તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર યથાવત, ડાંગમાં ભારે વરસાદથી 11 ગામ સંપર્ક વિહોણા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાપુતારા: ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં મેઘરાજાની ઈનિંગ જારી રહેતા લોકમાતા અંબિકા, ખાપરી, પૂર્ણા, ગીરા બંને કાંઠે ધસમસતા વહેણ વહેતા થતા કેચમેન્ટ એરિયામાં આવતા 11 ગામો સંપર્કવિહોણા થવા સાથે જનજીવન પર માઠી અસર પહોંચી હતી. વઘઈ પંથકમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યાં સોમવારે સવારે 6થી મંગળવારે સાંજે 4 વાગ્યા સુધીના 34 કલાકમાં 10.5 ઈંચ પાણી ઝીંકાતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું.  ઉપરવાસ ગણાતા ડાંગ જિલ્લામાં સોમવારે સવારથી વરસાદનું જોર વધ્યું હતું. સવાર બાદ ગત સોમવારની સાંજે અને આજે મંગળવારે દિવસે પણ દેમાર વરસાદ ઝીંકાયો હતો.

 

સાપુતારામાં 3, આહવામાં 2.5 અને સુબીરમાં 2 ઇંચથી વધુ વરસાદ

 

સૌથી વધુ વરસાદ વઘઈ પંથકમાં પડ્યો હતો, જ્યાં 24 કલાકમાં 164 મિ.મિ. (6.5 ઈંચ) અને 34 કલાકમાં 10.5 ઈંચ વરસાદ પડી ગયો હતો. મળતી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધબડાટી બોલાવતા જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈ અને સાપુતારા વિસ્તારમાં દિવસભર મુશળધાર વરસાદી હેલી ચાલુ રહેતા લોકમાતા અંબિકાએ રૌદ્ર રૂપ ધારણ કરતા કેચમેન્ટ એરિયામાં આવતા નડગચોંડ, ઘોડવહળ, સુપદહાડ, આહેરડીથી બોરદહાડ, નાનાપાડાથી કુમારબંધ તેમજ ખાપરી નદીના કેચમેન્ટમાં આવેલા સતીવાંગણ-કુત્તરનાચ્યા, બોરખલ-ગાયખાસ-ચવડવેલ, બોરખલ-લીંગા તેમજ પૂર્ણા નદીના કેચમેન્ટમાં આવેલા કાકડવિહિર-ખેરીન્દ્રા, ગોવ્હાણ-જામનગોંડા તેમજ ગીરા નદીના ધુલદાથી ગીરમાળને જોડતા કોઝવે દિવસભર નદીના ધસમસતા પૂરમાં ગરક થઈ જતા લોકો ઘરમાં જ પુરાઈ રહેતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

 

ગિરિમથક સાપુતારા ખાતે દિવસભર ગાઢ ધુમ્મસ પથરાઈ જતા વાહનચાલકોને દિવસે પણ હેડલાઈટ ચાલુ રાખી વાહન હંકારવા ઘણાં કસરત કરવી પડી હતી. સમગ્ર જિલ્લામાં ક્યાંક મધ્યમ તો ક્યાંક મુશળધાર વરસેલા વરસાદથી શીતલહેર ફેલાઈ ગઈ હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી કોઈ જાનહાનિ કે નુકસાનીના અહેવાલ સાંપડી શક્યા ન હતા. ગતરોજ સાંજે 6થી મંગળવારે સાંજે 4 વાગ્યા દરમિયાન 22 કલાક પૂરા થતા આહવા ખાતે 60 મિ.મિ., વઘઈ ખાતે 136 મિ.મિ., સુબીર ખાતે 59 મિ.મિ., જ્યારે સાપુતારા ખાતે 74 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. 

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો, માલેગામ ઘાટમાર્ગમાં માટી-શીલા ધસી.....