તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિજલપોરમાં પાણી ખેંચી રહેલી નવ ગેરકાયદે મોટરો કબજે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિજલપોર પાલિકાની પાણીની લાઈન ઉપર ગેરકાયદે મોટરો મુકી પાણી ખેંચનારા ઉપર તવાઈ લાવવાનું શરૂ કરાયું છે. મંગળવારે 9 મોટરો પાલિકાએ કબજે લીધી છે.

વિજલપોર પાલિકા બોરનું પાણી શહેરીજનોને પૂરું પાડી રહી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ઉનાળામાં પાણીના તળ નીચે ઉતરી જતા પાણી પૂરતું મેળવવામાં તકલીફ પડે છે. વધુમાં આ ગરમીની મોસમમાં લોકોની પાણીની જરૂરિયાત પણ વધે છે. બીજી તરફ શહેરમાં અનેક લોકો પાલિકાની પાણીની લાઈન ઉપર ગેરકાયદે મોટરો મુકી પાણી ખેંચી રહ્યા છે, જેને લઈને અનેક લોકોને પાણી નહીંવત પ્રેશરથી મળી રહ્યાની વિજલપોરમાં ફરિયાદ ઉઠી છે.

આ ફરિયાદ કાને ધરી પાલિકાએ ગેરકાયદે મોટર મુકનારા સામે મંગળવારથી કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. શહેરના પૂર્વ વિભાગ કે જ્યાંથી આ ફરિયાદો વધુ છે ત્યાં પાલિકા તંત્રએ મંગળવારથી મોટરોની તપાસ શરૂ કરી હતી. જ્યાં મંગળવારે સૂર્યનગર, અંબાજીનગર તથા રાધાનગરમાંથી કુલ 9 મોટરે ગેરકાયદે રીતે પાલિકાની લાઈન ઉપર મુકી પાણી ખેંચી રહ્યાનું જણાયું હતું. આ તમામ 9 મોટરો કબજે કરી દંડનીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ચેકિંગની કામગીરી આગામી દિવસોમાં પણ ઝૂંબેશરૂપે કરવાનું પાલિકાએ નિર્ધારિત કર્યાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...