દરિયાદેવ કોપાયમાન: માછીવાડ ધમરોળાયું, દાંડીમાં ઓવારાનાં પગથિયાં તૂટ્યાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મરોલી, દાંડીરોડ:  બીજની ભરતીને કારણે દરિયામાં મસમોટાં મોજાં ઉછળ્યાં હતાં. ભરતીના પ્રચંડ મોજા ઉભરાટ નજીકના માછીવાડ ગામમાં સતત બીજી વખત સમગ્ર ગામમાં ધસમસી ગયા હતા. જેને કારણે સ્થાનિક રહીશોમાં ભયનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર ગામમાં દરિયાના પાણી ફરી વળતા લોકો રોડ ઉપર નીકળી આવ્યા હતા. તો ઐતિહાસિક દાંડીમાં પણ ભરતીના મોજાથી ઓવારાના ત્રણ પગથિયા તૂટી ગયા હતા. પ્રોટેકશન વોલથી 10 ફૂટના અંતરે રેતીથી પાળો બનાવ્યો હતો. આ પાળો વધુ પાણીના પ્રવાહના કારણે તૂટી જવાને કારણે પાણી ગામમાં ધસી આવ્યાં હતાં. જોકે, ઓવારાનાં પગથિયાં પર કોઈ હાજર નહોતું.

 

મોજાં 25 ફૂટ ઊંચાં ઊછળતાં પાળો તૂટી ગયો ને પાણીનો પ્રવાહ ધસમસતો ગામમાં પ્રવેશ્યો

 

જલાલપોર તાલુકાના મરોલી કાંઠા વિસ્તારમાં માછીવાડ-દીવાદાંડીમાં ભૂતકાળના સમયમાં દરિયો આગળ વધતા ભરતીના પાણીને લઈ સ્થિતિ વધુ બગડતી હતી. ભરતીથી દરિયા કિનારાનું ધોવાણ વધુ થતા ગામની સુરક્ષા માટે 1800 મીટર સુધીની પ્રોટેકશન વોલ બનાવવામાં આવી હતી. આ વોલની ઉંચાઈ ઓછી હોવાના કારણે ચોમાસાની શરૂઆત થતા દરિયાઈ ભરતીનું પાણી દર વર્ષે પ્રોટેકશન વોલ ઓળંગી ગામમાં પ્રવેશતું હોવાથી રોડ અને ઘર આગળનું ધોવાણ અને કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જતા હોય છે. અમાસની મોટી ભરતીનું પાણી ગામમાં ઘુસવાની જાણ તંત્રને થતા નાયબ કલેકટર નિકિતાબેન, ટીડીઓ વાઘેલા, ડ્રેનેજ વિભાગના આર.એન. પટેલ સવારે માછીવાડ-દીવાદાંડીની મુલાકાત લીધી હતી પરંતુ જે સમયે તેઓએ મુલાકાત લીધી હતી એ સમયે ભરતી ન હોવાથી પાણી ગામમાં આવ્યા ન હતા. આજે બીજની ભરતી હોવાથી વધુ પાણી ગામમાં લોકોના ઘરમાં ઘૂસતા મુશ્કેલીમાં મુકાયા છે.

 


બીજની ભરતી મોટી ભરતી હોવાથી ગામમાં ગતરોજ કરતા વધુ પાણી ભરાયું હતું. લોકો રોડ ઉપર આવી ગયા હતા. જે ઘરોમાં પાણી ભરાયા એ ઘરના લોકો વધુ મુશ્કેલી વેઠી રહ્યા છે. ઘરવપરાશના સામાનને પણ નુકસાન પહોંચ્યું છે. પંચાયત દ્વારા આજે સવારે જેસીબી દ્વારા માટીનો પાળો બનાવાયો હતો પરંતુ દરિયાનાં મોજા 20થી 25 ફૂટ ઉંચા ઉછળતા મોજાના પાણીથી પાળો તૂટી જતા પાણીનો પ્રવાહ વધુ જોવા મળ્યો હતો. મનુભાઈ ટંડેલ, દેવચંદ ટંડેલ અને બળવંત ટંડેલનું ઘર પ્રોટેકશન વોલથી ફક્ત 20થી 25 ફૂટના અંતરે આવેલા હોવાથી આ ઘરોની  દિવાલ પર દરિયાના ઉછળતા મોજાના પાણી અથડાતાં તેઓમાં ભય ફેલાયો હતો. 

 

કિનારાની જમીનનું ધોવાણ થઇ ચૂકયું છે

 

ચોથથી દરિયાઇ ભરતી ઓછી થવા માંડે છે. હાલ દરિયામાં અમાસથી દરિયાઇ મોટી ભરતી આવી રહી છે. શનિવારે બીજની મોટી ભરતી આવતાં ઐતિહાસિક દાંડીના દરિયામાં પ્રચંડ મોજાં ઉછળી રહ્યાં હતાં. આ પ્રચંડ મોજાં કિનારા તરફ પૂરી તાકાતથી થપાટ લગાવી રહ્યાં હતાં,જેના કારણે કિનારાને ભારે નુકસાન પહોંચાડી રહ્યા હતાં. ત્રણ દિવસથી આવી રહેલી મોટી ભરતીનાં  પ્રચંડ મોજાંની થપાટથી અઢીથી ત્રણ ફૂટ જેટલી કિનારાની જમીનનું ધોવાણ થઇ ચૂકયું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ હજી રવિવારે આનાથી પણ મોટી ત્રીજની દરિયાઇ ભરતી આવશે જેનાથી પણ કિનારાની જમીનનું મોટું ધોવાણ થશે, જેના લીધે કિનારાને મોટું નુકસાન થવાની ભીતિ તેઓ દ્વારા સેવાઇ રહી છે.

 

ત્રણ મોટા પગથિયા ધડાકાભેર તૂટી પડવાની ઘટના બની
 

આજે બીજની મોટી ભરતી ચાલી રહી હતી તે સમયે બપોરના 3.30 વાગ્યાના અરસામાં દરિયાના પ્રચંડ મોજાં કિનારા ઉપર આવેલા ઓવારામાં પૂરી તાકાતથી અથડાઈને ઓવારાના ઉપર સુધી આવી રહ્યા હતા. દાંડી સહેલગાહે આવેલા સહેલાણીઓ પણ ઓવારાના ઉપર સુધી પાણી આવવાના કારણે ઓવારાથી દૂર ઊભા રહી ભરતીનો નજારો માંણી રહયા હતા.બસ તેજ સમયે પ્રચંડ મોજાંની થપાટથી ઓવારાના ત્રણ મોટા પગથિયા ધડાકાભેર તૂટી પડવાની ઘટના બની હતી. સદ્નસીબે પગથિયાં ઉપર સહેલાણીઓ ઊભા ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાતી રહી ગઇ હતી.જો કે એક તરફ રવિવારે ત્રીજની આનાથી પણ મોટી ભરતી આવશે તો બીજી તરફ રવિવારે રજાના કારણે સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં ઉમટી પડશે તેવા સમયે ઓવારાના અન્ય પગથિયાંઓ પણ મોજાંના થપાટથી ધ્વસ્ત થઇ શકવાની આશંકા છે તો તે માટે સહેલાણીઓની સુરક્ષા માટે તંત્ર પણ સતર્કતા દાખવે તે જરૂરી છે.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... ત્રીજની મોટી ભરતી આવશે​

 
અન્ય સમાચારો પણ છે...