‘કાંઠાનાં ગામોમાં પાણી પહોંચે તે પહેલાં જ સિંચાઈનો પત્ર પહાેંચ્યો ‘વાવણી કરશો નહીં’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓલપાડ: કાકરાપાર જમણા કાંઠાની નહેરોનું નવીનીકરણની કામગીરી કરવા માટે 50 દિવસ સુધી સિંચાઇના પાણી બંધ કર્યા બાદ 22 દિવસના રોટેશન મુજબ પાણી આપતા પાણી છોડ્યાના દિવસો બાદ પણ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં આજદિન સુધી નહેરોમાં પાણી પહોંચ્યું નથી.ત્યારે ઓલપાડ તાલુકાના 20 ગામમાં પાણી ન પહોંચતા અંદાજિત 15000 એકરની ખેતીને પાણી નથી મળ્યું.

 

પાણીની સમસ્યા સર્જાતા ઓછા વરસાદથી ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાનું બહાનું બનાવી સિંચાઈ વિભાગે પોતાની ચામડી બચાવવા હવે ડાંગરની વાવણી ન કરવા પિયત મંડળી અને સરપંચોને પત્રો લખી ‘આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવું કર્યું છે’.

 

પાણીના અભાવે ઓલપાડના 20 ગામની 15000 એકર જમીનમાં રોપવામાં આવેલા પાક પર તોળાતું જોખમ 

 

કાકરાપાર જમણા કાંઠાની ઓલપાડ તાલુકાના ગામડાઓમાં આવેલી નહેરોનું નવીનીકરણ કામગીરી હાથધરવામાં આવતા સિંચાઈ વિભાગ દ્વારા 45થી વધુ દિવસ માટે સિંચાઇના પાણી બંધ કરીને કામગીરી કર્યા બાદ 13 તારીખથી ફરીવાર 22 દિવસના રોટેશનથી નહેરોમાં પાણી આપતા પાણી છોડ્યાના દિવસો બાદ પણ ઓલપાડ તાલુકાના કાંઠાના પિંજરત, ધનસેર, ટૂંડા, ડભારી, ખોસાદીયા, ભાંડુત, સેલુત, દિહેણયહેન, બરબોધન, માસમાં, ઈસનપોર, સરોલ, નેસ, પારડી જાંખડી, સોંદલાખારા, ભાંડુત, કપાશી, આમ 20 ગામોને સિંચાઇનું પાણી પહોંચાડતી હજીરા માઈનોર અને કરંજ માઇનોરથી આજદિન સુધી પાણી પહોંચું નથી.

 

ત્યારે કાંઠાના આ 20 ગામની કુલ 15000 એકર જમીનમાં તૈયાર થયેલો પાક અને સાથે વાવણી કરવાના પાકને મોટી નુકસાની થવાની બીકે ખેડૂતો ચિંતિત બન્યા છે. સિંચાઇનું પાણી આવવાની કાગડોળે રાહજોઇને બેઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ઉનારૂ ડાંગરની સૌથી વધુ ખેતી ઓલપાડ તાલુકાના ગામોમાં થાય છે ત્યારે ઉનારૂ ડાંગરની ખેતી માટે ખેડૂતોએ ધરૂ તૈયાર કર્યા બાદ ખેતરોમાં ડાંગરની વાવણી કરવાના સમયે સિંચાઇનું પાણી ન આપતા ખેડૂતોની હાલત દયનિય બની છે.

 

ડાંગરના ધરૂ તૈયાર છે ત્યારે સિંચાઈ વિભાગના પત્રથી ખેડૂતો લાલધૂમ

 

ત્યારે સિંચાઇના પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાતા સિંચાઈ વિભાગના અધિકરીઓએ પોતાની ચામડી બચાવવા હવે ઓછા વરસાદને લઈને ઉકાઈ ડેમમા પૂરતું પાણી ન હોવાનું ભાનુ બનાવી તાલુકાના ગામોમાં ડાંગરની વાવણી કરવાના સમયે પિયત મંડળી અને સરપંચોને પત્રો લખી ડાંગરની રોપણી ન કરવા સૂચના આપી છે.

 

જ્યારે બીજી બાજુએ તાલુકાના કાંઠાના 20 ગામોમાં પાણી ન પહોંચવાની વાતે કુડિયાના ડિસ્ટ્રી, ભાંડુત માયનોર, બરબોધન માયનોર, માસમાં માયનોર અને ઓરમા માયનોરમાંથી કમાંડ વિસ્તારમાં ઉનાળુ ડાંગરની રોપણી કરવાથી ટેઈલ વિસ્તારમાં પાણી નથી પહોંચતું એવો લૂલો બચાવ લેખિતમાં આપેલા પત્રોમાં કર્યો છે. 


ચોમાસામાં વરસાદ ઓછો થવાથી ઉકાઈ ડેમમાં પાણી ઓછું હોવાની વાતે સિંચાઈ વિભાગ આગળથી તમામ બાબતોથી માહિતગાર હોઈ અગમચેતીના ભાગરૂપે ખેડૂતોને ડાંગરની ખેતી ન કરવા લેખિત સૂચના આપવાની થાય છે. ત્યારે હવે ડાંગરનું ધરું તૈયાર હોઈ અને વાવણીના સમયે ડાંગરની રોપણી ન કરવાના પત્રો લખી સિંચાઈ વિભાગે ‘આગ લાગી ત્યારે કૂવો ખોદવા જેવું કર્યું છે’  

 

મૌખિક સૂચના બાદ હવે પત્ર લખી જાણ કરાઇ

 

ઉકાઈમાં પાણી ઓછું હોવાથી પાણીની મોટી સમસ્યા સર્જાતા સિંચાઈ વિભાગ દ્વારા આગાઉથી જ ઓલપાડ તાલુકાના કાંઠાના ગામોમાં ખેડૂતોને ડાંગરની વાવણી ન કરવા જુદા જુદા માધ્યમોથી સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં ખેડૂતોએ ડાંગરની વાવણી કરીને સિંચાઇના પાણી લેતા કાંઠાના ગામોને પાણી મળ્યા નથી ત્યારે હવે પત્રોથી લેખિત જાણ પણ કરી છે. - એસ.બી.દેશમુખ, કાર્યપાલક ઈજનેર


પાણીમાં 300 ક્યુસેક વધારો થવાની વાત જુઠાણું


કરોડોના ખર્ચે નહેરોનું નવીનીકરણ કરવાથી નહેરોમાંથી થતો પાણીનો બગાડ બંધ થવા સાથે પાણીની આવકમાં વધારો થવાની સરકારે વાત કરી આટલું જ નહીં પણ 300 ક્યુસેક જેટલું પાણીમાં વધારો થવાની વાત વચ્ચે હાલ પહેલા જેટલું પણ પાણી નહેરોમાં નથી આવતું જેથી પાણીના પ્રવાહમાં વધારો થવાની વાતે સરકાર જૂઠી પડી છે. - જયેશ પટેલ, ખેડૂત સમાજ પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...