તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઘઇમાં 10 કલાકમાં 4.6 ઇંચ વરસાદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકા પંથકમાં સોમવારે ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણી રેલાયા હતા, જ્યારે સાપુતારા પંથક, સુબીર પંથક અને આહવા પંથકમાં હળવો વરસાદ નોંધાતા જનજીવને રાહત અનુભવી હતી. સુબીર તાલુકાના ગવહાણ ગામે ચેકડેમમાંથી એક મહિલાની લાશ મળતા ચકચાર મચી જવા પામી છે.


રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ વઘઇ તાલુકામાં નોંધાયો છે. જેની સાથે વઘઇ તાલુકાનાં ગામડાઓને સાંકળતી અંબિકા નદીમાં પણ હાલમાં ચાલુ ચોમાસાની સીઝનમાં પાણીની આવક સાથે ગાંડીતુર બની વહેતી જોવા મળી રહી છે, ત્યારે સોમવારે ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકનાં ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી પાણીનાં નીર રેલાયા હતા. જોકે સોમવારે વઘઇ પંથકમાં કોઇ કોઝવેકમ પુલો ઉપર પાણી ચઢ્યા ન હતા.

 

અહીંનું જનજીવન યથાવત જોવા મળ્યું હતુ. જ્યારે ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથક, આહવા પંથક અને સુબીર પંથકમાં સોમવારે હળવો વરસાદ પડ્યો હતો. ગીરીમથક સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ગાઢધુમ્મસ છવાઇ રહેતા અહીંનુ વાતાવરણ માદક બની પ્રવાસીઓ માટે આહલાદક બની જવા પામ્યું હતુ. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સોમવારે સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનાં 10 કલાક દરમિયાન આહવા પંથકમાં 22 મી.મી અર્થાત 0.8 ઇંચ, સુબીર પંથકમાં 21 મી.મી અર્થાત 0.8 ઇંચ, સાપુતારા પંથકમાં 23 મી.મી અર્થાત 1 ઇંચ અને સૌથી વધુ વરસાદ વઘઇ પંથકમાં 115 મી.મી અર્થાત 4.6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

 

શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી


ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાના ગવહાણ ગામની જયતાબેન પ્રભુભાઇ રાઉત ઉ.અંદાજીત 45 ની લાશ સોમવારે ગવહાણ ગામ નજીકનાં ધોળવહળનાં વહેળા નજીકનાં પાણીથી છલોછલ ભરેલ ચેકડેમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. અહીં ગ્રામજનોએ તુરંત જ સુબીર પોલીસ મથકે લાશ હોવાનું જાણ કરતા ઘટનાસ્થળે પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ ધસી જતા આ મહિલા મૃતકનાં લાશને ત્યાંથી કાઢી પી.એમ માટે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી. અહીં આ મહિલા મૃતક જયતાબેન રાઉતનાં શરીરનાં ભાગે ઇજાઓના નિશાન શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસે નિવેદનો લઇ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...