તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Six Villages Effected Package Ready To Announced Government

છ ગામના અસરગ્રસ્તોને પેકેજ આપવા રાજ્ય સરકાર તૈયાર: શબ્દશરણ તડવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગામ લોકોના વિરોધને ખાળવા માટે નાંદોદના ભાજપના ધારાસભ્ય મેદાનમાં
- મુખ્યમંત્રીએ પેકેજની જાહેરાત નહિ‌ કરતાં ગામ લોકોમાં સરકાર તરફ વધી રહેલો વિરોધ


નર્મદા ડેમના અસરગ્રસ્ત ૧૯ ગામના લોકોને મળેલાં લાભો સમકક્ષ લાભોની માંગણી કરી રહેલાં નાંદોદ તાલુકાના છ ગામના લોકોને રાજય સરકાર પેકેજ આપવા તૈયાર હોવાનું ધારાસભ્ય શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું. સરદાર પટેલ જન્મજયંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સ્થાનિક રહીશો માટે પેકેજની જાહેરાત નહિ‌ કરતાં છ ગામોના લોકોમાં રાજ્ય સરકાર સામે ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

સરદાર પટેલના ૧૮૨ મીટર ઉંચાઈ ધરાવતાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું શિલાન્યાસ રાજયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ પૂર્વ કેવડિયા અર્ખન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના તથા અસરગ્રસ્ત છ ગામની માંગણીઓ સંદર્ભમાં આંદોલન શરૂ થતાં રાજય સરકારમાં દોડધામ મચી હતી. શિલાન્યાસ કાર્યક્રમનો વિરોધ અટકાવવા સરકારે તેના મંત્રીઓ અને વહીવટી તંત્રને કામે લગાડી દીધું હતું. શિલાન્યાસ કાર્યક્રમમાં વિરોધ ન થાય તે માટે ગામના આગેવાનો સાથેની બેઠકમાં સમસ્યાના નિરાકરણની યોગ્ય ખાતરી આપવામાં આવી હતી પરંતુ મુખ્યમંત્રીએ અસરગ્રસ્તો માટે પેકેજની જાહેરાત નહિ‌ કરતાં લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.

મુખ્યમંત્રીના કાર્યક્રમનાં બે દિવસ પૂર્વે જ પ્રભારી મંત્રી ગણપત વસાવાએ કેવડિયા કોલોની સરકીટ હાઉસ ખાતે યોજેલી પત્રકાર પરિષદમાં સરકારે અસરગ્રસ્તોની તમામ માંગણીઓ સ્વીકારી હોવાની ઔપચારિક જાહેરાત કરી અને જેની વિગતવાર જાહેરાત મુખ્યમંત્રી કરશે તેમ જણાવ્યું હતું પરંતુ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રવચનમાં ગરૂડેશ્વરને તાલુકો જાહેર કર્યો તથા સિંચાઇ માટે નર્મદા અને કરજણ કેનાલમાંથી પાણી અપાશે તેવી ખાતરી આપી હતી પરંતુ પેકેજનો કોઇ ઉલ્લેખ કર્યો ન હતો.

ગામ લોકોના વિરોધને ખાળવા માટે નાંદોદના ધારાસભ્ય શબ્દશરણ તડવી મેદાનમાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારનાં લોકોના પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરી સુંદર પેકેજ બનાવ્યું છે. અત્યાર સુધીમાં કોઈ સરકારે આપ્યું નહિ‌ હોય તેવું પેકેજ રાજય સરકાર દ્વારા આપવામાં આવશે.