નવસારીના ઘરોમાં પાણીનું મીટર લાગશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સૌપ્રથમ ‘મીટર’ મૂકવાનો પાયલોટ પ્રોજેક્ટ કેટલાક ઘરોમાં મૂકાશે, આ વખતે સરકારમાંથી ગ્રાંટ મળવાની પણ શક્યતા
નવસારી શહેર માટે છેલ્લા 8 મહિના પાણી માટે કઠીન રહ્યાં હતા. ઉકાઇ- કાકરાપાર કેનાલનું પાણી પૂરતા પ્રમાણમાં નવસારી નગરપાલિકાને ડિસેમ્બર 2017 થી મળ્યું ન હતુ. જેને લઇને પાલિકાએ શહેરીજનોને અપાતા પાણીના જથ્થામાં કાપ મુકવાની ફરજ પડી હતી. દરરોજ બે ટાઇમ પાણી આપવાની જગ્યાએ દરરોજ એક ટાઇમ યા દર બે દિવસે એકટાઇમ પાણી આપવું પડ્યું હતુ.

અહીં ઉલ્લેખનીય છે કે, પાલિકા શહેરીજનો પાસે પાણીનો ચાર્જ વસુલે છે એ વપરાશ આધારિત નથી. જેને લઇને ઘણા લોકો જરૂરીયાત કરતાં પણ વધુ પાણી વાપરે છે અને પાણીના બગાડ પણ વધુ થાય છે. આ સ્થિતિમાં પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ ન થતાં જરૂરિયાત કરતાં વધુ પાણી લોકો વાપરતાં પાલિકા માટે શહેરીજનોને વધુ પડતું પાણી આપવું મુશ્કેલી પડી રહ્યું છે. આ સ્થિતિમાં હવે પાણીનો વપરાશ ઓછો થાય તે માટે નવસારી પાલિકાએ ‘ડોમેસ્ટીક મીટરીંગ’ ઉપર નજર ઠેરવી છે. ડોમેસ્ટીક મીટર પાણી બચાવવા રામબાણ સાબિત થાય એમ છે.લોકો વધુ ચાર્જ ચૂકવવાથી બચવા મર્યાદિત યા જરૂરિયાત મુજબ પાણી વાપરશે.

પાલિકા સૂત્રમાંથી મળતી માહિતી મુજબ સરકારની અમૃત યોજના હેઠળ પાલિકાને કરોડો રૂપિયા મળનાર છે. જેમાં ખાસ કરીને વોટરવર્કસના ઓટોમેશનની યોજના તૈયાર કરાઇ છે. આ ઓટોમેશનની યોજનાની સાથે જ ‘ડોમેસ્ટીક મીટરીંગ’ પણ કરવાની તૈયારી છે. જોકે પ્રથમ તો પાણી માટે ઘરઘથ્થું મીટરીંગ એક પાયલોટ પ્રોજેક્ટ તરીકે જ કરાશે અને એકાદ ઝોનમાં કરાશે, ત્યારબાદ આખા શહેરમાં ક્રમશ: મૂકવા આગળ ધપાશે.

નહેરનું પાણી તળાવમાં ઠાલવી શહેરને અપાય છે
નવસારીમાં દુધિયાતળાવમાંથી ઘરે ઘરે પાણી પહોંચે છે.

વોટરવર્કસનું ઓટોમાઇઝેશન કરાશે
નવસારી પાલિકાનાં મ્યુનીસીપલ ઇજનેર રાજુભાઇ ગુપ્તાએ જણાવ્યું કે સરકારની અમૃત યોજના હેઠળ વોટરવર્કસનું ઓટોમાઇઝેશન કરવામાં આવશે જે અંતર્ગત વોટરવર્કસ ‘સ્કાડા સીસ્ટમ’ અંતર્ગત કમ્પ્યુટરરાઇઝ થશે. પાણીના રોજબરોજના ડેટા, પંપોની સ્થિતિ, ખામી વિગેરે બાબતોનું સારી રીતે મોનીટરીંગ થઇ શકશે.

8 વર્ષ અગાઉનો ઠરાવ કાગળ ઉપર
નવસારી પાલિકામાં ઘરે ઘરે પાણીના મીટર મુકવાની તજવીજ પ્રથમવાર થઇ રહી નથી. આજથી 8 વર્ષ અગાઉ જ્યારે વોટરવર્કસ કમિટીના ચેરમેન અશ્વિન ગાંધી હતા ત્યારે પાણીના મીટર ઘરે ઘરે મુકવાનો ઠરાવ કરાયો હતો. જોકે ઉક્ત ઠરાવ કાગળ ઉપર જ રહ્યો હતો અને તેનું અમલીકરણ થયું ન હતુ. જોકે આ વખતે સ્થિતિ અલગ છે અને સરકારી ગ્રાંટ મળી શકે એમ હોવાનું પાલિકા સુત્રએ જણાવ્યું છે.

સરકારે સૂચન કર્યુ છે
ગુજરાત સરકારે નગરપાલિકાઓને સૂચન કર્યુ છે જેમાં પાણીના બગાડ અટકે તે માટે ‘મીટર’ વ્યવસ્થા કરવી અને તેના માટે અમૃત યોજનામાં હેઠળ સરકાર ગ્રાંટ આપે છે. આ દિશાનિર્દેશ અનુસાર અમે ઘરોમાં પાણીના મીટર મુકવાની તજવીજ હાથ ધરી છે. ત્રિભોવન ચાવડા, ચેરમેન, પાણી સમિતિ, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...