોપેડ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મોપેડચાલક મહિલા તથા અન્ય બાળકીને ઈજા પહોંચતા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ટ્રકનો ચાલક ઘટનાસ્થળે ટ્રક મુકી ભાગી છૂટ્યો હતો.

નવસારીમાં તીઘરા જકાતનાકા પાસે સંગાથ રેસિડેન્સીમાં રહેતા અને મૂળ જલાલપોર તાલુકાના પોંસરા ગામના વતની જાગૃતિબેન વિહારભાઈ વશી આજે સોમવારે બપોરે 3.30 કલાકે પોતાની એવીએટર મોપેડ (નં.જીજે-21-આર-7162) ઉપર દીકરી ઝાંઝર (ઉ.વ. 9) અને તેની બહેનપણી માહીને બેસાડીને ટ્યૂશન કલાસમાં મુકવા જવા નીકળ્યા હતા. બપોરે 3.30 કલાકની આસપાસ છાપરા રોડની સામે અને ઉસ્માની ચીકન સેન્ટર આગળ વિઠ્ઠલવાડી પાસે એક ટ્રક (નં. જીજે-21-ટી-3068)ના ચાલકે ટ્રક પૂરપાટ ઝડપે હંકારી જાગૃતિબેનના એવીએટરને ટક્કર મારી દીધી હતી. જેના પગલે તેઓ ત્રણેય જણાં રોડ ઉપર ફસડાઈ પડ્યા હતા.

વખતે કાળમુખી ટ્રકનું ટાયર ઝાંઝર ઉપરથી ફરી વળતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે જાગૃતિબેન વશી અને ઝાંઝરની બહેનપણી માહીને પણ ઈજા પહોંચતા તમામને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ફરજ ઉપરના ડોકટરે ઝાંઝરને મૃત જાહેર કરતા વશી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઝાંઝર એસજીએમ સિરોયા હાઇસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. અકસ્માતની ઘટના બાદ ટ્રકચાલક પોતાની ટ્રક ઘટનાસ્થળે મુકી ફરાર થઈ ગયો હતો. ઘટનાની પ્રતિક જીતેન્દ્રભાઈ દેસાઈએ ટાઉન પોલીસ મથકમાં ટ્રકચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નવસારીમાં વિઠ્ઠલવાડી નજીક અકસ્માત સર્જાયો હતો. ઇનસેટમાં ઝાંઝરની ફાઇલ તસવીર

બાળકીની જનેતાનું અગાઉ ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું, બાળકી ટયૂશન જઇ રહી હતી

વશી પરિવારે દીકરી ગુમાવી

પોંસરાગામના વશી પરિવારે અગાઉ વહુ કાનનને મરોલી નજીક ટ્રેન અકસ્માતમાં ગુમાવી હતી. આજે વશી પરિવારે દીકરી ઝાંઝર ગુમાવી દેતા વશી પરિવારના સભ્યોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આજે ઝાંઝર સ્ટેપ મધર અને તેની બહેનપણી ટ્યૂશન જઈ રહી હતી ત્યારે અકસ્માત નડતા તેનું મોત થયું હતું.

અડધો કિ.મી. વાહનોની કતાર રહી

ટ્રકઅને મોપેડ વચ્ચે થયેલા અકસ્માત બાદ અડધો કિ.મી. સુધી વાહનોની કતાર લાગી ગઈ હતી. ટ્રાફિક જામને દુર કરવા પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. જોકે અકસ્માત સ્થળે પહોંચવા માટે પણ પોલીસને કેટલોય સમય લાગી ગયો હતો. બાદમાં ટ્રક અને મોપેડને અટક કરી વાહનવ્યવહાર શરૂ કરાયો હતો.

માતા સાથે મોપેડ પર ટ્યૂશન જતી હતી, ટ્રકચાલક ફરાર

અન્ય સમાચારો પણ છે...