તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

૨ હજારથી વધુ છાત્રો ધો.૧૧માં પ્રવેશથી વંચિત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નર્મદા જિલ્લામાં નવી શાળાઓને મંજૂરી આપવા વાલીઓની માગણી
- ધોરણ ૧૦નું પરિણામ સારૂ આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાયો
- જિલ્લામાં ૨૩ શાળામાં ધો.૧૧ના પ૬ વર્ગો જ હોવાથી પ્રવેશની સમસ્યા વિકટ


નર્મદા જિલ્લામાં ધોરણ ૧૧ના વર્ગોની મર્યાદિત સંખ્યાને કારણે ધોરણ ૧૦ના પરિણામ બાદ ધોરણ ૧૧માં પ્રવેશનો પ્રશ્ન વિકટ બન્યો છે. ધોરણ ૧૦માં પાસ થનારા વિદ્યાર્થી‍ઓની સંખ્યા અને ધોરણ ૧૧ના વર્ગોની સંખ્યા જોતાં ૨ હજારથી વધુ છાત્રો ધોરણ ૧૧માં પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઇ છે. જો કે શાળાઓમાં વર્ગોની સંખ્યા વધારવાની તેમજ છાત્રોના પ્રવેશની સમસ્યા ઉકેલવાની બાંયધરી શિક્ષણ વિભાગના સત્તાધિશોએ આપી છે.

નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦નું પરિણામ પ૭.૯૬ ટકા આવ્યુ હતું. જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ ૧૧ના વર્ગોની સંખ્યા મર્યાદિત હોવાથી આ વર્ષે પણ ધોરણ ૧૧માં છાત્રોના પ્રવેશનો મામલો પેચિદો બન્યો છે. ધોરણ ૧૦ના પરિણામને ૧ મહિ‌નો થવા આવ્યો હોવા છતાં હજી ૨ હજારથી વધુ વિદ્યાર્થી‍ઓ ધોરણ ૧૧માં પ્રવેશ મેળવી શકયા નથી. વિવિધ શાળાઓમાં ધોરણ ૧૧માં છાત્રોના પ્રવેશની કાર્યવાહી ચાલી રહી છે પરંતુ વર્ગોની સંખ્યા હજી સુધી વધારવામાં આવી નહિ‌ હોવાથી ૨ હજારથી વધુ બાળકોના વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

નર્મદા જિલ્લામાં ધોરણ ૧૦માં ૧૦,૨૦૧ વિદ્યાર્થી‍ઓએ પરીક્ષા આપી હતી, જે પૈકી પ,૯૧૨ વિદ્યાર્થી‍ઓ પાસ થયા છે. બીજી તરફ નર્મદા જિલ્લામાં ૨૩ ઉ. મા.શાળા આવેલી છે જેમાં આર્ટસ, કોમર્સ અને સાયન્સના પ૬ વર્ગો હોવાથી તંત્રએ વર્ગ દીઠ નક્કી કરેલા છાત્રોની સંખ્યા જોતા ૨ હજારથી વધુ વિદ્યાથીઓ પ્રવેશ વંચિત રહે તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. નર્મદા જિલ્લામાં નવી શાળાઓને મંજૂરી આપવા અથવા તો નવા વર્ગોને મંજૂરી આપવાની માંગણી વાલીઓ દ્વારા કરાઇરહી છે.

છાત્રોના પ્રવેશની સમસ્યા ઉકેલી નખાશે

રાજપીપળામાં નવી શાળાઓ તેમજ વધારાના વર્ગો માટે ગાંધીનગર ખાતે મંજૂરી માંગવામાં આવેલી છે. ગાંધીનગરથી મંજૂરી મળતા જ છાત્રોના પ્રવેશની સમસ્યાનો ઉકેલ આવી જશે. ગ્રામ્ય વિસ્તારના છાત્રો રાજપીપળાની શાળામાં જ ભણવાનો આગ્રહ રાખતા હોવાથી પ્રવેશની સમસ્યા વધુ વિકટ બનતી હોય છે.
ડી.બી. પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી, નર્મદા