Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભેગું કરવામાં નહીં પણ ભેગા રહેવામાં સુખ
નવસારી | રાનકુવા શ્વે. મૂ.પૂ. જૈન સંઘના આરાધના ભવનમાં પૂજ્ય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજ અને પૂજ્ય મુનિ પ્રીતદર્શન વિજયજી મ.સા.ની પાવન પધરામણી થતા જૈન સમાજમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જામ્યું હતું. પૂ. પદ્મદર્શનવિજયજી મહારાજની નિશ્રામાં સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. પૂ. પંન્યાસ પદ્મદર્શનજી મહારાજે પ્રવચન પંચામૃત પાઠવતા જણાવ્યું હતું કે અશાંત વ્યક્તિ જીવનમાં કોઈપણ ક્ષેત્રે સુખી થઈ શકતી નથી. સુખી તેજ છે કે જે સંતુષ્ટ અને શાંત છે. લાવ લાવ કરનાર સુખને પામી શકતો નથી પરંતુ લે લે કરનારો સુખી છે. તમે બીજાના આપશો તો જ સુખી થશો. ભેગું કરવામાં નહીં પણ ભેગા રહેવામાં સુખી થવાય છે. માલિક હંમેશા ટેન્શનમાં હોય છે જ્યારે મહેમાન સદા પ્રસન્ન રહે છે. સાધનો અને સંપત્તિના ખડકલામાં ક્યાંય સુખ નતી. છોડી દેનારો સુખી હોય છે. પકડી રાખનારો સદા દુ:ખી હોય છે. મગજ ઉપર ખોટો બોજ લઈને ફરવાનું બંધ કરો. સુખ નામનો ફ્યુઝ ગમે ત્યારે ઉડી જશે. જગતના તામ પદ, પદાર્થો અને પ્રતિષ્ઠા નાશવંત છે. એમાં તમારી શાશ્વતપણાની બુદ્ધિ નહીં લાવો. આ પણ એક દિવસ ચાલી જશે. આ વાક્યને તમારો જીવનમંત્રી બનાવો. આ મંત્રનું સ્મરણ તમને સ્વસ્થ અને પ્રસન્ન બનાવશે. જીવનમાં શાંતિ, સમાધિ અને સ્વસ્થતા મહત્ત્વની છે. સંપત્તિને પ્રાધાન્ય આપવા કરતા સંસ્કારોને પ્રાધાન્ય આપો.