અંબિકાના ધમડાછા લો-લેવલ બ્રિજ ઉપર પાણી ફરી વળ્યાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધમડાછા પુલ નજીક પુરમાં લાશ તણાઈ આવી

ગણદેવી તાલુકાની લોકમાતા અંબિકાએ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે સિઝનમાં પ્રથમ વખત રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું હતું. સવારે ૯ કલાકે નદી મહત્તમ ૨૩.૭પ ફૂટની સપાટીએ પહોંચી હતી. અંબિકા નદીમાં આવેલ પુરના પાણી ધમડાછા નજીકના લો-લેવલ પુલ ઉપર ફરી વળતા ગણદેવી-અમલસાડ વચ્ચેનો સીધો વાહન વ્યવહાર બંધ થઈ જવા પામ્યો હતો. સોનાવડી નજીક અંબિકા નદીની ભયજનક સપાટી ૨૭ ફૂટ નોંધાય છે.

ગત રાત્રિ દરમિયાન સ્થાનિક તથા ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે લોકમાતા અંબિકામાં પૂર આવ્યા હતા. ફ્લડ કંટ્રોલ આહવામાંથી પ્રાપ્ત માહિ‌તી મુજબ ૨૪ કલાકમાં આહવા ખાતે ૧૭૧ મિ.મી., સાપુતારા આતે ૭૧ મિ.મી. તથા વઘઈ ખાતે ૧૭૬ મિ.મી. વરસાદ પડયો હતો. ગણદેવીથી પ્રાપ્ત માહિ‌તી મુજબ ગણદેવી ખાતે ૮૧ મિ.મી. વરસાદ પડયો હતો. ગણદેવીનો મોસમનો કુલ વરસાદ ૧પ૬૩ મિ.મી. (૬૨.પ ઈંચ) થયો છે.

કેન્દ્ર સરકાર દ્વારા સોનવાડી ગામે કેન્દ્રીય જલ આયોગ કચેરીની માહિ‌તી મુજબ સોનવાડી ખાતે ગત રાત્રિ દરમિયાન ૪૮ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. જ્યારે મોસમનો કુલ વરસાદ ૧૩પપ મિ.મી. (પ૪ ઈંચ) થવા પામ્યો છે. અંબિકા નદીના પુરમાં એક લાશ તણાઈને પસાર થતા આ માહિ‌તી ગણદેવી પીએસઆઈ એસ.એલ.વસાવાને કરાતા તેમણે અજરાઈ ગામના આગેવાન આશિષ દેસાઈનો સંપર્ક કરી ધમડાછા પુલ પાસે લાશને પાણીમાંથી બહાર કઢાવી હતી. પોલીસે લાશને ગણદેવી સીએચસીમાં પોસ્ટર્મોટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.