તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારીના 75 હજાર મિલકતધારકોને કાપડની થેલી અપાશે, પ્લાસ્ટિકને ડામરકામમાં લેવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીને પ્લાસ્ટિકમુક્ત કરવા શહેરના તમામ મિલકતધારકોને કાપડની થેલી આપવાનો નિર્ણય પાલિકાએ કર્યો છે.પાલિકા કચેરીમાં અનેક સંસ્થાઓ સાથેની મિટિંગ બાદ આ નિર્ણય લેવાયો હતો.

સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કેન્દ્રની મોદી સરકારે કર્યો છે. જે અંતર્ગત નવસારી પાલિકાએ પણ શહેરને પ્લાસ્ટિકમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ દિશામાં પગલાં લેવાની શરૂઆત પણ કરી દીધી છે. દૂધિયા તળાવ વિસ્તારમાં ચકાસણી કરી અંદાજે 300 કિલો હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો તાજેતરમાં કબજે પણ કર્યો હતો.હવે શહેર પ્લાસ્ટિકમુક્ત બને તે માટે કેટલાક આયોજન પણ કર્યા છે. જે અંતર્ગત આખા શહેરમાંથી પ્લાસ્ટિકનો જથ્થો પ્રથમ કબજે કરાશે.લોકો મહદઅંશે ચીજવસ્તુઓની ખરીદી માટે પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરે છે ત્યારે ઉક્ત પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડ યા કાગળની થેલી આપવામાં આવશે.શહેરના તમામ 75 હજાર જેટલા મિલકતધારકોને કાપડની થેલી અપાશે,જેથી લોકો આવી થેલી ખરીદી કરવા લઈ જઈ શકે.

પાલિકા કચેરીમાં આ અંગે એક મહત્વની મિટિંગ બેંકો સહિત વિવિધ સંસ્થાઓ સાથે યોજાઈ હતી, જેમાં આ સંસ્થાઓએ સહયોગ આપવાની ખાતરી આપી હતી.તેમના સહયોગ થકી વિતરણ કરવા અંદાજે સવાથી દોઢ લાખ થેલી મેળવશે.

પ્લાસ્ટીક મુક્ત નવસારી સંદર્ભે પાલિકામાં સંસ્થાઓ સાથે મિટિંગ. જનજાગૃતિ લાવવા નવસારીમાં ઠેરઠેર લગાવાયેલ હોર્ડિંગ્સ.

પ્લાસ્ટિકને સિમેન્ટ તથા પેટ્રો કંપનીને અપાશે
જે પ્લાસ્ટિક ભેગું કરવામાં આવશે. તેને સિમેન્ટ કંપની, પેટ્રો પ્રોડકટ વગેરેમાં ઉપયોગ માટે આપવાનું આયોજન છે. ડામર રોડમાં પણ પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકાય એવી માહિતી મળી છે. રોડમાં સ્ટ્રેન્થ આવે છે અને તે દિશામાં વાતચીત ચાલી રહી છે. રાજુ ગુપ્તા, મ્યુનિસિપલ ઈજનેર, નવસારી પાલિકા

2જી ઓક્ટોબરથી ઝુંબેશ શરૂ કરાશે
નવસારી પાલિકાએ પ્લાસ્ટિક વિરુદ્ધની ઝુંબેશની શરૂઆત બીજી ઓક્ટોબર ને ગાંધી જયંતિથી કરવાનો નિર્ણય કર્યો છે.બીજી ઓક્ટોબરે શહેરમાં જનજાગૃતિ રેલી નીકળશે.આ ઉપરાંત શહેરના તમામ 11 વોર્ડમાં ફરી ઘરે ઘરેથી પ્લાસ્ટિક ઉઘરવામાં આવશે.સાથે કચરા અંગે પણ સમજ અપાશે.આ કાર્યક્રમમાં પાલિકાકર્મીની સાથે નગરસેવકો પણ જોડાશે. લોકોને કચરાનો પદ્ધતિસર નિકાલ કરવાની પણ સમજણ આપવામાં આવશે.

ગામડાંઓમાંથી પણ પ્લાસ્ટિક ભેગું કરાશે
માત્ર નવસારી શહેરમાંથી જ નહીં નજીકના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હાનિકારક પ્લાસ્ટિક ભેગુ કરવામાં આવશે. આ ભેગુ કરાયેલુ પ્લાસ્ટિક નવસારી પાલિકા પાસે આવશે અને પાલિકા તેને ક્યાં આપવું તેનો નિર્ણય લેશે.

જનજાગૃતિ માટે ઠેર-ઠેર હોર્ડિંગ્સ લગાવાયા
પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે લોકોનો સહયોગ ખુબ જ જરૂરી છે અને લોકોમાં જનજાગૃતિ આણવી જરૂરી છે. તે માટે હાલ નવસારીમાં પાલિકાએ જનજાગૃતિ લાવવા ઠેર ઠેર પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળી કાપડની થેલી વાપરવા અંગેના બેનર, હોર્ડિંગ્સ લગાવ્યા છે.

મન્ડે પોઝિટિવ
હાલમાં જ દૂધિયાતળાવ વિસ્તારમાંથી 300 કિલો હાનિકારક પ્લાસ્ટિકનો જથ્થો કબજે કરાયો હતો
અન્ય સમાચારો પણ છે...