છ કેદારનાથ યાત્રીકો માટે કેવડિયામાં વેપારીઓ દ્વારા બંધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સહાનુભૂતિ: છ સભ્યો કેદારનાથની યાત્રાએ ગયાના ૨૦ દિવસ વીતી ગયા બાદ પણ કોઇ પત્તો નથી
પરિવારને શોધવા ગયેલાં પુત્ર અને મિત્રો અનેક દિવસોની રઝળપાટ બાદ પરત ફર્યા
કેદારનાથમાં લાપત્તા છ સભ્યો સહીસલામત રીતે પરત આવે તેવી પ્રાર્થના કરાઇ
ઉત્તરાખંડમાં આવેલાં જળપ્રલય બાદ લાપત્તા બનેલાં કેવડિયાના ગોહિ‌લ પરિવારના છ સભ્યોનો ૨૦ દિવસ બાદ પણ કોઇ પત્તો લાગ્યો નથી ત્યારે લાપત્તા બનેલો પરિવાર સલામત અને હેમખેમ રીતે પરત ફરે તે માટે આજે ગુરૂવારે કેવડિયાના વેપારીઓએ સ્વયંભુ બંધ રાખી પરિવારને સાંત્વના પાઠવી હતી.
નર્મદા જિલ્લાના કેવડિયાના રહેવાસી અને કોન્ટ્રાકટરનો વ્યવસાય કરતાં ઐલેન્દ્રસિંહ ગોહિ‌લના પિતા પ્રવિણસિંહ ગોહિ‌લ, માતા રંજનબેન ગોહિ‌લ, બહેન સુનિતાબેન ગોહિ‌લ, બનેવી કિશોરસિંહ રાઠોડ, તેમના માતા તેજુબા અને ભાણી શિવાની ચારધામની યાત્રાએ ગયાં હતાં. તારીખ ૧૭મી જૂનના રોજ ઐલેન્દ્રસિંહ અને તેમના બનેવી કિશોરસિંહ રાઠોડ વચ્ચે મોબાઇલ ફોન પર અંતિમ વાતચીત થઇ હતી જેમાં તમામ સભ્યો કેદારનાથમાં ફસાઇ ગયાં હોવાનું જણાવ્યું હતું.
કેદારનાથના જળપ્રલય બાદ ગોહિ‌લ પરિવારના છ સભ્યોનો કોઇ પત્તો નહિ‌ લાગતાં ઐલેન્દ્રસિંહ મિત્રો સાથે તેમની શોધખોળ માટે દહેરાદૂન ગયાં હતાં. દહેરાદૂન, ઋષિકેશ તપાસ કરવા છતાં પણ માતા-પિતા, બહેન-બનેવી અને ભાણી સહિ‌તના તમામ છ સભ્યો નહિ‌ મળી આવતાં દિવસોની રઝળપાટ બાદ ઐલેન્દ્રસિંહ કેવડિયા પરત આવી ગયાં છે. આજે ગુરૂવારે કેવડિયાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને પરિવાર પ્રતિ સાંત્વના વ્યકત કરી હતી. કુદરતે વેરેલાં વિનાશમાંથી પરિવારના સભ્યો હેમખેમ પરત આવી જાય તેવી પ્રાર્થના પણ કરાઇ હતી.
લાપત્તા લોકોની સલામતી માટે પ્રાર્થનાઓનો દોર
કેદારનાથમાં બનેલી કરૂણાંતિકાનો ભોગ બનેલાં ગોહિ‌લ પરિવારના છ સભ્યો સહીસલામત અને હેમખેમ રીતે પરત આવી જાય તે માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પરિવારના સભ્યોને સાંત્વના મળી રહે તે માટે આજે કેવડિયાના વેપારીઓને સ્વૈચ્છિક રીતે બંધ પાળી પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યકત કરવામાં આવી હતી રાજુભાઇ પટેલ, પ્રમુખ, કેવડિયા વેપારી એસોસિએશન
રાજય સરકારમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે
કેવડિયા કોલોનીથી ચારધામની યાત્રાએ ગયેલાં છ શ્રધ્ધાળુઓ લાપત્તા હોવાથી તેમને શોધવા માટે પ્રયાસો કરવામાં આવ્યાં હતાં. તેમના પુત્ર તથા સ્વજનોએ પણ શોધખોળ કરી હતી પણ આજદિન સુધી તેમનો કોઇ પત્તો લાગ્યો નથી. તેમના લાપત્તા બનવા અંગે રાજય સરકારમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. રંજનબેન વાળા, અધિક કલેકટર, નર્મદા