- Gujarati News
- Local
- Gujarat
- Navsari
- Navsari News Avoiding Eggs And Meats To Avoid Corona Ayurvedic Hospitalservice To Eating Fully Cooked Meat And Eggs Coronation Navsari Municipality 071559
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાથી બચવા ઈંડાં અને માંસાહારનો ત્યાગ કરવો : આયુર્વેદિક હોસ્પિટલસંપૂર્ણપણે રાંધેલાં માંસ અને ઈંડાં ખાવા કોરોનામાં હિતાવહ : નવસારી પાલિકા
કોરોના વાયરસથી બચવા નવસારીમાં સરકારના બે વિભાગો ઈંડા, માંસાહાર ખાવા બાબતે પરસ્પર વિરોધાભાસ સૂચનો કરતા આમજનતા મૂંઝવણમાં મુકાઈ એવી સ્થિતિ પેદા થઈ છે.
ચીનના વિહાનમાંથી વિશ્વભરમાં ફેલાયેલા ‘કોરોના’ વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ રોગના દર્દી ભારતમાં પણ દેખાતા સરકારી તંત્રે વધુ લોકોને રોગના ભોગ બનતા અટકાવવા દિશાસૂચનો જારી કર્યા છે. નવસારીમાં સરકારી સંસ્થાનોએ હોર્ડિંગ્સ, બેનરો લગાવવાની સાથે ‘પેમ્ફલેટો’નું પણ વિતરણ શરૂ કર્યું છે. જોકે અહીંની જ બે સરકારી સંસ્થા ‘નવસારી પાલિકા’ અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાલીયાવાડી, નવસારીએ જારી કરેલા પેમ્ફલેટ, હોર્ડિંગ્સમાં વિરોધાભાસ ઉભો થયો છે. રાજ્ય આયુષની કચેરી મારફત અહીંની આયુર્વેદિક હોસ્પિટલ પેમ્ફલેટનું વિતરણ કરી રહી છે. જેમાં કોરોનાથી બચવા ‘ઈંડા તેમજ માસાહાર’નો ત્યાગ કરવા જણાવ્યું છે. બીજી બાજુ અહીંની સરકારી જ સંસ્થાન નવસારી પાલિકાએ કોરોનાથી બચવા જાગૃત કરવા હોર્ડિંગ્સ લગાવ્યા છે. આ હોર્ડિંગ્સમાં ‘સંપૂર્ણપણે રાંધેલા માસ અને ઈંડા ખાવા’ એમ જણાવ્યું છે. અહીં પ્રશ્ન એ છે કે ઈંડા યા માસ ખાવા કે નહીં? સરકારના જ બે વિભાગ દ્વારા કોરોનાથી બચવા ઈંડા-માસ ખાવા અંગે જે સૂચનો થયા છે તેમાં વિરોધાભાસ સર્જાયો છે ત્યારે આમજનતાની મૂંઝવણ ‘સહજ’ વધે એ હકીકત છે. પાલિકાના હોર્ડિંગ્સના સૂચનને સાચુ માનીએ તો હાલ ઈંડા-માસ બિલકુલ ન ખાવા તે બાબતે જે પ્રચાર થઈ રહ્યો છે તે ‘ખોટો’ છે એમ કહી શકાય!
નવસારીમાં પુન: ઉકાળા કેન્દ્ર શરૂ
રાજ્યના અન્ય વિસ્તારોની જેમ અહીં નવસારી પંથકમાં પણ ‘સ્વાઈન ફલુ’ના દર્દીઓ થોડા વર્ષો અગાઉ દેખાવાની શરૂઆત થઈ હતી. આ સમયે ઠેર ઠેર ઉકાળા પીવડાવવાની શરૂઆત થઈ હતી. જોકે સ્વાઈન ફલુ ઓસરતા ઉકાળા મહદઅંશે બંધ થયા હતા. હવે પુન: જાહેરમાં ‘ઉકાળા’ દેખાવા લાગ્યા છે. હાલ વિશ્વભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને તેનો ભોગ ભારતીયો પણ બન્યા છે. આ રોગ ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને થઈ રહ્યાનું કહેવાય છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા ‘આયુર્વેદિક ઉકાળા’ પીવડાવવાની શરૂઆત પુન: થઈ ગઈ છે. નવસારીમાં કાલીયાવાડી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે તો ‘ઉકાળા’ પીવડાઈ જ રહ્યા છે. આ ઉપરાંત નવસારી એસટી ડેપો ખાતે પણ પીવડાવાઈ રહ્યા છે. જે સંસ્થા ડિમાન્ડ કરે તેને પણ અપાયાનું જાણવા મળે છે. નવસારી પુન: ‘ઉકળામય’ બને તો નવાઈ નહીં!