સાંસદ વસાવાના રાજ્ય સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કૃષિ મહોત્સવના પ્રારંભે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલિભગતના કરતુતો બહાર પાડતાં સભામાં સન્નાટો
વિકાસ કામોમાં થઇ રહેલાં ભ્રષ્ટાચારથી ગુણવત્તાનું પ્રમાણ જળવાતું નથી
નર્મદા જિલ્લાના ધારીખેડા ખાતે આયોજિત કૃષિ મહોત્સવના ઉદ્ઘાટન સમારંભમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભ્રષ્ટાચારના મુદ્દે અધિકારીઓની જાહેરમાં ઝાટકણી કાઢતાં સભામાં સોપો પડી ગયો હતો.
મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, જિલ્લામાં વિકાસ કામોમાં થઇ રહેલાં ભ્રષ્ટાચારને કારણે ગુણવત્તાનું પ્રમાણ જળવાતું નથી અને લોકોને તેનો લાભ મળતો નથી આના માટે અધિકારીઓ,પદાધિકારીઓ અને કોન્ટ્રાકટરોની મિલીભગત જવાબદાર છે.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, જિલ્લામાં વિકાસકામો તથા સરકારી યોજનાઓમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઇ રહયો છે.
ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓ તથા પદાધિકારીઓને તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, તેઓ તેમની પ્રવૃતિ બંધ નહિ‌ કરે તો જાહેરમાં ભ્રષ્ટાચારીઓના નામ અને તેમની કરતૂતોને ખુલ્લા પાડી દેશે. સાંસદની ચીમકીને પગલે સભામાં સોપો પડી ગયો હતો. તેમણે પ્રજાને વચેટીયાઓથી દૂર રહેવા તથા લાંચ આપી ખોટા કામો નહિ‌ કરાવવા સલાહ આપી હતી.
તેમણે ઉર્મેયુ હતું કે, પશુપાલન વિભાગ તરફથી લાભાર્થી‍ઓને દૂધાળા ઢોર આપવામાં આવે છે પરંતુ તેમાં પણ ઘરડા ઢોર પધરાવી દેવાતાં હોવાથી ખેડૂતો ઘાસચારો ખવડાવી પાયમાલ થઇ જાય છે પરંતુ દૂધ મળતું નથી. ખેડૂતોને સિંચાઇના પાણી મળી રહે તે માટે જિલ્લામાં ચેકડેમ બનાવવામાં આવ્યાં હતાં પરંતુ તેમાંથી મોટાભાગના તુટી જવા પામ્યા છે. હલકી ગુણવત્તાના ચેકડેમોની તપાસ કરવાની પણ તેઓ દ્વારા જાહેરમાં માંગ ણી કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાના રાજ્યના સરકારી અધિકારીઓ સામે કરવામાં આવેલાં ગંભીર આક્ષેપોના પગલે એક તબક્કે સભા સ્તબ્ધ થઇ ગઇ હતી.
ઝઘડિયામાં રાણીપુરાથી કૃષિરથનો પ્રારંભ
ઝઘડિયા તાલુકાના કૃષિરથનો રાણીપુરા ગામેથી પ્રારંભ થયો હતો. રાણીપુરા ગામે આયોજિત કાર્યક્રમમાં ઉચેડીયા, રાણીપુરા, વંઠેવાડ, નાના સાંજા, મોટા સાંજા સહિ‌તના ગામોના ૨૦૦થી વધુ ખેડૂત લાભાર્થીઓને કૃષિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.