તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવસારી જિલ્લાની 4 પાલિકાના કર્મચારીઓ સરકારની સામે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી: સાતમા પગારપંચ સહિત અનેક માંગણીઓ સરકારે નહીં સ્વીકારતા નવસારી જિલ્લાની ચારેય પાલિકાના કર્મચારીઓએ આજથી કાળીપટ્ટી પહેરી દેખાવો કરવાની શરૂઆત કરી દીધી છે. આ દેખાવો માગ ન સ્વીકારાય ત્યાં સુધી જારી રાખવાની જાહેરાત કરી દીધી છે. રાજ્ય સરકારે હજુ સુધી નગરપાલિકા કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપ્યો નથી. આ ઉપરાંત મહેકમ, ભથ્થા સહિતની અન્ય કેટલીક માંગો પણ હજુ સુધી સ્વીકારી નથી. જેને લઈને અગાઉ નવસારી જિલ્લાની ચાર નગરપાલિકાના કર્મચારીઓએ પણ અગાઉ સરકારમાં રજૂઆતો કરી હતી.
 
સાતમા પગારપંચ સહિતની માંગો ન સ્વીકારાતાં કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો

આ માંગોને હજુ સુધી સરકારે સ્વીકાર ન કરતા આજે સોમવારથી જિલ્લાની ચારેય નગરપાલિકામાં કર્મચારીઓએ કાળી પટ્ટી પહેરી દેખાવો કરવાની શરૂઆત કરી દીધી છે. મળતી માહિતી મુજબ જિલ્લાની સૌની મોટી નવસારી નગરપાલિકાના કર્મચારીઓએ દિવસ દરમિયાન કાળી પટ્ટી પહેરી કામ કર્યું હતું અને સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિજલપોર પાલિકાના કર્મચારીઓએ પણ કાળી પટ્ટી પહેરી કામ કર્યું હતું. આજ પ્રમાણે બીલીમોરા અને ગણદેવી પાલિકાના કર્મચારીઓએ પણ કાળીપટ્ટી પહેરી દેખાવ કર્યાની જાણકારી મળી હતી. નવસારી પાલિકા કર્મચારી યુનિયનના અગ્રણી હરીશ પારેખે જણાવ્યું કે આજે કાળી પટ્ટી પહેરી પાલિકા કર્મચારીઓએ કામ કર્યું હતું, જે માગ સ્વીકારાય ત્યાં સુધી કાળી પટ્ટી પહેરીને જ કામ કરશે.

અહીં ઉલ્લેખનીય છેકે સોમવારે જિલ્લાની ચારેય નગરપાલિકાના કર્મચારીઓનું એક પ્રતિનિધિ મંડળ નવસારી કલેકટરને મળ્યું હતું. જ્યાં કર્મચારીઓએ પોતાની માગ સંદર્ભનું એક આવેદનપત્ર પણ કલેકટર રવિ અરોરાને રૂબરૂમાં સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં પગારપંચની રજૂઆતોની સાથે પેન્શનના લાભ, મોંઘવારી ભથ્થા અંગે કેટલાક કર્મચારીઓને અન્યાય, મેડિકલ ભથ્થાની માગ, બઢતીની માગો વગેરેની રજૂઆત કરી હતી.
 
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન

નવસારી જિલ્લાની ચારેય નગરપાલિકાઓના કર્મચારીઓએ સોમવારથી કાળીપટ્ટી પહેરી આંદોલનની ધીમી ગતિએ શરૂઆત કરી છે. જોકે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની પણ જાહેરાત કરી દીધી છે. આ ઉગ્ર આંદોલન અંતર્ગત 21મી જૂનથી 23મી જૂન દિન-3 માટે પાલિકાની તમામ કામગીરી અને આવશ્યક સેવાની કામગીરી બંધ કરશે. વધુમાં ભવિષ્યમાં અનિશ્ચિત સંપૂર્ણ હડતાળ અંગેની ચેતવણી આપી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં કર્મચારીઓએ મૂળ કામગીરી સિવાયની વધારની તમામ કામગીરીનો બહિષ્કાર કરવાની પણ જાહેરાત કરી છે.
 
( તસવીર - રાજેશ રાણા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...