સીણધઈ ગામના બે મકાનમાંથી ૭૮ હજારની મતા ચોરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સીણધઈ ગામના બે મકાનમાંથી ૭૮ હજારની મતા ચોરી

વાંસદા તાલુકાના સીણધઈ ગામના રાજપૂત ફળિયાના બે બંધ મકાનમાં અજાણ્યા ચોરટાઓએ દાગીના અને રોકડા મળી કુલ ૭૮ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે.

વાંસદા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિ‌તી મુજબ વાંસદા તાલુકાના સીણધઈ ગામના રજપૂત ફળિયાના રહીશ ઈસ્માઈલભાઈ અહમદભાઈ શેખના બંધ મકાનનું કોઈક અજાણ્યા ચોરટાઓએ તાળુ તોડી મકાનની અંદર પ્રવેશ કર્યા બાદ મકાનમાં મુકેલ કબાટને કોઈ સાધનથી તોડી કાઢયો હતો. કબાટના ડ્રોઅરમાંથી સોનાની ત્રણ જોડ કાનની બૂટની કિંમત રૂ.૧૮૦૦૦ તથા રોકડા રૂ.૨પ૦૦૦ અને આફ્રિકન એ.એન. રૂપિયા ૧૦૦૦૦ની ચોરટાઓએ ચોરી કરી ઈસ્માઈલના બાજુમાં રહેતા અબ્દુલભાઈ અહમદભાઈના બંધ મકાનનું પણ ચોરટાઓએ તાળુ તોડી કાઢયું હતું.

મકાનની અંદરના કબાટનો દરવાજો તોડી સોનાની બુટ્ટી નંગ એકની કિંમત રૂ.૬૦૦૦ અને રોકડા રૂ.૭૦૦૦ની ચોરટાઓ ફરાર થઈ ગયા હતા. ગત રાત્રે બે મકાનના દરવાજા તોડી બંને મકાનોમાંથી કુલ રૂ.૭૮૦૦૦ની મતાની ચોરી કરી હતી. આ ચોરીના બનાવ અંગેની ફરિયાદ મકાન માલિક ઈસ્માઈલભાઈએ પોલીસ મથકે કરતા પોલીસે ડોગ સ્કર્વોડ તેમજ એફએસએલ તેમજ ફીંગર પ્રિન્ટ એક્સપર્ટની મદદથી પીએસઆઈ કે.જે.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.