નર્મદામાં બિનઆદિવાસી લોકોએ આદિવાસીઓની જમીન હડપ કરી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી હિ‌તરક્ષક સમિતિના સભ્યોનું રાજપીપળાના પ્રાંત અધિકારીને આવેદનપત્ર
સૌરાષ્ટ્ર તથા અન્ય પ્રાંતોમાંથી આવેલાં બિન આદિવાસી લોકોએ નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓની જમીન હડપી લીધી હોવાનો ગંભીર આક્ષેપ આદિવાસી હિ‌તરક્ષક સમિતિના આગેવાન અને ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ કર્યો છે. સરકારી તથા આદિવાસી લોકોની જમીન પર બિન આદિવાસી લોકોએ કરેલાં દબાણો તાત્કાલિક અસરથી દૂર કરવાની માગ સાથે તંત્રવાહકોને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપળા તથા આસપાસના વિસ્તારોમાં આવેલી આદિવાસી સમાજના લોકોની મહામૂલી જમીન બિન આદિવાસી સમાજે પચાવી પાડી હોવા બાબતે આજે શનિવારે તંત્રવાહકોને રજૂઆત કરાઇ હતી. આદિવાસી હિ‌તરક્ષક સમિતિના આગેવાનોએ રાજપીપળાના પ્રાંત અધિકારી પી.ટી.સાધુને કરેલી રજૂઆતમાં જણાવ્યા અનુસાર દેડિયાપાડા, તિલકવાડા, નાંદોદ અને સાગબારા તાલુકાનો બંધારણના પાંચમા શિડયુઅલમાં સમાવેશ કરાયો છે તેમ
છતાં બિન આદિવાસી વ્યકિતઓએ ગોચર, ખરાબા સહિ‌તની જમીનો પર ગેરકાયદે કબજો જમાવી દીધો છે.
સૌરાષ્ટ્ર તથા અન્ય પ્રાંતમાંથી આવેલા લોકોએ ગરીબ આદિવાસીઓની જમીનો પચાવી પાડી છે ત્યારે આ જમીનો મૂળ માલિકોને પરત આપવી જોઇએ તેમજ આદિવાસી સમાજના હિ‌તોના રક્ષણ માટે પેસા સહિ‌તના કાયદાની કડક અમલવારી કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વેળા ઝઘડિયાના ધારાસભ્ય
છોટુ વસાવા, નિવૃત સનદી અધિકારી જગતસિંહ વસાવા, નગરપાલિકા પ્રમુખ મહેશ વસાવા સહિ‌ત રૂપસિંગ વસાવા, પ્રવિણસિંહ વસાવા, રાકેશ વસાવા, બહાદુર વસાવા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતાં.
આદિવાસીઓને તેમની જમીન મળવી જ જોઇએ
આદિવાસી સમાજના લોકોની જમીનો જે બિન આદિવાસીઓ દ્વારા પડાવી લેવામાં આવી છે તથા ૯૯ વર્ષના ભાડાપટ્ટાના ગેરકાયદે નોટરાઇઝેશન કે પરવાનગીની પ્રથા બંધ થવી જોઇએ. આદિવાસી ગણોતિયાઓની જમીન હજી તેમના નામે થઇ નથી ત્યારે આ દિશામાં નકકર કાર્યવાહી થાય તેમજ પેસા સહિ‌તના કાયદાઓનો અમલ થવો જોઇએ. છોટુ વસાવા, ધારાસભ્ય, ઝઘડિયા