તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૩૦૦થી વધુ શાળાના છાત્રો ST પાસથી વંચિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અવઢવ: એસટી વિભાગ અને શિક્ષણ વિભાગ વચ્ચે સંકલનના અભાવે અપડાઉન કરતાં હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા
પરિપત્રનો અમલ થતો નહિ હોવાની આચાર્ય સંઘની ફરિયાદ
ગ્રામ્ય વિસ્તારના છાત્રો માટે એસટીસેવા આશીર્વાદરૂપ
ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરમાં અભ્યાસ કરવા આવતાં છાત્રોને એસટી બસમાં મુસાફરી માટેના વિદ્યાર્થી પાસ શાળામાંથી જ મળી રહે તે માટે સરકારના પરિપત્રનો એસટી તથા શિક્ષણ વિભાગના સત્તાધીશોએ છેદ જ ઉડાડી દેવાતાં જિલ્લાની ૩૦૦થી વધુ શાળાઓમાંથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે.
સવિeસ એટ યોર ડોર સ્ટેપ ના કન્સેપ્ટ સાથેના જિલ્લા શિક્ષણાધિકારીના પરિપત્રનો સંબંધિત ૩૦૦ શાળાના સંચાલકો દ્વારા અપડાઉન કરતાં છાત્રોની માહિતી મોકલી આપવા છતાં એસટી વિભાગના સત્તાધીશો દ્વારા દાખવવામાં આવેલી નિષ્કાળજીના પગલે વિદ્યાર્થીઓ રાહત પાસથી વંચિત રહી ગયાં હોવાની ફરિયાદ ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ દ્વારા કરવામાં આવી છે.ભરૂચ શહેરમાં આવેલી શાળાઓ તથા કોલેજોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો વિદ્યાર્થીઓઅભ્યાસ કરવા માટે આવે છે ત્યારે તેમના માટે એસટી બસ સેવા આશીર્વાદરૂપ સમાન છે.
શાળા- કોલેજમાં અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ તરફથી રાહતદરે વિદ્યાર્થી પાસ આપવામાં આવે છે. એસટી ડેપો ખાતેથી વિદ્યાર્થી પાસ મેળવવા વિદ્યાર્થીઓને લાઇનમાં કલાકો સુધી ઉભા રહેવું પડતું હોવાથી તેમનો સમય અને અભ્યાસ પણ બદડવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી.
ભરૂચ જિલ્લાના વિદ્યાર્થીઓને એસટી ડેપોના બદલે શાળામાંથી જ રાહત દરના વિદ્યાર્થી પાસ મળી રહે તેવી વ્યવસ્થાના ભાગરૂપે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તરફથી પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લાના ૩૦૦થી વધારે શાળાઓના આચાર્યોને પાઠવાયેલાં પરિપત્રમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા વિદ્યાર્થી પાસ જે સ્થળે અભ્યાસ કરતાં હોય તે શાળામાંથી વિદ્યાર્થીઓને મળી રહે તેવી કાર્યવાહી હાથ ધરવાની હોવાથી એસટી બસોમાં અપડાઉન કરતાં વિદ્યાર્થીઓની માહિતી શાળાના નામ સાથે ભોલાવ સ્થિત એસટીની વિભાગીય કચેરીએ મોકલી આપવા જણાવવામાં આવ્યું હતું.
નવા સત્રનો પ્રારંભ થઇ ચુકયો હોવા છતાં વિદ્યાર્થીઓને પાસ આપવાની કાર્યવાહી સરકારી તંત્ર દ્વારા શરૂ કરવામાં નહીં આવતા વિદ્યાર્થીઓને હજી પણ એસટી ડેપો ખાતે કલાકોના કલાકો સુધી પાસ કઢાવવા માટે લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાની ફરિયાદ ઉઠી છે.
સરકારના પરિપત્રનો અમલ થયો નથી
ગ્રામ્ય વિસ્તારોમાંથી શહેરી વિસ્તારોમાં અભ્યાસ માટે આવતાં વિદ્યાર્થીઓને એસટી બસના પાસ મેળવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. અપડાઉન કરતાં છાત્રોને શાળામાંથી એસટી બસના પાસ મળી રહે તે માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીથી તરફથી પરિપત્ર પાઠવી દરેક શાળામાંથી અપડાઉન કરતાં વિદ્યાર્થીઓની માહિતી મંગાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની દરેક શાળામાંથી ૧૨મી તારીખે માહિતી મોકલી આપવામાં આવી હોવા છતાં પાસની કાર્યવાહી હાથ નહિ ધરાતાં છાત્રોને ફરી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે અને તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. આ બાબતે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાશે.
પ્રવિણસિંહ રણા, પ્રમુખ, ભરૂચ જિલ્લા આચાર્ય સંઘ
એસટી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે
વિદ્યાર્થીઓને શાળામાંથી વિદ્યાર્થી પાસ આપવાનું રાજ્ય સરકાર દ્વારા નકકી કરવામાં આવ્યું છે પરંતુ શાળા પ્રવશોત્સવના કાર્યક્રમમાં વ્યસ્તતાને કારણે કામગીરી બાબતે કોઇ જાણ નથી. વિદ્યાર્થીઓને શાળામાંથી જ વિદ્યાર્થી પાસ મળી રહે તે માટે એસટી નિગમના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વિદ્યાર્થીઓને સરળતા રહે તેવા પ્રયાસો કરવામાં આવશે.
એફ.જે.માલી, ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ
આચાર્યો ફોર્મ લઇ નથી ગયાં
વિદ્યાર્થી રાહત પાસ બાબતે શાળાના આચાર્યોને જાણ કરવા છતાં તેઓ કચેરીમાંથી ફોર્મ લઇ ગયાં નહિ હોવાથી સમસ્યા સર્જાઇ છે. છાત્રોને સરળતાથી પાસ મળી રહે અને તેમને કોઇ મુશ્કેલી ન પડે તે માટે શાળાના આચાર્યોને ફરી જાણ કરાશે.
એન.એસ.પટેલ, વિભાગીય નિયામક, એસટી, ભરૂચ