• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • નવસારીમાં ત્રણ સ્થળે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરાશે

નવસારીમાં ત્રણ સ્થળે ગણેશ વિસર્જનની વ્યવસ્થા કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી શ્રી સમસ્ત નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠનની સામાન્ય સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કનકભાઈ બારોટ તેમજ મહામંત્રી તરીકે ભરતભાઈ પરમારની પુન: વરણી કરાઈ હતી.

ચાલુ સાલે ગણેશોત્સવ 13મીથી 23મી સપ્ટેમ્બર દરમિયાન ઉજવાશે. ગણેશોત્સવની ઉજવણીના આયોજન અંગે ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભા મોઢ ગાંધી યુવક મંડળની વાડી, સ્વપ્નલોક સોસાયટી, કાલીયાવાડી રોડ ખાતે મળી હતી. આ સભામાં 300 ગણેશ મંડળોના હોદ્દેદારો, સંગઠન મંડળના કારોબારી સભ્યો તથા સલાહકાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી ભરતભાઈ પરમારે સભાના પ્રારંભે ગત મિનિટસનું વાચન તેમજ કનકભાઈએ હિસાબ રજૂ કર્યો હતો. સભામાં વર્ષ 2018ના કારોબારીની રચના કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કનકભાઈ બારોટ તથા મહામંત્રીપદે ભરતભાઈ પરમારની પુન: વરણી કરાઈ હતી. પ્રમુખ કનક બારોટે જણાવ્યું કે ચાલુ સાલે પણ મંડળ દ્વારા જન્માષ્ટમીના રોજ દહીંહાંડીનો કાર્યક્રમ યોજાશે. ચાલુ સાલે ગણેશોત્સવ દરમિયાન મુસ્લિમ બિરાદરોનો મોહરમનો તહેવાર આવે છે આ બાબતે વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર સાથે મિટિંગ કરાશે.

તેમણે એખલાસના વાતાવરણમાં તહેવાર ઉજવવા મંડળોને અનુરોધ કર્યો હતો. ચાલુ સાલે વિરાવળ ઓવારા ખાતે બે ક્રેઈનની વ્યવસ્થા ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ મિટિંગમાં શ્રીજીની પ્રતિમા માટીની અને નાના કદની બનાવવી તેમજ ઉત્સવ દરમિયાન કોઈની ધાર્મિક લાગણી ન દુભાય તેની કાળજી રાખવા તથા ઉત્સવ દરમિયાન સમાજોપયોગી કાર્ય કરવા તેમજ વિસર્જન યાત્રા વહેલી શરૂ કરવા સર્વાનુમતે નક્કી કરાયું હતું. ગણેશ સંગઠન મંડળ દ્વારા ગણેશ વિસર્જન માટે ત્રણ જગ્યાએ વિસર્જન વ્યવસ્થા કરાશે, જે મુજબ વિરાવળ પૂર્ણા નદી, ધારાગીરી પૂર્ણા નદી તથા જલાલપોર સંતોષીમાતા મંદિર પાસે વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

નવસારી ગણેશ સંગઠન મંડળની સામાન્ય સભા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...