જલાલપોરની મહિલાઓ અકળાઈ ઊઠી પાણી વિના મત માંગવા આવ્યા તો હવે પથ્થરો મારીશું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીના જલાલપોર વિસ્તારની પાટીદાર મહિલાઓએ ગુરૂવારે બે કલાક પાણીની સમસ્યા મુદ્દે પાલિકા પ્રમુખની ચેમ્બરમાં અડિંગો જમાવ્યો હતો. પ્રમુખ અને સીઓએ બાંહેધરી આપવા છતાં ભારે નારાજ મહિલાઓ ‘એકની બે’ થઈ ન હતી. આક્રોશપૂર્ણ મહિલાઓએ ત્યાં સુધી કહી દીધુ કે જો ‘રિક્ષા ફેરવી મત લેવા આવશો તો પથ્થર મારીશું!

જલાલપોર વિસ્તારના અમૃતનગર આંબાવાડી વિસ્તારની પાટીદાર મહિલાઓનો મોરચો ગુરૂવારે સવારે 11.45 વાગ્યાના અરસામાં નવસારી પાલિકા કચેરીએ પહોંચ્યો હતો. મહિલાઓ સીધા પાલિકા પ્રમુખ કાંતિભાઈ પટેલની ચેમ્બરમાં જઈ પ્રમુખ સમક્ષ પાણીની સમસ્યા મુદ્દે બૂમરાણ મચાવી હતી. મહિલાઓએ રોષપૂર્ણ પ્રમુખને જણાવ્યું કે, અમે વેરો ભરીએ છીએ, ‘વેરો ભરો વેરો ભરો’ એમ કહેવા રિક્ષા ફેરવો છો તો પાણી કેમ આપતા નથી ? કેટલાય સમયથી સમસ્યા હોવા છતાં ઉકેલાતી નથી. અમે અનેક વખત પાલિકામાં મોરચો લાવી લેખિત રજૂઆત કરી છતાં ‘લોલીપોપ’ અપાય છે. પાલિકાની લાઈનમાંથી માત્ર નામપૂરતુ જ પાણી આવે છે. જો હાલ એક ટાઈમ પાણી આપો છો તો પૂરા પ્રેશરથી તો આપો ! અહીં ઉલ્લેખનીય છે કે પ્રમુખ ઉપરાંત સીઓ દશરથસિંહ ગોહિલે પણ અવારનવાર બપોર બાદ સ્થળ ઉપર સમસ્યા જોઈ હલ કરવાની વાત કરવા છતાં ભારે આક્રોશિત મહિલાઓ ‘એકની બે’ ન થઈ અને બેથી અઢી કલાક પ્રમુખની ચેમ્બરમાં અડિંગો જમાવીને બેસી રહી હતી ! બે વાગ્યા બાદ પરત ગયાનું જાણવા મળ્યું હતું.

મહિલાઓનો સવાલ| ‘વેરો ભરો વેરો ભરો’ એમ કહેવા રિક્ષા ફેરવો છો તો પાણી કેમ આપતા નથી ?
પ્રમુખની ચેમ્બરમાં મહિલાઓને અડિંગો

નવસારી નગરપાલિકા પ્રમુખને પાણી મુદ્દે રજૂઆત કરતી મહિલાઓ ત્યારબાદ મહિલાઓ પાણીની સમસ્યા હલ કરાવવા પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બે કલાક બેસી રહી હતી.

બોર કર્યા પણ પાણી ખારા નીકળ્યા
જલાલપોર વિસ્તારની પાણીની સમસ્યા હલ કરવા નવસારી પાલિકાએ તાજેતરમાં ચારેક બોર કર્યાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ બોરમાં પાણી ખારુ અને પીવાલાયક ન હોવાનું જાણવા મળ્યું છે, જેને લઈને મુશ્કેલી હલ થઈ નથી.

જલાલપોરમાં પાણીનું યોગ્ય ડિસ્ટ્રિબ્યુશન નહીં ?
જલાલપોરના પાટીદાર વિસ્તારમાં અનેક સોસાયટીઓ આવેલી છે. જેમાં કેટલીકમાં પાણી સારુ આવે છે, જ્યારે કેટલીકમાં ખૂબ ઓછુ આવે છે. અહીં પાણી ખેંચવા મોટરો પણ મુકાયાની ફરિયાદ છે. સોસાયટીઓમાં પાણી આપવા ‘વાલ’ ફેરવાય છે ત્યાં પણ રાજકારણ રમાતું હોવાનો આક્ષેપ થાય છે. મહિલાઓએ પાણીની કામગીરી કરનારને બદલવાની માગ પણ કરી છે.

સ્થાનિક કાઉન્સિલર વિરુદ્ધ બળાપો
પાલિકા કચેરીએ આવેલી મહિલાઓએ સ્થાનિક કાઉન્સિલર ભૂપત દૂધાત તથા પાણી સમિતિના ચેરમેન ત્રિભોવનભાઈ ઉર્ફે કાલુભાઈ ચાવડા વિરૂદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ભૂપત કહે છે કે ‘તમે પાલિકામાં જાઉ છો તો મારી ઈજ્જત જાય છે તો પછી પાણી આપો ને’ એમ મહિલાઓએ કહ્યું હતું. મહિલાઓએ તેઓ આક્ષેપ પણ કર્યો કે કાયમ પાલિકામાં આવે છે પરંતુ આજે તેઓ (મહિલાઓ) આવનાર હોવાથી હાજર રહ્યા નથી.

પાણી ઓછંુ મળે છે, એકદમ ઓછું નહીં
પાણી આખા નવસારીમાં ઓછુ આવે છે. અહીં પણ ઓછુ આવે છે પરંતુ એકદમ જ ઓછુ આવે છે એ વાત ખોટી છે. બીજુ કે જો કોઈ મુશ્કેલી હશે તો તેનો નિકાલ લવાશે. ભૂપત દૂધાત, સ્થાનિક કાઉન્સિલર, જલાલપોર

માત્ર વાયદા અપાય છે
છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે જેમાં 6 મહિનાથી તો સાવ પાણી આવતું નથી. માત્ર વાયદા અપાય છે. ત્રાસી ગયા છીએ. પૂર્વા ગોંડલીયા, સ્થાનિક યુવતી

3 વર્ષથી મોકાણ
સોસાયટીઓમાં છ મહિનાથી બિલકુલ પાણી નહીં આવતાં પાલિકા પર હલ્લાબોલ
અન્ય સમાચારો પણ છે...