તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમિત શાહનો દમણ - દાનહના સાંસદને રિપિટ કરવાનો ઇશારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રવિવારે દાનહની મુલાકત લઇ કાર્યકરોને સંબોધન કર્યું હતું. શાહે દમણ-દિવ સાંસદ લાલુભાઇ પટેલ અને દાનહના સાંસદ નટુભાઇ પટેલ જોડિયા હોવાના નિવેદન સાથે બંનેને રિપિટ કરવાનો ઇશારો કર્યો હતો. જેને લઇ અન્ય દાવેદારોમાં નારાજગી પ્રસરી હતી. શાહે રાફેલ, રોહિંગ્યા સહિત અનેક મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. જો કે શાહે લોકસભાની ચૂંટણીમાં કામે લાગી જવા કાર્યકરોને આહવાન કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ રવિવારે બપોરે સંઘ પ્રદેશ દમણના એરપોર્ટ પર વિમાન માર્ગે પહોંચ્યા હતાં. ત્યારબાદ રોડ માર્ગે અમિત શાહનો કાફલો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસ પહોંચ્યો હતો. જયાં સૌ પ્રથમ તેઓએ દાનહ ભાજપના પ્રદેશ કાર્યાલય અટલનું ઉદધાટન કર્યું હતું. કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ અધતન કાર્યાલયના ઉદધાટન બાદ શાહ હવેલી ગ્રાઉન્ડ પર યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં પહોંચ્યા હતાં. જેમાં બંને સંઘ પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિતમાં અમિત શાહે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે

દમણ અને દાનહમાં 5 હજાર કરોડના વિકાસના કામ ભાજપ સરકારે કર્યા છે. 5 વર્ષમાં મોદી સરકારે 129 યોજનાઓ રજૂ કરી. રાહુલ બાબા અમારી 4 વર્ષનો હિસાબ માંગો છો, આપની 4 પેઢીઓએ દેશ પર રાજ કર્યું તેનો હિસાબ લઇ દાનહ અને દમણમા આવી જજો આપણા બે બે હાથ થઈ જાય, અને હવે રાહુલ બાબા હિસાબ માંગે છે. 129 યોજનાઓના હિસાબ લઇને આપની વચ્ચે આવ્યો છું, આટલી યોજના છતાં હજુ મોદીને સતોષ નથી, વધુમાં તેમણે દમણ-દિવ સાંસદ લાલુભાઇ પટેલ અને દાનહના સાંસદ નટુભાઇ પટેલ જોડિયા સાંસદ છે બંનેને દિલ્લી મોકલવાના છે એવું કહી રિપિટ કરવાનો ઇશારો કર્યો હતો. જેને લઇ અન્ય દાવેદારોમાં નારાજગી પ્રસરી ગઇ હતી. આ કાર્યકર્તા સંમેલનમાં અમિત શાહે આવનાર 2019 ની ચૂંટણીનું રણશિંગું ફૂંક્યું હતું .કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો હતો. શાહે છેલ્લા પાંચ વર્ષ મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારનો લોકોને હિસાબ આપ્યો હતો. રાફેલ , રોહિંગ્યા સહિત અનેક મુદ્દે કોંગ્રેસ અને વિરોધીઓને આડે હાથ લીધા હતાં. સાથે જ અમિત શાહએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પણ નામજોગ સંબોધી અને અનેક મુદ્દે તેના પર કટાક્ષ કર્યા હતા.

રિપિટની જાહેરાતમાં ઉતાવળ થઈ હોવાનો મત
બંને સંઘપ્રદેશોની બેઠક પર ગત ટર્મમાં ભાજપની જીતનો માર્જિન ખુબ જ ઓછો છે. લોકસભાની ચૂંટણીને હજુ ઘણીવાર છે. ત્યારે રવિવારે શાહે બંને સાંસદોને રિપિટ કરવાનો ઇશારો કરતાં ભાજપના અન્ય દાવેદારોમાં કચવાટ ઊભો થયો છે. રાજકીય આગેવાનોના મતે અમિત શાહે આ જાહેરાત માટે ઉતાવળ કરી છે.જેનાથી ભાજપને નુકસાન થઇ શકે છે. કારણ કે બંને પ્રદેશોમાં અન્ય દાવેદારોની પણ સંખ્યા વધારે છે.

દમણ, સેલવાસની સાથે વલસાડની પણ ચર્ચા
અમિત શાહના કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાંથી પણ અનેક કાર્યકરો પહોંચ્યા હતાં. શાહે દમણ-સેલવાસના સાંસદોને રિપિટ કરવાના ઇશારા બાદ વલસાડ બેઠક પર શું થશે તેની અટકળો શરૂ થઇ ગઇ છે. બંને પ્રદેશોના સાંસદો માટે શાહે જાહેરાત કરી છે, વલસાડની બેઠક માટે હવે રાહ જોવાઇ રહી છે. જિલ્લા આગેવાનો પાસેથી મળતી માહિતી મુજબ આ બેઠક પર પણ રિપિટ થવાની સંભાવના છે, પરંતુ જયાં સુધી વિધિવત જાહેરાત ન થાય ત્યાં સુધી કાંઇ કહેવું વહેલું ગણાશે.

અન્ય સમાચારો પણ છે...