સાપુતારામાં 5 ઈંચ વરસાદ 7 કોઝવે પાણીમાં ગરક થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: ડાંગ જિલ્લામાં મેઘરાજાએ લાંબા વિરામ બાદ ફરીથી ગુરૂવારે રાત્રિના અરસાથી શુક્રવારે બપોર સુધી ધોધમાર સ્વરૂપે દસ્તક દેતા અંબિકા અને ખાપરી નદીને સાંકળતા 7 કોઝવે કમ પુલ કલાકો સુધી ઉંડા પાણીમાં ગરક થઈ જતા 12થી વધુ ગામો જિલ્લાના વહીવટી મથકેથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા. જ્યારે ગીરા નદીના ધસમસતા પૂરને ઓળંગવા જતા ગીરમાળ ગામનું વૃદ્ધ દંપતી તણાઈ ગયું હતું. 


પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં થોડાક દિવસથી મેઘરાજાએ લાંબો વિરામ લેતા જનજીવન થાળે પડ્યું હતું. આ સાથે ડાંગ જિલ્લામાં ચાલુ ઓગસ્ટ મહિનાના પ્રથમ અને બીજા પખવાડિયામા ઝરમર વરસાદ નોંધાતા અહીંના આદિવાસી જનજીવને કામો આટોપીને નિશ્ચિત બન્યો હતો. ડાંગ જિલ્લામાં મેઘરાજાએ લાંબો વિરામ લીધા બાદ ગતરોજ ગુરૂવારે રાત્રિના અરસાથી શુક્રવારે બપોર સુધી ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, શામગહાન, સાકરપાતળ, વઘઈ, આહવા, સુબીર પંથક તથા પૂર્વપટ્ટી સહિતના પંથકોના ગામોમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી હતી.

 

ગુરૂવારે રાત્રિના અરસાથી ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં અવિરતપણે પડી રહેલા વરસાદી માહોલના પગલે લોકમાતામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદીમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો. આ ચારેય નદીઓ ધસમસતા પૂરની સાથે ગાંડીતૂર બની બંને કાંઠે વહેતી નજરે જોવા મળી હતી. ડાંગની અંબિકા અને ખાપરી નદીમાં પાણીનું લેવલ વધી જતા આ નદીઓને સાંકળતા કુલ 7 કોઝવે કમ પુલમાં નાનાપાડા કુમારબંધ કોઝવે, માનમોડી કોઝવે, સુપદહાડ કોઝવે, ઘોડવહળ કોઝવે, સતીવાંગણ કોઝવે, આહેરડી કોઝવે, ગાયખાસ કોઝવે કમ પુલ ગુરૂવારે મોડીરાત્રેથી શુક્રવારે સાંજ સુધી ધસમસતા ઉંડા પાણીમાં ગરક જ રહેતા 12થી વધુ ગામોમાં કુમારબંધ, બોરદહાડ, લહાનબરડા, મોટાબરડા, સૂર્યાબરડા, સૂપદહાડ, કુતરનાચ્યા, વાંગણ, આહેરડી, ઘોડવહળ, ચવડવેલ, ગાયખાસ, માનમોડી સહિત ગામો જિલ્લાના વહીવટી મથકેથી વિખૂટા પડી સંપર્કવિહોણા બન્યા હતા. શુક્રવારે ડાંગ જિલ્લાના નદી-નાળાની સ્થિતિ પૂરગ્રસ્ત બનતા જનજીવન સહિત પશુપાલન અને ડેરી ઉદ્યોગ પ્રભાવિત બની અસરગ્રસ્ત થયો હતો.

 

ગીરમાળ ગામનું વૃદ્ધ દંપતી તણાયું


ડાંગ જિલ્લામાં ગુરૂવારે રાત્રિના અરસાથી શુક્રવારે દિવસ દરમિયાન પડેલા ધોધમાર વરસાદના પગલે પૂર્વપટ્ટી વિસ્તારની ગીરા નદી ગાંડીતૂર બની હતી. શુક્રવારે મળસ્કે ગીરમાળ ગામેથી પોતાના ખેતરમાં જઈ રહેલા વૃદ્ધ દંપતીમાં નવસુભાઈ કાળુભાઈ (ઉ.વ. 65) અને તેની ધર્મપત્ની સુંદરબેન નવસુભાઈ (ઉ.વ. 60) ગીરા નદીને ઓળંગવા જતા ધસમસતા પૂરના પ્રવાહમાં તણાય ગયા હતા. જેની જાણ ડાંગ વહીવટીતંત્ર અને ગીરમાળ ગામના ગ્રામજનોને થતા સવારથી શોધખોળ આરંભતા આ વૃદ્ધ દંપતીની લાશ ધુલદા ગામ નજીકના પટમાંથી મળી આવી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં સુબીર પોલીસે લાશનો કબજો લઈ પીએમની કાર્યવાહી હાથ ધરી છે.

 

ડાંગ જિલ્લા વરસાદ આંક (ગુરૂવારે સાંજે 4થી શુક્રવારે સાંજે 4 કલાક સુધી)


ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ ગુરૂવારે સાંજે 4થી શુક્રવારે 4 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન આહવામાં 32 મિ.મિ. (સવા ઈંચ), સુબીરમાં 75 મિ.મિ. (3 ઈંચ), સાપુતારામાં 123 મિ.મિ. (5 ઈંચ) અને વઘઈમાં 118 મિ.મિ. (પોણા પાંચ ઈંચ) વરસાદ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...