તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • પૂર્ણામાં ઠલવાતી ગંદકી અટકાવવા તંત્રને 8 વર્ષે ફુરસદ મળી, STP માટે જમીન ફાળવાઇ

પૂર્ણામાં ઠલવાતી ગંદકી અટકાવવા તંત્રને 8 વર્ષે ફુરસદ મળી, STP માટે જમીન ફાળવાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભદ્રેશ નાયક | નવસારી : નવસારીથી પસાર થતી પૂર્ણા નદી હવે મેલી નહીં થશે યા તો ખુબ જ ઓછી થશે. લગભગ 8થી 9 વર્ષથી અટકેલો નવસારીનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ( એસટીપી) નું કામકાજ જિલ્લા કલેકટરે વિરાવળ નજીક જમીન ફાળવતા હવે શરૂ થશે. આ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી નવસારી, વિજલપોર શહેરનું ગટરનું પાણી શુદ્ધ કરી પૂર્ણામાં ઠલવાતા નદીનું પ્રદુષણ ખૂબ જ ઓછુ થઈ જવાની ધારણા છે. હવે, આ પ્લાન્ટ 8 વર્ષે ગતિ પકડશે.

નવસારીથી પસાર થતી પૂર્ણા નદી પણ પ્રદુષિત છે. આમ તો નવસારી પંથકમાં ઔદ્યોગિક પ્રદુષણ પ્રમાણમાં ઓછુ છે પરંતુ અહીંના બે શહેરો નવસારી અને વિજલપોરની ગટરનું ગંદુ પાણી સીધેસીધુ જ નદીમાં જતા પૂર્ણા પણ ‘મેલી’ થઈ ગઈ છે. અહીંની બંને પાલિકા ગટરનું પાણી ટ્રીટ (શુદ્ધ) કર્યા વિના નદીમાં છોડતા પ્રદુષણ કંટ્રોલ બોર્ડે સમયાંતરે પાલિકાને નોટીસ આપતી રહી છે છતાં આજદિન સુધી ગટરનું ગંદુ પાણી સીધુ જ નદીમાં ઠાલવી રહી છે અને પૂર્ણાને મેલી કરતી રહી છે.

આમ તો સરકારે ગટરનું પાણી ટ્રીટ કરી નદીમાં ઠાલવવા નવસારી પાલિકાની સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) 8 વર્ષ અગાઉ 2010માં મંજૂર કરી દીધો હતો પરંતુ એક યાદી બીજા કારણે હજુ સુધી ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ શરૂ પણ કરી શકાયું નથી. જોકે હવે એસટીપીનું કામ શરૂ થશે.

એસટીપી માટે જરૂરી જગ્યા પાલિકા પાસે ન હતી. સરકાર પાસે જગ્યાની માગ કરાઈ હતી. જે જિલ્લા કલેકટરે જગ્યા નવસારી પાલિકાને ફાળવી દીધી છે. વિરાવળ ખાતે સરવે નં. 462વાળી જમીન પૈકી 16 હજાર ચો.મી. જગ્યા ફાળવશે. આ જગ્યા આમ તો રેતી, કાંકરી સારુ મુકરર સદરે ચાલી આવતી હતી, જે રેતી કાંકરી માટે ઉપયોગ ન થતા સરકારી હેડે દાખલ કરી હતી. આ 16 હજાર ચો.મી. જગ્યા માટે જંત્રી મુજબ કિંમત રૂ. 28.80 લાખના 10 ટકા મુજબ રૂ. 2.88 લાખ સરકારમાં પાલિકાએ જમા કરાવવાની રહેશે, જે જમા કરાવતા એસટીપીનું કામ શરૂ કરાશે એવી જાણકારી મળી છે. એસટીપી બની જતા નવસારીની પૂર્ણામાં પ્રદુષણ ઓછુ થઈ જવાની શક્યતા છે.

પાલિકાએ જગ્યા માટે 2.88 લાખ સરકારમાં જમા કરાવવા પડશે
નવસારી નજીકથી પસાર થતી પૂર્ણા નદીમાં હવે ટ્રીટમેન્ટ બાદ ગંદુ પાણી છોડવામાં આવશે.

ઉદ્યોગો, ખેતીને ફાયદો થઈ શકશે
ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જ્યાં પૂર્ણા નદી પ્રદુષિત ઓછી થશે ત્યાં ટ્રીટ કરેલા પાણીથી અન્ય પૂરક ફાયદા પણ થઈ શકશે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ સુએઝ પ્લાન્ટમાં ટ્રીટ થયેલા પાણીનો ઉપયોગ ખેતીમાં તથા ઉદ્યોગોમાં પણ કરી શકાય એમ છે. બે શહેરનું રોજનું લાખો લિટર પાણી ટ્રીટ થતા આ ટ્રીટ થયેલું પાણી નવસારી પંથકના ઉદ્યોગોને પણ આપી શકાશે. બીજુ કે ખેતીના પાકોને પણ આ પાણી આપી શકાય છે. જેથી ઉદ્યોગ, ખેતીને પણ સુએઝ પ્લાન્ટથી ફાયદો થઈ શકશે.

10-15 દિવસમાં કામ શરૂ કરી દેવામાં આવશેે
એસટીપી માટે જમીન ફાળવાઈ ગઈ હોય બેઝીક કામ 10-15 દિવસમાં જ કામ પણ શરૂ કરી દેવાશે. ચોમાસામાં કામ થોડુ અટકી શકે છે. આગામી સવાથી દોઢ વર્ષમાં એસટીપી તૈયાર થઈ જવાની ધારણા છે. નવસારી મહાપાલિકા બને એ સ્થિતિમાં પ્લાન્ટનું એકસપાન્સન (વિસ્તૃતિકરણ) થઈ શકે છે. રાજેશ ગાંધી, ડ્રેનેજ અધિકારી, નવસારી પાલિકા

ગટરના પાણીથી પ્રદૂષિત નદીનું પાણી એસટીપી બની જતા મહદ અંશે શુદ્ધ થઈ જશે
પૂરતી જમીન ન મળતા વિવાદ
પ્લાન્ટ માટે આમ તો ગધેવાન વિસ્તારની જગ્યા નક્કી હતી. જગ્યા ખુબ જ ઓછી પડતી હતી. જે કદનો પ્લાન્ટ બનવાનો છે તે માટે જગ્યા પૂરતી ન હતી. જેને લઈને પાલિકાએ ન‌વી જગ્યાની શોધ શરૂ કરી હતી. આ નવી જગ્યા વિરાવળમાં નદી કિનારે 16 હજાર ચો.મી.ની પ્રાપ્ત થઈ છે.

પ્લાન્ટનો 25 કરોડ ખર્ચ વધ્યો
આમ તો એસટીપી 2010ના અરસામાં મંજૂર થયો ત્યારે 35 કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચનો અંદાજ હતો. જોકે 8 વર્ષ વિતતા હાલ 59.67 કરોડ રૂપિયા ખર્ચ થશે. જોકે પ્લાન્ટ મોટો બની રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...