Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જીવદયા પ્રેમીઓના વિરોધના કારણે પશુઓની હરાજી રદ
નવસારી કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્રે જીવદયા પ્રેમીઓના વિરોધને પગલે છેલ્લી ઘડીએ પશુઓની હરાજી રદ કરવી પડી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્ર દ્વારા 36 જેટલા વધારાના પશુઓ માટે 12મી માર્ચે જાહેર હરાજી રાખવામાં આવી હતી. આ હરાજીની વિગતો બહાર આવતા જ અહીંના જીવદયા પ્રેમીઓમાં નારાજગી ઉભી થઈ હતી. જીવદયા પ્રેમીઓનું કહેવું હતું કે, પશુ સંશોધન કેન્દ્ર દ્વારા બુક વેલ્યુ પ્રમાણે વધારાના પશુઓ અપાતા હતા, જેનાથી પાંજરાપોળ વગેરે જીવદયા સંસ્થાઓ તેનો નિભાવ કરતી હતી. હવે જાહેર હરાજીની જે પદ્ધતિ પશુઓના નિકાલ માટે અપનાવવાનો નિર્ણય લેવાયો, તેનાથી પશુઓ કતલખાને કસાઈઓ પાસે જવાની પૂરી શક્યતા છે. આ બાબતને ધ્યાને લઈ જીવદયાપ્રેમી સંગઠનોએ પશુઓની જાહેર હરાજીનો વિરોધ કરી તેમ ન કરાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
જીવદયાપ્રેમીના વિરોધનો પડઘો પડ્યો છે. આજે 12મી માર્ચે જ્યાં પશુઓની જાહેર હરાજી નક્કી થઈ હતી, તે છેલ્લી ઘડીએ ‘રદ’ કરવાનો નિર્ણય કૃષિ યુનિવર્સિટીના પશુ સંશોધન કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યો હતો. હરાજી રદ કરાતા જીવદયાપ્રેમીઓએ ખુશી વ્યક્ત કરી કૃષિ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓનું કૃતિ ભેટ આપી સન્માન પણ કર્યું હતું. આ નિર્ણયથી જીવદયા પ્રેમીઓએ યુનિ.ને આવકારી હતી.
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગુરૂવારે હરાજી હતી
મેનેજમેન્ટ લેવલે નિર્ણય લેવાયો
પશુઓની હરાજી રદ કરાઈ એ વાત સાચી છે. કૃષિ યુનિવર્સિટી લેવલે રદ કરવાનો નિર્ણય લેવાયો. > ડો. નવિન પટેલ, અધિકારી, પશુ સંશોધન કેન્દ્ર