નવસારીને મળતું નહેરનું પાણી વિજલપોરને મળશે

વિવાદનો અંત| વિજલપોરની પાણી યોજના માટે નહેરનું પાણી આપવા બે પાલિકા વચ્ચે વિવાદ થયો હતો

DivyaBhaskar News Network | Updated - Sep 08, 2018, 02:55 AM
Navsari - નવસારીને મળતું નહેરનું પાણી વિજલપોરને મળશે

શુક્રવારે નવસારી પાલિકાની એક્ઝિક્યુટિવ કમિટીમાં વિજલપોરને નહેરનું પાણી આપવાના નિર્ણયનો ઠરાવ કરાયો

વિજલપોર શહેરને શુદ્ધ મીઠુ પાણી આપવા માટે અહીંની નગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે મીક્ષ પાણીની યોજના બનાવી છે અને તે તૈયાર પણ થઈ ગઈ છે. આ યોજના અંતર્ગત કાકરાપાર નહેરનું પાણી નવસારીની લાઈનમાંથી લઈ વિજલપોરના તળાવમાં ઠાલવી ફિલ્ટર કરી શહેરીજનોને અપાનાર છે. જોકે નવસારી પાલિકા સાથે અગાઉ નહેરના પાણી બાબતે વાદવિવાદ થતા મામલો જિલ્લા કલેકટરના દરબારમાં ગયો હતો. જ્યાં કલેકટરે નવસારી પાલિકાને નહેરનું પાણી વિજલપોર પાલિકાને આપવા જણાવ્યું હતું. આ સાથે બંને પાલિકાઓને તે માટે શરતો નક્કી કરવા પણ કહ્યું હતું.

આ આદેશ મુજબ બંને પાલિકાઓએ નહેરના પાણીની આપ-લે માટે શરતો બનાવી છે. આ શરતો જોઈ નિર્ણય લેવા માટે પ્રથમ નવસારી પાલિકાની પાણી સમિતિ સમક્ષ મામલો ગયો હતો. જોકે આ નીતિવિષયક નિર્ણય હોય એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં મામલો ગયો હતો.

આજે શુક્રવારે પ્રેમચંદ લાલવાણીના અધ્યક્ષસ્થાને મળેલી એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં આ મામલો આવ્યો હતો. જેમાં કમિટીએ વિજલપોર પાલિકાની પાણી પુરવઠા યોજના માટે કાકરાપાર નહેરમાંથી નવસારી શહેર માટે નાંખવામાં આવેલી ગ્રેવિટી મેઈન લાઈનમાંથી ટેપિંગ કરી વિજલપોર શહેરને નક્કી કરેલી શરતો અંતર્ગત પાણી આપવાનો નિર્ણય કમિટીએ લઈ લીધો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે જો બધુ સમુસુતરુ પાર પડે તો (અગાઉની જેમ શરતોની કે અન્ય કોઈ ઘોંચ ન આવે તો) વિજલપોર શહેરના લોકો પણ પ્રથમ વખત શુદ્ધ મીઠુ પાણી પી શકશે ! વરસોથી વિજલપોરના શહેરીજનોને બોરીંગનું પાણી પાલિકા આપી રહી છે.

નહેરના પાણીની વાટ જોતું વિજલપોરનું રામનગર તળાવ.

નવસારીમાં ઢોરના ડબ્બાનો ઠરાવ

નવસારી પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીમાં એક કામ શહેરમાં રખડતા ઢોર માટે ડબ્બો બનાવવાનું પણ હતું. મોટી સંખ્યામાં શહેરમાં રખડતા ઢોર ફરી રહ્યા છે ત્યારે પાલિકા ઢોરને પકડીને ડબ્બે કરે એવી માગ પ્રબળ બની છે. ગુરૂવારે શહેરના બુદ્ધિજીવીઓની માગને લઈ એક્ઝિ. ચેરમેન પ્રેમચંદ લાલવાણીએ શુક્રવારની કમિટીમાં ઢોરના ડબ્બાનું કામ લઈ મંજૂર કરવાની ખાતરી આપી હતી. આ ખાતરીને પરિપૂર્ણ કરતા આજે શુક્રવારની કમિટીમાં વિરાવળ કમેલા રોડ ખાતેની કચરા ડેપોની જગ્યામાં ઢોરનો ડબ્બો બનાવવાનો ઠરાવ કરી દેવાયો હતો. સૂચિત ડબ્બામાં 15 હજાર ચો.ફૂટ જગ્યામાં ડબ્બો બનાવી શકાશે.

બનાતવાલા મચ્છી માર્કેટ સ્થળાંતરની તૈયારી

નવસારીમાં બનાતવાલા સ્કૂલ નજીક રોડને લાગુ મચ્છીમાર્કેટ બેસે છે. જેની સામે જિલ્લા કલેકટરમાં અરજી થઈ હતી. આ અરજી અનુસંધાને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કલેકટરે આ મચ્છી માર્કેટને અન્યત્ર ખસેડવા આદેશ કર્યો છે. આ આદેશ અંતર્ગત મચ્છી માર્કેટને ગધેવાન પાસે પુલની બાજુએ સ્થળાંતર કરવાની પાલિકાએ તૈયારી કરી છે. જ્યાં મચ્છીના વેપારી યોગ્ય રીતે ધંધો કરી શકે તે માટે બ્લોકપેવિંગ કરવા 1 લાખના ખર્ચને શુક્રવારની એક્ઝિક્યુટીવ કમિટીમાં મંજૂરી આપી દેવાઈ હતી.

X
Navsari - નવસારીને મળતું નહેરનું પાણી વિજલપોરને મળશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App