આદિવાસી સમાજને લગ્નમાં મોંઘા ડીજે અને બેન્ડના ખોટા ખર્ચ ઘટાડવા પ્રતિજ્ઞા લેવાડાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આદિવાસી સમાજમાં ચાલી રહેલા કુરિવાજો, લગ્નમાં મોંઘાદાટ ડીજે અને બેન્ડપાર્ટી જેવા ખોટા ખર્ચને દૂર કરવા સાંસદે કરેલી પહેલ બાદ હવે નેત્રંગ સ્વામિનારાયણ મંદિર દ્વારા પણ આવા દૂષણોમાંથી મુક્ત થવા ભક્તોને પ્રતિજ્ઞા લેવડાવી લોકોને સદમાર્ગે વાળવાનું કાર્ય હાથ ધર્યું છે.

આદિવાસી સમાજમાં લોકો લગ્ન પ્રસંગે મોંઘીદાટ બેન્ડ પાર્ટી અને ડીજેને લગ્ન પ્રસંગમાં રોકી ખોટો ખર્ચ કરતા હોય છે. માત્ર એટલું જ નહીં પરંતુ લગ્નની કંકોતરીમાં પણ કઈ બેન્ડ પાર્ટી આવશે છપાવીને સંબંધીઓને આમંત્રણ પાઠવાય છે. જેના કારણે મોંઘી બેન્ડ પાર્ટી જોવા માટે વણનોતરેલા લોકો પણ ઉમટી પડતા હોય છે. જેના કારણે લડાઈ-ઝઘડા, હત્યા જેવા બનાવો બનતા હોય છે. તાજેતરમાં જ મોવી ગામે લગ્નમાં નાચવા બાબતે યુવકની હત્ચાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ સાંસદ મનસુખ વસાવાએ પણ ડીજે, બેન્ડના દૂષણોને આદિવાસી સમાજમાંથી દૂર કરવાની હાંકલ કરી હતી. તો નેત્રંગ સ્થિત સ્વામીનારાયણ મંદિરના પ્રેમસ્વરૂપસ્વામીએ પણ આ અભિયાનમાં આગળ ધપાવ્યું છે. સ્વામી દ્વારા સાચા સમાજનું નિર્માણ નેત્રંગ, દેડિયાપાડા, રાજપીપળા, નસવાડી, વાલિયા, ઝઘડીયાની પૂર્વ પટ્ટીમાં આદિવાસી વિસ્તારના યુવાનો, ભક્તોને આ દૂષણમાંથી દૂર થવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી.

આદિવાસીઓને લગ્નના ખોટા ખર્ચમાંથી બહાર લાવવા માટે સમૂહ લગ્ન યોજાશે

ભક્તિધામ નેત્રંગના ભક્તિ વલ્લભસ્વામીએ જણાવ્યું હતું કે, લગ્નમાં ડીજે - બેન્ડ બંધ કરી આપણી સંસ્કૃતિ મુજબ ઢોલ અને શરણાઈ રાખી ખોટા ખર્ચા ઓછા કરી સમાજમાં ઉત્કૃષ્ટ દાખલો બેસાડી આદિવાસી સમાજને આવા દૂષણથી દૂર કરાશે. જેના માટે ગામે ગામ જઈને તેમને સમજાવવામાં આવશે. લગ્નના ખોટા ખર્ચમાંથી લોકોને બહાર લાવવા માટે સમૂહ લગ્નોનું પણ આયોજન કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...