Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડોલવણમાં વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઇ
વ્યારા | વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ.તાપી દ્વારા ડોલવણ ખાતે 08માર્ચ20 ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડોલવણ તાલુકાના વિવિધ ગામની કુલ 180 આદિવાસી મહિલાઓએ ઉમંગભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અધ્યક્ષ અને દક્ષિણ ગુજરાત વિકાસ સંસ્થા, તાપીના ફિલ્ડ ઓફિસર જસુબેન ચૌધરીએ નારી શકિત, સ્ત્રી સંગઠન, સ્ત્રી સન્માન વિશે માહિતી આપી હતી. કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ.સી.ડી.પંડ્યાએ મહિલાઓનું કૃષિ ક્ષેત્રે યોગદાન અને મહિલાઓને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા ઉપર ભાર મૂક્યો હતો. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો.આરતી.એન. સોનીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’નું મહત્વ સમજાવતાં જણાવેલ કે મહિલાઓ આજે દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. ખેડૂતમહિલાઓ તો ગૃહકાર્યની સાથે ખેતી અને પશુપાલન કાર્ય કરી કુટુંબના આર્થિક ઉપાર્જન કાર્યમાં ભાગીદાર બની છે. આથી સમાજમાં સ્ત્રી સન્માનને પાત્ર છે. વધુમાં તેમણે આદિવાસી વિસ્તારમાં ખાસ જોવા મળતો વારસાગત રોગ સિકલસેલ એનીમિયા અને તેને અટકાવવાના ઉપાયો ઉપર ટેકનીકલ માહિતી આપી હતી.