ગણદેવીમાં વધુ ત્રણ ઈંચ વરસાદ થતાં ખેડૂતોને રાહત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગણદેવીમાં વધુ ત્રણ ઈંચ વરસાદ થતાં ખેડૂતોને રાહત
ઠંડી હેલી નીકળતા ડાંગરના પાકને ફાયદો થવાની શક્યતા
અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન હોય રાહત
ગણદેવી: ગણેશ વિસર્જન બાદ સોમવારે રાત્રે પ્રારંભાયેલ વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી છે. ઠંડી હેલી નીકળતા ડાંગરના પાકને ફાયદો થશે. ગણદેવીમાં બાર કલાકમાં 71 મિ.મિ. વરસાદ થયો છે યાને ત્રણેક ઈંચ જેવો વરસાદ થયો હોવાનું ગણદેવી મામલતદાર એમ.આર. વસાવાએ જણાવ્યું હતું. આજરોજ સમગ્ર દિવસ દરમિયાન વરસાદી માહોલ રહ્યો હતો. અવારનવાર વરસાદી ઝાપટા રહ્યા હોવાથી નગરમાં પાણી રહ્યું હતું.
વિસર્જિત કરાયેલી ગણેશજીની પ્રતિમા નદીઓમાં વરસાદી પાણી આવતા વ્યવસ્થિત વહેતી થઈ હતી. પ્રતિમાઓ બેહાલી થતા બચી જવા પામી હતી.

ગણદેવી નગરની વેંગણીયા નદીમાં વિસર્જિત કરાયેલી ગણેશજીની પ્રતિમાએ વિસર્જન બાદ તુરંત જ રાત્રે જોરદાર વરસાદનો પ્રારંભ થતા નદીમાં આવેલ વિપુલ પ્રમાણમાં પાણીને લઈને વહેતી થતા ભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો. નગરમાં ગણેશ વિસર્જનનો માર્ગ પર પડેલ કચરો પણ વરસાદી પાણી સાથે ધોવાઈ જતા રસ્તા ચોખ્ખા થઈ ગયા હતા. આજરોજ મંગળવારે 71 મિ.મિ. જેટલો વરસાદ નોંધાતા સિઝનનો કુલ વરસાદ 1453 મિ.મિ. યાને 58 ઈંચ થયો હોવાનું મામલતદાર કચેરીના સતીશભાઈ પટેલે જણાવ્યું હતું. ફલડ કંટ્રોલ રૂમ સત્તાધીશોના જણાવ્યા મુજબ અંબિકાના ઉપરવાસમાં કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ ન પડ્યો હોવાથી નદીમાં પૂરની શક્યતા નથી.