લોકસભાની ચૂંટણીમાં મહિલા સંચાલિત મતદાન મથકો
લોકસભાની ચૂંટણી પ્રક્રિયા પ્રારંભાઈ ચૂકી છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જ્યારે પ્રક્રિયાના ચરમસીમાએ 23મીએ સમગ્રત: ગુજરાત રાજ્યમાં મતદાન થશે, તેની સાથે નવસારી લોકસભા બેઠક માટે પણ મતદાન કરાશે. આ માટે જે મતદાન મથકો કાર્યરત હશે તેમાં લોકસભા ચૂંટણીમાં સૌ પ્રથમવાર સંપૂર્ણપણે મહિલા ઓફિસરો, કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથકો પણ નવસારી બેઠક વિસ્તારમાં કાર્યરત કરાઈ રહ્યા છે. સામાન્યપણે દરેક વિધાનસભા મત વિસ્તારમાં ઓછામાં ઓછા 5 કે તેથી વધુ આવા મહિલા સંચાલિત મતદાન મથકો છે.
નવસારી જિલ્લાના નવસારી, ગણદેવી અને જલાલપોર ઉપરાંત સુરતના ઉધના, ચોર્યાસી, લિંબાયત અને મજૂરા વિધાનસભા બેઠક વિસ્તારનો સમાવેશ થાય છે. જેથી સમગ્ર નવસારી જિલ્લામાં ઓછામાં ઓછા 15 જેટલા મતદાન મથકો મહિલા સંચાલિત હશે. સમગ્ર નવસારી લોકસભા બેઠક પર 35થી પણ વધુ મતદાન મથકો મહિલા સંચાલિત છે. લોકસભા ચૂંટણીમાં આવો પ્રયોગ સૌ પ્રથમવાર કરાય રહ્યો છે. ઈવીએમ અને વીવીપેટથી થનાર મતદાન મથકની પ્રક્રિયાઓ માટેની મહિલા ઓફિસો અને કર્મચારીઓને તાલીમ પણ ચીખલી પ્રાંત ઓફિસમાં અપાઇ હતી. મહિલા પ્રિસાઈડિંગ અધિકારીથી માંડી તમામ કર્મચારીઓ મતદાન મથકેએ મહિલાઓ જ હોવાનું ચૂંટણી તંત્રમાં કાર્યરત નાયબ મામલતદાર અને સીઓ જે.આર.મિસ્ત્રીએ જણાવ્યું હતું.
ગણદેવી વિધાનસભા બેઠક પર મહિલા મતદાન મથક
મહિલા સંચાલિત ગણદેવી વિધાનસભાના પાંચ મતદાન મથકોમાં ગણદેવીની હાઈસ્કૂલમાં ઉત્તર પાંખનું મતદાન મથક, બીલીમોરામાં એનસીએમ હાઈસ્કૂલમાં ઉત્તર પાંખનું, ચીખલીના સમરોલી ગામમાં દાદાભાઈ ઈટાલિયા હાઈસ્કૂલનું પશ્ચિમ પાંખનુ,ચીખલી કન્યાશાળાની દક્ષિણ પાંખ તેમજ ખેરગામ તાલુકાની ખેરગામ પ્રા.કુમારશાળા (ગામતળ ખેરગામ) પૂર્વ પાંખ મતદાન મથકો મહિલા સંચાલિત હોવાનું પ્રાંત અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારી ભોગાયતા અને ગણદેવીના મામલતદાર અશોકભાઈ નાઈક અને ચીખલીના મામલતદાર રાહુલભાઈ ચૌધરી, સુરેશભાઈ અને સતીષભાઈ પટેલે જણાવ્યું હતું.
ચીખલી પ્રાંત ઓફિસમાં મહિલાઓનો યોજાયેલો તાલીમ વર્ગ.