નવસારી-જલાલપોર તાલુકામાં ડાંગરનો સુકાતો પાક

તંત્રકૃપા કેમ નહીં | વરસાદ નથી અને નહેરનું પાણી હજુ ન મળતાં પાકને નુકસાન થવાની ભીતિ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:56 AM
Navsari - નવસારી-જલાલપોર તાલુકામાં ડાંગરનો સુકાતો પાક
છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ લગભગ ખૂબ ઓછો યા નહિવત પડતાં નવસારી અને જલાલપોર તાલુકામાં હજારો હેક્ટર જમીનમાં લેવાયેલ ડાંગરનો પાક સુકાઇ રહ્યો છે. જો એકાદ અઠવાડિયામાં વરસાદ યોગ્ય ન પડે અને નહેરનું પાણી પણ ન મળે તો ડાંગરના પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

નવસારી પંથકનાં નવસારી-જલાલપોર તાલુકામાં ખરીફ મોસમમાં મુખ્ય પાક ડાંગરનો લેવામાં આવે છે. ચાલુ સાલ પણ મોટી સંખ્યામાં ખેડૂતોએ ડાંગરનો પાક લીધો હતો. આ બંને તાલુકા મળીને અંદાજે 15 હજાર હેક્ટરથીય વધુ જમીનમાં ખરીફ ડાંગરનો પાક લેવામાં આવ્યો છે.

વર્તમાન ચોમાસામાં જુલાઇ માસમાં પડેલ સારા વરસાદથી રોપણીનું કામ તો મહદઅંશે સહીસલામત પુરું થયું હતું પરંતુ હાલ ડાંગરના પાકને આખરનાં દિવસોમાં પાણીની તાતી જરૂરિયાત છે ત્યારે પાણી ન મળતાં પાક સૂકાઇ રહ્યાંની જાણકારી મળી છે.

નવસારી તાલુકાનાં પૂર્વપટ્ટીના ગામના ખેડૂતોના જણાવ્યા મુજબ હાલ ડાંગરની કંઠી નીકળવાનો સમય હોય પાણીની તાતી જરૂરિયાત છે. પાણી ન મળે તો દાણો ભરાય નહી! આ સ્થિતિમાં છેલ્લાં 12-13 દિવસથી નહીવત વરસાદ પડતા અને નહેરનું પાણી પણ ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ રહ્યાં છે.

જલાલપોર તાલુકામાં પણ સ્થિતિ કપરી છે. મરોલી પંથકમાં પાક પાછળથી લેવાયો છે. અહીં કંઠી આવવાની તૈયારી છે, ત્યારે પાણીની તાતી જરૂરિયાત છે.

નવસારી તાલુકામાં પાણી ઇચ્છતો ડાંગરનો પાક.

પાકને છેલ્લાં પાણીની જરૂર

ડાંગરમાં કંઠી નીકળવાના સમયે પાણીની જરૂર હોય છે કારણ કે તેનો જીવ બહાર આવે છે. જો આ સમયે પાણી ન મળે તો ભયંકર મુશ્કેલી સર્જાય એમ છે. વરસાદ 4 સપ્ટેમ્બર બાદ પડ્યો નથી. ત્યારે તાકીદે નહેરનું પાણી ડાંગરના પાકને અપાય એવી માંગ છે. પાકને છેલ્લા પાણીની જરૂર છે. મુકુંદ પટેલ, ખેડૂત, નાગધરા

મરોલીમાં ડાંગરના પાકની સ્થિતિ ગંભીર છે

અમારા મરોલી વિભાગમાં ડાંગરના પાકની સ્થિતિ ગંભીર છે. કંઠી નીકળવાની તૈયારી છે ત્યારે પાણીની ખાસ જરૂર છે. વરસાદ નથી અને નહેરનું પાણી પણ ન મળે તો 100 ટકા પાક નિષ્ફળ જવાની શક્યતા છે. આ બાબતે અમે આજે જ સાંસદ સી.આર.પાટીલને મળી નહેરનું પાણી અપાવવા રજૂઆત કરી છે. દિલીપ રાયકા, ખેડૂત અગ્રણી, મરોલી વિભાગ

સરકાર લેવલે નિર્ણય હજુ લેવાયો નથી તેની અસર દેખાઈ

ડાંગરના પાકને નહેરનું પાણી આપવું કે નહીં, ક્યારે આપવું તે બાબતનો નિર્ણય સરકાર લેવલે હજુ લેવામાં આવ્યો નથી. નિર્ણય સરકાર લેવલે પેન્ડીંગ છે. ડેમમાં પાણી પણ ઓછું છે. વી. સી. પટેલ કાર્યપાલક ઇજનેર, અંબિકા ડિવિઝન, સિંચાઇ વિભાગ

X
Navsari - નવસારી-જલાલપોર તાલુકામાં ડાંગરનો સુકાતો પાક
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App