તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીવાસીમાં એક જ ટાઈમ પાણીનો ફતવો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી શહેરીજનોએ પુન: એક વખત પાણીકાપનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નવસારી પાલિકા સત્તાધિશોએ પણ શહેરની અંદાજિત 1.80 લાખ જનતાને પાણી કરકસરયુક્ત વાપરવા તાકિદ કરી આગામી દિવસોમાં પીવાના પાણીની મુશ્કેલીઓ અંગે જાગૃત કર્યા છે. વધુમાં પાણીનો બગાડ કરનારાઓ સામે પાણી કનેકશન કાપવાની પણ તાકિદ કરી છે.

નવસારી નગરપાલિકાને નવસારી સિંચાઈ વિભાગ તરફથી ઉકાઈ ડેમમાં પાણીનો જથ્થો મર્યાદિત હોવા અંગે અને ઉપરવાસમાં વરસાદ ખેંચાવાથી પાણીની આવક નહીંવત હોવાનું જણાવતો પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નહેરનું રોટેશન ચાલુ થાય ત્યાં સુધી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા જરૂરી આયોજન કરવા તાકિદ કરી છે.

નવસારી નગરપાલિકામાં હસ્તકના દુધિયા તળાવ તથા દેસાઈ તળાવ ઉકાઈ ડેમ આધારિત હોવાથી નવસારી શહેરના શહેરીજનોને હાલમાં દિવસમાં એક જ વખત પાણી આપવામાં આવે તેવું આયોજન કરાયું છે. જેના પગલે નવસારીના 1.80 લાખ શહેરીજનોએ હવે કરકસરયુક્ત રીતે પાણી વાપરવું પડશે. શિયાળામાં રોટેશન દરમિયાન પણ પાણીનો કરકસરયુક્ત ઉપયોગ કરવા તાકિદ કરી છે.

પાણીનો બગાડ કરનારા સામે કાર્યવાહી કરાશે
પાલિકા સત્તાધિશોએ સૂચના આપી છે કે શહેરમાં કોઈક જગ્યાએ બહારના ભાગે પાણીનું કનેકશન કાઢવામાં આવેલું હોય તે ત્યાંથી રસ્તા ઉપર પાણી છાંટવામાં આવે છે. વધુમાં આસપાસના લોકો દ્વારા પણ પાણી ભરતી વખતે બગાડ કરાય છે. જો કોઈ પાલિકા કનેકશનો બહારના ભાગે હોય તેમને પાણી કનેકશનો તાત્કાલિક ઘરમાં અંદરના ભાગે શિફટ કરી લેવા અન્યથા પાલિકાની ટીમ દ્વારા આવા કનેકશનો તાત્કાલિક બંધ કરી દેવાશે. એ પછી પરમિશન આપતી વખતે તમામ પાસાની ચકાસણી કરાશે અને ત્યારબાદ જ કનેકશન આપવા સંદર્ભે નિર્ણય લેવાશે.

પીવાના પાણીની સ્થિતિ વધુ વિકટ બનશે તેનો ખ્યાલ અહીંથી આવે છે
ઉકાઈ ડેમની સપાટી ચોમાસા દરમિયાન 335 ફૂટ સુધી પહોંચે તો સામાન્ય રીતે સિંચાઈ કે ઉદ્યોગોને પાણીની સગવડ પૂરતા પ્રમાણમાં મળી શકે છે. ગત વર્ષે 2017માં ડેમમાં પાણીની સપાટી આજની તારીખે 324.50 ફૂટ ઉપર સ્થિર થઈ હતી. તેના કારણે ગત વર્ષે છેલ્લું સિંચાઈનું રોટેશન ખોરવાયું હતું અને સિંચાઈની પાણીની સ્થિતિ વિકટ બનતા ખેડૂતોમાં આક્રોશ વ્યાપી ગયો હતો. હાલની સ્થિતિએ ઉકાઈ ડેમની સપાટી 318.63 ફૂટ જ છે એ જોતા પાણીની સ્થિતિ આગામી દિવસોમાં વધુ ગંભીર થવાની શક્યતા છે. તેથી ભવિષ્યમાં તકલીફ પડવાની શક્યતાઓ જોતા તાત્કાલિક અસરથી જ કરકસરયુક્ત પાણી વપરાશ માટેનું આગોતરું આયોજન કરવાની કામગીરીનો પ્રારંભ નવસારી પાલિકાએ કરી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...