નવસારી: નવસારી અને સુરત વચ્ચે આવતા મરોલી રેલવે સ્ટેશન નજીક ફાટક 24 કલાકમાં 150થી વધુ વખત ખોલ-બંધ થતા ટ્રાફિક જામ થતા હજારો વાહનચાલકો અને રાહદારીઓ વર્ષોથી હેરાન પરેશાન થઈ રહ્યા છે. મરોલી ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની માંગણી બાદ તેને સરકારે મંજૂરીની મહોર મારી દીધી હોવા છતાં કામગીરીના કોઈ ઠેકાણા નથી. જેને લઈ વહેલી તકે ઓવરબ્રિજ બનાવવાની માગ બુલંદ બની રહી છે. ઉભરાટ જતાં સહેલાણીઓએ પણ આ ફાટક ક્રોસ કરવી પડે છે. શનિવાર રવિવાર ઉપરાંત અહીં રજાના દિવસોમાં ઉભરાટ જતાં વાહનોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે મુશ્કેલીમાં વધારો થાય છે.
મરોલી રેલવે સ્ટેશન નજીક ફાટક પરથી 18 ગામના લોકોની અવરજવર રહે છે
નવસારી રેલવે સ્ટેશનને એ1 સ્ટેશનનો દરજ્જો મળ્યો છે. એ પછી આગળ સુરત તરફ જતા સુરત રેલવે સ્ટેશન આવે છે, તે પહેલા મરોલી સ્ટેશન પાસે રેલવે ફાટક આવે છે. આ ફાટક વાહનચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે. કલાકમાં 6થી 7 વખત આ ફાટક બંધ રહેવાના કારણે હજારો વાહનચાલકો અને રાહદારીઓએ મુશ્કેલી વેઠવી પડે છે. ફાટકની બંને બાજુએ કિલોમીટર લાંબી લાઈન ફાટક બંધ રહેતા અવારનવાર જોવા મળે છે. લોકો ટ્રાફિકમાં હેરાન પરેશાન થતા રહ્યા છે છતાં તંત્ર દ્વારા ત્વરિત ધોરણે મરોલી ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવાની વાત માત્ર હાલના તબક્કે કાગળ ઉપર જ સાબિત થઈ રહી છે.
ટૂંકાગાળામાં અહીં કામગીરી શરૂ કરાશે તેવી વાતો વહેતી કરીને લોકોને ભરમાવાય રહ્યા છે. જોકે વહેલી તકે ઓવરબ્રિજની કામગીરી કરાય તેવી લોકમાગ ઉઠી રહી છે. આ મરોલી ફાટકને કારણે ઉભરાંટ કાંઠાના 18થી વધુ ગામના 34 હજારથી વધુ લોકો હેરાનપરેશાન થઈ ચૂક્યા છે. ઉભરાટ બીચ ઉપર ફરવા આવતા સહેલાણીઓ માટે પણ આ ફાટક માથાના દુ:ખાવા સમાન બની ગઈ છે એટલે વહેલી તકે ઓવરબ્રિજ બનાવી દેવાય તેવી માગ ધીરે ધીરે બળવત્તર બની રહી છે.
સ્થાનિકોને ઘણી મુશ્કેલી પડે છે
સ્થાનિક લોકો માટે ઘણી મુશ્કેલી પડે છે. ખાસ કરીને જ્યારે કોઈકને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાનું હોય છે ત્યારે ઘણી વખત ઉભરાંટથી મરોલી સુધી ઝડપભેર પહોંચી જવાય છે પરંતુ ફાટક પાસે આવીને તે સમય વેડફાઈ જાય છે. એટલે વહેલી તકે ઓવરબ્રિજની કામગીરી શરૂ થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે. - નિલેશ પટેલ, અગ્રણી, ઉભરાટ
સાગરા ફાટક પૂર્ણ થયા પછી કામગીરી શરૂ થશે
હાલના તબક્કે સાગરા ફાટકની કામગીરી ચાલી રહી છે એ પૂર્ણ થયા પછી જ મરોલી ફાટકની કામગીરી શરૂ કરવાનું નક્કી કરાયું છે. આગામી 2019મા અહી ઓવરબ્રિજ પૂર્ણ થઈ જશે તેવી શક્યતા છે. - દિનેશભાઈ પટેલ, માજી પ્રમુખ, નવસારી જિ.પં.
સાગરા પાસે ચોમાસામાં તકલીફ પડે એવી શક્યતા
હાલ સાગરા ફાટક પાસે ડાયવર્ઝન આપી ફાટક ક્રોસ કરાવાઈ રહી છે. સાગરા પાસે ઓવરબ્રિજની કામગીરી ચાલુ છે અને પિલર ઉભા કરાયા છે પરંતુ ચોમાસામાં ડાયવર્ઝન પાસે રસ્તો કાચો હોવાથી કાદવકીચડ થશેે અને લોકોની મુશ્કેલી વધશે.- સંજયભાઈ પટેલ, સ્થાનિક રહીશ, મરોલી
ઉભરાટ ફરવા આવતા સહેલાણીઓ પણ પરેશાન
ઉભરાટ બીચ ઉપર ઘણાં સુરતીઓ હરવા ફરવા આવે છે. સુરતથી નજીક હોવાથી લોકો મોટી સંખ્યામાં ઉભરાટ જવાનું પસંદ કરે છે પરંતુ આવાગમન કરતી વખતે મરોલીની રેલવે ફાટકથી સહેલાણીઓને મુશ્કેલી વેઠવી પડે છે.- અનિલ પટેલ, સહેલાણી, ઉધના-સુરત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.