ડાંગમાં 20 ગામો કલાકો સુધી જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણાં રહ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: ડાંગ જિલ્લામાં બુધવારે રાત્રિના અરસાથી ગુરૂવારે દિવસભર અનરાધાર વરસાદ વરસતા ગુરૂવારે બીજી વખત ચાર લોકમાતા અંબિકા, ગીરા, પૂર્ણા અને ખાપરી નદીઓમાં ધસમસતા પાણીના દૃશ્યો સર્જાયા હતા. વઘઈ પંથકમાં મેઘરાજાને પગલે અહીના ગામડાઓમાં ખાનાખરાબીના અહેવાલ સાંપડ્યા છે. ડાંગ જિલ્લામાં ગતરોજ રાત્રિથી ગુરૂવારે દિવસભર અનરાધાર વરસાદ વરસતા સર્વત્ર પાણી રેલાયા હતા. ડાંગ જિલ્લાના વઘઈ, સાકરપાતળ, સાપુતારા, સુબીર, આહવા અને પૂર્વપટ્ટી સહિતના પંથકોમાં બુધવારે રાત્રિથી ગુરૂવારે દિવસભર વરસાદ વરસતા અહીંના ગામોને સાંકળતા નાળા, ઝરણા, કોતરડા આ સિઝનમાં બીજી વખત પાણી વહેતા ઠેર ઠેર ધોવાણ થવાની સાથે નુકસાન થવાના અહેવાલ સાંપડ્યા છે.

 

સાપુતારામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

 

કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી પાણીના આવકમાં વધારો થતા ડાંગની અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદી પણ ધસમસતા પાણીના  પ્રવાહ સાથે બંને કાંઠે વહેતી જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારના માછળી ગામ નજીકનો ઘોડી કોઝવે, મહાલ નજીકનો બંધપાડા કોઝવે, લહાનદબાસ કોઝવે, કુમારબંધ, ઘોડવહળ, સુપદહાડ, ગાયખા, પાંડવા અને સતીવાંગણ કોઝવે કમ પુલ પાણીમાં ગરક થઈ ગયા હતા. આ કોઝવે કમ પુલને સાંકળતા 20 ગામો કલાકો સુધી વહીવટી મથકેથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા. 


ડાંગ જિલ્લાના વરસાદી આંક


ડાંગ ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લામાં બુધવારે સાંજે 6થી ગુરૂવારે સાંજે 4 વાગ્યા સુધીના 22 કલાક દરમિયાન આહવામાં 121 મિ.મી., સુબીરમાં 54 મિ.મી., સાપુતારામાં 176 મિ.મી. તથા સૌથી વધુ વરસાદ વઘઈમાં 216 મિ.મી. નોંધાયો હતો.


10 ગામોમાં અંધારપટ છવાયો


ડાંગ જિલ્લાના વઘઈ પંથકના ગામોમાં અનારાધાર વરસાદને પગલે ત્રણેક ઠેકાણે રાત્રિના અરસામાં વીજપોલ ધરાશાયી થઈ પડી ગયા હતા. વીજપોલ ધરાશાયી થતા 10 ગામોમાં અંધારપટ છવાયો હતો. બાદમાં સાપુતારા જીઈબીના નાયબ કાર્યપાલક ઈજનેર વી.ડી. પટેલ અને વીજકર્મીઓની ટીમે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજ સમસ્યાનું નિરાકરણ કર્યું હતું.

 


મોટીઝાડદરનો આધેડ તણાયો


ગુરૂવારે સુબીર તાલુકાના મોટીઝાડદરના રહીશ સોનીરાવ વાઘમારે (48) પત્ની સાથે પાંડરપાડા ગામમાં ભગતભુવા પાસે કામ અર્થે ગયા હતા. જ્યાંથી તેઓ પાંડરપાડા ગામની ઘોઘડ નદીના ધસમસતા કોતરના પૂરમાં ઉતરી પાર કરવા જતા ઘટનાસ્થળે તેઓ તણાય ગયાની વિગત સાંપડી હતી. હાલમાં આ આધેડને શોધવા માટે તંત્ર જોતરાયું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...