7 દિવસમાં ઢોર કબજે લો, નહીં તો ફોજદારી કરાશે

Navsari - 7 દિવસમાં ઢોર કબજે લો, નહીં તો ફોજદારી કરાશે

DivyaBhaskar News Network

Sep 09, 2018, 03:21 AM IST

નવસારીમાં ઢોરના માલિકોના ગળે ગાજ કસાયો, ક્લીન અને ગ્રીન નવસારી અભિયાન તેજ બનાવાયું

નવસારીમાં નગરપાલિકાની હદમાં આવતા જાહેર માર્ગો ઉપર રખડતા ઢોરને પગલે લોકોમાં ભારે ઉહાપોહ મચી ગયો છે. હવે લોકો જાહેરમાં વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે. તાજેતરમાં જ છેલ્લા 3 માસમાં એક પછી એક 6 જેટલી વ્યક્તિના મોત થયા છે. આ અકસ્માતની ઘટનામાં રખડતા ઢોર પણ એક કારણ તરીકે બહાર આવ્યું છે. જેથી ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવવાનો વારો આવ્યો છે. આવી ઘટનામાં વધુ લોકોના જીવ ન જાય એ હેતુથી નવસારી પાલિકાના સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર વિસ્પી કાસદે ‘ક્લીન અને ગ્રીન નવસારી’નું અભિયાન છેડી દીધુ છે. લોકોના રક્ષણ માટે શરૂ કરાયેલા આ અભિયાનમાં હવે લોકો પણ હોંશે હોંશે જોડાય રહ્યા છે.

1 હજારથી વધુ લોકોએ રસ્તા ઉપર રખડતા ઢોરને અન્યત્ર યોગ્ય જગ્યાએ ખસેડવા જિલ્લા કલેકટર મોડિયા તથા ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ કરવા અનુરોધ કર્યો હતો. જેનો પડઘો પડ્યો હતો. નવસારી પાલિકાએ હવે રસ્તા ઉપર રખડતા ઢોરને દૂર કરવા માટે પાલિકા સત્તાધીશોએ પણ હામ ભરી છે અને રખડતા ઢોરોના માલિકોને જાહેર નોટિસ પાઠવી તાત્કાલિક ધોરણે પોતાના ઢોર સાત દિવસમાં પકડીને પોતાના કબજામાં લેવા તાકીદ કરી છે. જેને પગલે પાલિકા તંત્ર પણ હરકતમાં આવી ગયું છે. જોકે, આગામી દિવસોમાં આ બાબતે પાલિકા તંત્ર કેટલું સફળ થશે એ પણ જોવું રહ્યું. જોકે, પાલિકા સત્તાધીશો આ વખતે સફળ નહીં થાય તો લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચે તેવી શક્યતા છે.

નવસારીમાં રખડતા ઢોરની ફાઈલ તસવીર.

લોકહિત માટે કડક કાર્યવાહી થશે

રખડતા ઢોરને કારણે અવારનવાર લોકોનો જીવ જોખમમાં મુકાતો રહ્યો છે. લોકોના હિત માટે હવે પાલિકા તંત્ર પણ રસ્તા ઉપર રખડતા ઢોરના માલિકો સામે કાર્યવાહી કરશે. જો તાત્કાલિક ધોરણે ઢોરના માલિકો પોતાના ઢોર પોતાના કબજામાં નહીં લે તો ચોક્કસપણે તેવા લોકો સામે ફોજદારી કાર્યવાહી કરાશે. કાંતુભાઈ પટેલ, પ્રમુખ, નવસારી પાલિકા

ઢોરના કારણે વધુ એક વૃદ્ધા ઘાયલ બની

નવસારીમાં ગડકરી માર્ગ ઉપર સાંજે 5.20 વાગ્યે વૃદ્ધાને આખલાએ અડફેટે લીધી હતી. તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. આ ઉપરાંત બે આખલાની લડાઈમાં એક વૃદ્ધાનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. જેથી લોકોના હિતમાં કાર્યવાહી જરૂરી છે. વિસ્પી કાસદ, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર

X
Navsari - 7 દિવસમાં ઢોર કબજે લો, નહીં તો ફોજદારી કરાશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી