નવસારી વિસ્તારમાં 1200નું સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્ણાનદીમાં આવેલા પૂરને કારણે વરસાદી પાણી નવસારી પંથકના અનેક નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશી જતા અંદાજે 1200 લોકોને સ્થળાંતર કરાવાયું હતું.

પૂર્ણા નદી જ્યાંથી નીકળે છે એવા ઉપરવાસ ડાંગ જિલ્લો તથા મહુવા-વાલોડ વિસ્તારમાં ગઈકાલે ગુરૂવારે પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણાની સપાટી આમ તો ગુરૂવારે બપોર બાદ વધવાની શરૂઆત થઈ ચૂકી હતી પરંતુ ગુરૂવારે સાંજના સમય બાદ સપાટી ઝડપભેર વધી રાત્રે 10 કલાકે 22 ફૂટ (ભયજનક 23 ફૂટ)ને ઓળંગી ગઈ હતી.

નદીની સપાટી 22 ફૂટને ઓળંગતા વહીવટીતંત્ર તથા નવસારી પાલિકા તંત્રે શહેરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરવા તાકિદ કરી હતી. પૂર્ણાની સપાટી રાત્રે 12 વાગ્યે ભયજનક 23 ફૂટને ઓળંગી ગઈ હતી. જેને લઈને અનેક નીચાણવાળા વિસ્તારો જેવા કે બંદરરોડ, રાયચંદ રોડ, શાંતાદેવી રોડ, પ્રકાશ ટોકીઝ, ભેંસતખાડા, કાશીવાડી, મિથિલાનગરી, રંગુનનગર, દશેરાટેકરી, રેલરાહત કોલોની, ગધેવાનમાં પાણી ભરાઈ ગયા હતા. ઉક્ત વિસ્તારોમાંથી ઘણાંને તાબડતોડ અન્યત્ર શાળા, હોલ વગેરેમાં સ્થળાંતર કરાવાયા હતા.

નવસારી શહેરમાંથી નીચાણવાળા 200 કુટુંબોના 800 માણસોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા હતા. ઉપરાંત નવસારીને અડીને આવેલા ચોવીસી, કાછીયાવાડી, રામલામોરામાંથી પણ 72 કુટુંબોના 350થી વધુ લોકોનું મોચી પંચની વાડી, 18 ગાળા મકાનમાં સ્થળાંતર કરાવાયું હતું. રાત્રે સ્થળાંતર થયેલા લોકો સાંજ સુધી સલામત સ્થળે રહ્યા બાદ આજે નદીની સપાટી ઘટતા પુન: કેટલાક કુટુંબોએ પરત ઘરે જવાની શરૂઆત કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારી પંથકમાં સ્થળાંતર તો 275થી 300 કુટુંબોએ કર્યું પરંતુ પૂર-વરસાદના પાણી 1 હજાર ઘરોમાં પ્રવેશી ગયાનો અંદાજ છે.

સ્થળાંતર કરેલા તથા જ્યાં પાણી ઘરમાં પ્રવેશેલા હતા તમામને શુક્રવારે બપોરે અને સાંજે પણ નગરપાલિકાએ ભોજન મોકલાવ્યું હતું. અસરગ્રસ્તોને સહાય કરવા પાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ, એક્ઝિ. ચેરમેન પ્રેમચંદ લાલવાણી, સીઓ રમેશ જોષી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. નવસારીમાં જોકે શુક્રવારે સાંજ સુધીમાં કોઈ જાનહાનિ થઈ હતી.

પૂર્ણાની સપાટી

સમયસપાટી (ફૂટમાં)

ગુરૂવારે રાત્રે 10 22.15

ગુરૂવારે રાત્રે 12 23

શુક્રવારે સવારે 10 23

શુક્રવારે બપોરે 12 22.57

શુક્રવારે બપોરે 2 22.33

શુક્રવારે બપોરે 4 20.25

શુક્રવારે બપોરે 6 19.25

(ભયજનક 23 ફૂટ)

શહેર અને આસપાસનાં ગામો મળી 1000થી વધુ ઘરમાં પાણી ભરાયાં, પાણી ઓરસતાં લોકો ફરી ઘરે પરત થયા

નવસારી નજીક પૂર્ણા ભયજનક સ્થિતિ વટાવતા નીચાણવાળા વિસ્તારમાં 300 કુટુંબોને સ્થળાંતર કરાવાયું

અન્ય સમાચારો પણ છે...