નવસારી તાલુકામાં મા કાર્ડની રામાયણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીતાલુકામાં મા કાર્ડ બનાવવા માટે લાભાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. તાલુકાના મા કાર્ડ બનાવનાર કોન્ટ્રકટરના માણસો નિયમિત હાજર રહેતા તથા મશીનમાં પણ ખામી રહેતા લાભાર્થીઓ આંટાફેરા કરી રહ્યા છે.

સરકારે મા કાર્ડની ખુબ સારી યોજના અમલી બનાવી છે. યોજના અંતર્ગત લાભાર્થીઓએ રેશનકાર્ડ, આવકનો દાખલો, આધારકાર્ડ-ચૂંટણી કાર્ડ વગેરે રજૂ કરવાનું હોય છે. તાલુકા માટે નિર્ધારિત કરેલા સ્થળોએ કોન્ટ્રાકટમાં કામ કરનારાઓ ફિંગરપ્રિન્ટ મશીન, લેપટોપ સાથે હાજર હોય છે ત્યાં ફિંગરપ્રિન્ટ આપવાની હોય છે. પ્રક્રિયા પૂર્ણ થતા રૂ. 1.50 લાખની વાર્ષિક આવક ધરાવનાર કુટુંબોને મા-કાર્ડ બને છે. કાર્ડ થકી 2 લાખ સુધીની ગંભીર રોગો જેવા કે હૃદય, કિડની વગેરેની સારવાર નિર્ધારિત હોસ્પિટલમાં લાભાર્થીને મળે છે.

સરકારે તાલુકા દીઠ મા કાર્ડ માટેના સેન્ટર નિર્ધારિત કર્યા છે જે અંતર્ગત નવસારી તાલુકાનું સેન્ટર નવસારી સિવિલ હોસ્પિટલ પરિસરના ટી.બી. વિભાગમાં નિર્ધારિત થયું છે. જોકે નિર્ધારિત થયેલા સ્થળે છેલ્લા કેટલાક દિવસોથી કામગીરી નિયમિત કરાતી હોવાની બૂમરાણ મચી છે. લાભાર્થીઓ સેન્ટર ઉપર મા-કાર્ડ બનાવવા માટે આવે છે તો કાર્ડ બનાવનારા માણસો ઘણીવાર હાજર રહેતા નથી.

કાર્ડના સેન્ટરે પહોંચેલા લાભાર્થી નવસારીના અનસુયાબેન, ઈંટાળવાના જોરભાઈ રબારી, માવજીભાઈ મારૂએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે અમે અહીં મા કાર્ડ માટે આવીએ છીએ તો માણસો હાજર રહેતા નથી. અનસુયાબેન કહે છે કે મશીનમાં ફિંગરપ્રિન્ટ આવવાની પણ ફરિયાદ છે. ફરિયાદોને કારણે ગરીબ-મધ્યમવર્ગના લાભાર્થીઓને સમય વ્યતિત કરીને આવવા છતાં સમયસર મા-કાર્ડનું કામ થતું નથી. છેલ્લા એક-દોઢ મહિનાથી કામગીરી ખોટકાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે સરકારી યોજનાઓમાં મા કાર્ડ ખુબ સારી યોજના છે. જેના થકી સામાન્યજનોને ગંભીર રોગોની વિનામૂલ્યે સારવાર મળે છે. જોકે નવસારી તાલુકામાં સેવા અનિયમિત થતા લોકોને આંટાફેરા થઈ રહ્યા છે અને હેરાન થઈ રહ્યા છે. અંગે મા કાર્ડના ડિસ્ટ્રિકટ પ્રોજેકટ અધિકારી ફાલ્ગુનીબેને જણાવ્યું કે નવસારી તાલુકામાં થોડી મુશ્કેલી સર્જાઈ હતી. જોકે અમે નવસારી જિલ્લા પંચાયતમાં નવસારી તાલુકાના લાભાર્થીઓ માટે સેવા ઉપલબ્ધ કરાવી છે. સાથે નવસારી સિવિલમાં પણ સેવા સારી થઈ જશે.

નવસારી સિવિલ હોસ્પિટલમાં આવેલું તાલુકાકક્ષાનું મા કાર્ડનું સેન્ટર. તસવીર-ભદ્રેશનાયક

નવસારી સિવિલ હોસ્પિટલના સ્થળે મા કાર્ડની કામગીરી નિયમિત થતી નથી, ફિંગરપ્રિન્ટ આવતી હોવાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...