સ્ટેટ CIDની રેતી માફિયાઓ સામે તપાસથી ખળભળાટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભરૂચ- નર્મદામાં માફિયાઓએ બોગસ બિલ્ટી- રોયલ્ટી પાસ બનાવ્યાં હતાં
- ગાંધીનગરની વિજિલન્સ ટીમે રાજપીપળામાંથી રેતીની ઓવરલોડ ટ્રકો ઝડપી પાડતાં કૌભાંડનો પર્દાફાશ
- બંને જિલ્લાના ખાણ અને ખનિજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારમાં જાણકરી હતી


ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ગેરકાયદે રેતીખનન કરી તેને બનાવટી બિલ્ટી- રોયલ્ટી પાસ બનાવી તેને વેચી મારવાના કૌભાંડમાં રાજયની સીઆઇડી (ક્રાઇમ)ની ટીમે ભરૂચ અને નર્મદામાં ઘનિષ્ઠ તપાસ હાથ ધરતાં રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. સમગ્ર રાજયમાં મકાનો, ઇમારતો અને શોપિંગ સેન્ટરોની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે ત્યારે રેતી, કપચી સહિ‌તના બિલ્ડિંગ મટિરીયલની માંગમાં વધારો થતાં દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદે રેતીખનનની પ્રવૃતિએ માઝા મુકી છે.

ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં આવેલી રેતીની લીઝોમાંથી ગેરકાયદે ખનન કરાયેલી રેતીને બનાવટી બિલ્ટી- રોયલ્ટી પાસ બનાવીને વેચી નંખાતી હોવાની ચોંકાવનારી વિગતો ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓને ધ્યાને આવી હતી. આ બાબતે ખાણ- ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકારમાં જાણ કરતાં બોગસ બિલ્ટી- રોયલ્ટી પાસની તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી. સીઆઇડી (ક્રાઇમ)ના પોલીસ ઇન્સપેકટર એમ.એન.પઠાણે ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંબંધિત કેસોમાં ટ્રક ચાલકો તેમજ સંચાલકોના નિવેદનો લઇ તપાસનો ધમધમાટ શરૂ કરી દેતાં રેતી માફિયાઓમાં દોડધામ મચી છે.

ગેરકાયદે પ્રવૃતિની પારદર્શક તપાસ કરવામાં આવશે

બોગસ બિલ્ટી- રોયલ્ટી પાસ બનાવી રેતીનું ખનન અને વહન કરવાની રેતી માફિયાઓની પ્રવૃતિથી સરકારી તિજોરીને નુકસાન થઇ રહ્યું છે. સમગ્ર પ્રકરણની તપાસ સીઆઇડી (ક્રાઇમ)ને સોંપવામાં આવતાં નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પારદર્શક તપાસ કરી ગુનેગારો સામે કડક કાર્યવાહી કરાશે. એમ.એન.પઠાણ, પોઇ, સીઆઇડી (ક્રાઇમ)

સુરતના કેટલાક દલાલોની સક્રિય ભૂમિકા

સીઆઇડી (ક્રાઇમ)ની ટીમની તપાસમાં રેતીનું વહન કરતી ટ્રકના ચાલકોના નિવેદન લેવાયાં હતાં જેમાં ટ્રક ચાલકોએ રેતી ભરેલી ટ્રકોને વરાછા સુધી લઇ જવાયાં બાદ દલાલો રેતીનો જથ્થો લઇ જતાં હોવાનો ખુલાસો કર્યો છે.

મ.પ્ર.ની બિલ્ટી- રોયલ્ટી પાસથી રેતીની થતી ચોરી

ભરૂચ, નર્મદા- વડોદરા જિલ્લામાંથી રેતીને દ.ગુ.માં સપ્લાય કરાયછે. વિજિલન્સ ટીમે નર્મદામાંથી ઝડપી પાડેલી ટ્રકચાલકો પાસેથી મળી આવેલી બિલ્ટી- રોયલ્ટી પાસ મ.પ્ર.ના જણાતાં આંતર રાજય કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

દક્ષિણ ગુજરાતમાં રેતી માફિયાઓનું સામ્રાજય

દક્ષિણ ગુજરાતમાં રેતી માફિયાઓનું વ્યવસ્થિત નેટવર્ક છે. બનાવટી બિલ્ટી- રોયલ્ટી પાસના આધારે રેતીની ચોરી કરી તેને વેચી મારવાના કૌભાંડમાં ભરૂચ, નર્મદાવલસાડમાં પણ સીઆઇડી તપાસ કરી રહી છે.